Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રાજકોટનું પુરવઠા તંત્ર રામભરોસે : ૯ મહીનાથી ઇન્ચાર્જ ડીએસઓ : આજે તો આખી ઓફીસ ખાલીખમ

હેડકલાર્ક-ઇન્સ્પેકટરો કે અન્ય કોઇ નહોતા : અરજદારોને ધક્કા : કલેકટર સુધી ફરીયાદો

રાજકોટ, તા. ર૭ :  રાજકોટ જીલ્લા પુરવઠા તંત્ર રામભરોસે હોય તેમ છેલ્લા ૯ મહિનાથી ઇન્ચાર્જ ડીએસઓ થી ગાડૂ ગબડાવાય છે. સરકારે તાજેતરમાં ૩ વખત ડે. કલેકટરોની બદલી કરી પરંતુ રાજકોટ  પુરવઠા અધિકારીની જગ્યા જ ભરી નથી, પરિણામે કલેકટરોએ જે તે ડે. કલેકટરોને ચાર્જ સોંપાય છે.

હાલ ઇન્ચાર્જ ડીએસઓ તરીકે રાજકોટ રૂરલ પ્રાંત શ્રી ઓમ પ્રકાશ છે, આ પહેલા જેગોડા હતા એ પહેલા ચૂંટણી અધિકારી ધાધલ પાસે ચાર્જ હતો, તો એ પહેલા મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેટકર પટેલ પાસે ચાર્જ હતો, ટુંકમાં ચાર્જની બધુ ચાલે છે.

આના કારણે અરજદારોના પ્રશ્નો-નીતિ વિષયક નિર્ણયો લેવાતા નથી, અરજદારોને ધક્કા થાય છે. દુકાનદારોને પણ ધકકા થાય છે, લોકોમાં રોષ છે, અને પરીણામે પુરવઠા તંત્ર અંગે કલેકટર-એડી. કલેકટર સુધી ફરીયાદો પહોંચી છે.

આજે તો આખી ઓફીસ ખાલીખમ હતી, હેડ કલાર્ક ધ્રુવ હાજર નહોતા, ઇન્સ્પેકટર કીરીટસિંહ ઝાલા રજા ઉપર છે, અન્ય એક ઇન્સ્પેકટર પુરવઠાના કેસ અંગે કોર્ટમાં ગયા હતા. ર થી ૩ અરજદારો આવ્યા પણ કોઇ જવાબદાર હાજર ન હોય, ધરમધક્કા થયા હતા.

ખુદ કલેકટર કચેરીના કર્મચારીઓ અને પુરવઠાના કર્મચારીઓ કહી રહ્યા છે કે, સરકારે ડીએસઓની પોસ્ટ જ નાબુદ કરી પુરવઠા મામલતદારની નવી પોસ્ટ ઉભી કરવાની જરૂર છે, મોટે ભાગે કામગીરી ઠપ્પ જેવી છે.

(3:54 pm IST)