Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

૮૦ ફુટ રોડ સત્યમ્ પાર્કમાં એક જ મકાન બે વખત વેંચી સસરા-જમાઇની છેતરપીંડી

નવીન ચાંડપાની ફરિયાદ પરથી રમેશ ઠાકોર અને તેના જમાઇ તુષાર સામે થોરાળા પોલીસે ગુનો નોંધ્યોઃ ૩૫ લાખમાં નવીનને મકાન વેંચી બાદમાં ૭II લાખમાં બીજા વ્યકિત સાથે પણ સોદો કર્યો!

રાજકોટ તા. ૨૯: એંસી ફુટ રોડ પર હુન્ડાઇના શો રૂમ સામે સત્યમ્ પાર્ક-૧માં બહુચર કૃપા ખાતે રહેતાં નવીનભાઇ ચકુભાઇ ચાંડપા (ઉ.૩૬) નામના દલિત યુવાન સાથે સસરા જમાઇની જોડીએ મકાનના સોદામાં ઠગાઇ કરતાં થોરાળા પોલીસે ગુનો નોંધ્યો છે.

નવીનભાઇ ચાંડપા પતરા બનાવવાનું કારખાનુ ધરાવે છે.તેની ફરિયાદ પરથી પોલીસે હાલ ખોડિયાર સોસાયટીમાં રહેતાં રમેશ ધનજીભાઇ રાઠોડ તથા તેના જમાઇ તુષાર સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. નવીનભાઇએ રમેશ ઠાકોર પાસેથી સત્યમ્ પાર્કનું તેનું મકાન રૂ. ૩૫ લાખમાં ખરીદવા સોદો કરી તેને રૂ. ૧૯ લાખ ચુકવી આપ્યા હતાં. બાકીના ૧૬ લાખ દસ્તાવેજ કરતી વખતે આપવાનું નક્કી થયું હતું.

પરંતુ સમય જવા છતાં દસ્તાવેજની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં તપાસ કરતાં નવીનભાઇને ખબર પડી હતી કે પોતાને જે મકાનના સાટાખત કરી અપાયો છે એ જ મકાનનો સાટાખત બીજી વખત વિપુલભાઇ સામતભાઇ રાઠોડને કરી આપી તેની પાસેથી પણ સસરા જમાઇએ રૂ. ૭II લાખ લઇ લીધા છે! આમ બંનેએ એક જ મકાન બબ્બે લોકોને વેંચી ઠગાઇ કર્યાનું સામે આવતાં નવીનભાઇએ ફરિયાદ નોંધાવી હતી. પી.આઇ. બી. ટી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ પી.ડી. જાદવ અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(3:32 pm IST)