Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

માતાને મકાન ખાલી નહી કરવા અને ભરણ પોષણ ચુકવવા પુત્ર વિરૂધ્ધ કોર્ટનો હુકમ

રાજકોટ તા ૨૭  : વયોવૃધ્ધ માતાને મકાનમાંથી દુર નહીં કરવાનો અને માસીક રૂ ૪૦૦૦/- લેખે ભરણપોષણ આપવાનો હુકમ ટ્રાફીક કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટમાં સ્ટર્લીંગ હોસ્પીટલ પાછળ ''ગુરૂકૃપા'' મકાન કે જે હરસિધ્ધી સોસાયટીમાં રહેતા વૃધ્ધ મહિલા નિર્મળાબેન પરશોતમભાઇ અજાગીયા, ઉ.વ.૮૦નાએ તેમના પુત્ર જીતેન્દ્રભાઇ પરસોતમભાઇ અજાગીયા દ્વારા વૃધ્ધ માતાને મકાન ખાલી કરી દેવાના હેતુથી આપવામાં આવેલ શારીરીક, માનસીક ત્રાસ અને ઘરેલું હિંસાના કૃત્યોથી થાકી ત્રાસીને તેમજ જીતેન્દ્રભાઇ દ્વારા ભરણ પોષણની નોટીસ આપવા છતાં પણ વૃધ્ધ માતાને ભરણ પોષણ આપવાની દરકાર ન કરતાં ના છુટકે વૃધ્ધ જનેતાએ પુત્ર જીગ્નેશભાઇ અજાગીયા વિરૂધ્ધ રાજકોટની ફોજદારી કોર્ટમાં ઘરેલુ હિંસાના કાયદા હેઠળ રહેણાંકના મકાનમાંથી દુર કરે નહીં વિગેરે દાદ માંગતી અરજી કરેલ.

અદાલતે અરજદાર નિર્મળાબેનની તેમના પુત્ર વિરૂધ્ધની અરજી અંશતઃ મંજુર કરીને અરજદારને તે હાલમાં જે મકાનમાં રહે છે તેમાંથી દુર કરે નહીં કે તેમાં પ્રવેશતા અટકાવે નહી કે તેનો ઉપયોગ, ઉપભોગ કરતાં અટકાવે નહીં તેવો પુત્ર વિરૂધ્ધ હુકમ ફરમાવેલ છે. તેમજ અરજદાર વૃધ્ધ માતાને સામાવાળાએ અરજી તા.૨૨/૧૨/૨૦૧૬ થી માસીક રૂ ૪૦૦૦/- લેખે ભરણ પોષણ ચુકવવા તેમજ અરજી ખર્ચ અપાવવા હુકમ ફરમાવેલ છે અને તેની વૃધ્ધ માતાને પુત્ર જીતેન્દ્રભાઇએ  આજદીન સુધી રૂ ૧,૪૦,૦૦૦/- અરજદાર માતાને ચુકવવાના થાય છે. આ કામે ધારાશાસ્ત્રી કેતન એમ. સિંધવા અને અતુલ વી. પટેલ રોકાયેલા હતા.

(3:35 pm IST)