Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના સામે જંગ : મ્યુ. કોર્પોરેશન દ્વારા દાતાઓને ઓનલાઇન ટહેલ

'આઇ કેર ફોર રાજકોટ લેટ્સ ફાઇટ અગેઇન્સ કોરોના' શિર્ષક હેઠળ ખાસ પ્રોજેકટ : વ્યકિતગત દાતા, સેવાભાવી સંસ્થા, વેપારી એસો. વગેરે ફુડ પેકેટ, શ્રમદાન, ખાદ્ય સામગ્રી, તબીબી સહાય, તબીબી સાધનો, હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કોઇપણ પ્રકારની સેવા આપવા અપીલ

રાજકોટ તા. ૨૮ : કોરોનાના સંક્રમણને રોકવા લોકડાઉનની સ્થિતિ દેશભરમાં છે ત્યારે લોકોને આરોગ્ય, સફાઇ, તબીબી સેવા, અનાજ, ફૂડ પેકેટ વગેરેમાં સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એકલા હાથે પહોંચી વળે તેમ હોઇ રાજકોટ કોર્પોરેશને કોરોના સામેનો જંગ જીતવા દાતાઓને સહયોગી થવા ઓનલાઇન ટહેલ નાંખી છે અને તેમાં અનેક સેવાભાવી સંસ્થાઓ, વ્યકિતઓનો સહયોગ મળી રહ્યા છે. જેથી લોકોને તમામ સુવિધા અને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તેવી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવાઇ રહ્યાનું જાણવા મળ્યું છે.

આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં તમામ શહેરીજનોને તેમજ એકલા, નિઃસહાય, શહેરમાં અટવાઇ ગયેલા, ગરીબ કુટુંબો, દર્દીઓ વગેરેને જીવનજરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજકોટ મ્યુ.કોર્પોરેશને 'લેટ્સ ફાઇટ્સ અગેઇન્સ કોરોના' શીર્ષક હેઠળ ખાસ ઓનલાઇન પ્રોજેકટ શરૂ કર્યો છે.

આ પ્રોજેકટ મુજબ રાજકોટ કોર્પોરેશનની વેબસાઇટ ખાસ ફોર્મ બનાવાયું છે. આ ફોર્મમાં જે કોઇ વ્યકિત - દાતા, સંસ્થાઓ કોરોના સામેના જંગમાં કયા પ્રકારની સેવા કેવી રીતે આપવા માંગે છે. તેની વિગતો ભરી અને આ લડતને વધુ મજબૂત બનાવવાના સુચનો પણ આપવા અપીલ કરાઇ છે.

આ પ્રોજેકટમાં સામેલ થવા ઇચ્છનારાઓએ તેઓ ડોકટર હોય તો, તબીબી સેવા અથવા તેઓની હોસ્પિટલમાં બેડની સેવા અને તબીબી સાધનોની સેવા આપી શકે આજ રીતે ટ્રસ્ટની હોસ્પિટલો પણ આ પ્રકારની સેવામાં જોડાઇ શકે.

જ્યારે વેપારી એશોસીએશનો દુધ, શાકભાજી, કરિયાણુ, દવાઓ વગેરેની વિતરણ વ્યવસ્થામાં સહયોગ આપી શકે. ઉપરાંત ફુડ પેકેટ વગેરેની સેવા આપી શકે છે.

જ્યારે સેવાભાવી સંસ્થાઓ, આરોગ્ય, ફૂડ પેકેટ વિતરણ, સ્વચ્છતા વગેરેમાં શ્રમદાન કરી શકે.

આમ, પ્રકારનો એક વ્યવસ્થિત પ્રોજેકટ બનાવી, વ્યકિતગત, સંસ્થાઓ વગેરે દ્વારા શહેરમાં જીવન જરૂરી વસ્તુઓ અને આરોગ્યની સેવાઓ સુદ્રઢ રીતે મળી રહે તેવું આ યોજન ગોઠવાઇ રહ્યું છે.

આમ, મ્યુ. કોર્પોરેશનની આ ઓનલાઇન ટહેલને અનેક સેવાભાવી સંસ્થાઓએ ઉપાડી લીધાનું અને પોતાનાથી બનતો સહયોગ આપવા તૈયારી બતાવી રહ્યાનું જાણવા મળ્યું છે.

(3:44 pm IST)