Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

એપ્રિલ સુધી બંધારણ અને મુળભુત ફરજો અંતર્ગત કેમ્પેઇનઃ પ્રજાજન જાગૃતિના કાર્યક્રમો

બંધારણીય દિને રાજકોટ માહિતી ખાતાના કર્મચારીઓએ શપથ લીધા

રાજકોટ તા.૨૭, બંધારણીય દિનની ઉજવણી નિમિતે રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરીના સ્ટાફ  દ્વારા શપથ કાર્યક્રમ નાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોષી અને શ્રી અરવિંદ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ભારતીય સંવિધાનના આમુખનું વાચન સહાયક માહિતી નિયામકશ્રી જે.એન.સત્યદેવએ કરાવ્યુ હતું. આ પ્રસંગે સહાયક માહિતી નિયામક શ્રીમતી સોનલ જોષીપુરા સહિતના સ્ટાફે શપથ લીધા હતા.

 સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના ગાંધીનગરના પરિપત્ર અન્વયે રાજય સરકારની જિલ્લાની વિવિધ કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બંધારણ દિવસના આમુખનું વાંચન કરીને શપથ લેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના બંધારણની રચનામાં ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય યોગદાન થકી ડો. બાબાસાહેબ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટું અને લિખિત બંધારણ છે. ભારતનું આ બંધારણ તા. ૨૬/૧૧/૧૯૪૯ના દિવસે બંધારણ સભામાં પસાર થયેલ છે. જે અન્વયે પ્રતિ વર્ષે તા. ૨૬ મી નવેમ્બરને બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

 ચાલુ વર્ષે બંધારણીય દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી સંદર્ભે બંધારણ અને મૂળભુત ફરજો વિષય પર  તા. ૨૬/૧૧/૧૯ થી તા. ૧૪/૪/૨૦૨૦ (ડો. બી. આર. આંબેડકર જન્મ જયંતિ) દરમિયાન કેમ્પેઇન કરવામાં આવી રહયો છે. પ્રજાજનોમાં બંધારણીય ફરજો વિશે જાગૃતિ કેળવાય અને સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ યોજનાઓ વિશે પ્રજાજનો માહિતગાર થાય તે માટે આ કેમ્પેઇન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. 

(3:46 pm IST)