Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

તોપખાનામાં રાહુલ વાલ્મિકી પર આપઘાત કરનાર બહેનના મંગેતર પ્રકાશ ઉર્ફ લવલી સહિતનો હુમલો

રાહુલને બચાવવા વચ્ચે પડેલા પત્નિ અને માસીની પણ ધોલધપાટઃ લવલીએ સગાઇ તોડવાની વાત કરતાં રાહુલની બહેને જીવ દીધો'તોઃ અ અંગેની ફરિયાદ પાછી ખેંચવાનું કહી લવલી, તેનો ભાઇ અને માતા તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૭: પાંચ દિવસ પહેલા પેડક રોડ વાલ્મિકી આવાસ કવાર્ટરની યુવતિ નેહા નિર્મળભાઇ બોરીચા (ઉ.૧૮)ને તેના પરસાણાનગરમાં રહેતાં મંગેતરે હવે સગાઇ નથી રાખવી તેમ કહી દેતાં તેણીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે તેણીના ભાઇ રાહુલએ ફરિયાદ નોંધાવી હોઇ તેનો ખાર રાખી નેહાના મંગેતર સહિતનાએ ઝઘડો કરી રાહુલ, તેના પત્નિ અને માસી પર હુમલો કરતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે પેડક રોડ પર વાલ્મિકી આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ડી-૧૦માં રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં રાહુલ નિર્મળભાઇ બોરીચા (ઉ.૨૦) નામના વાલ્મિકી યુવાનની ફરિયાદ પરથી તોપખાના હરિજનવાસમાં પુલ પાસે રહેતાં પ્રકાશ ઉર્ફ લવલી ગોવિંદભાઇ પરમાર, તેના ભાઇ ગિરીશ ઉર્ફ ભોજીયો ગોવિંદભાઇ પરમાર અને માતા જ્યોત્સનાબેન ગોવિંદભાઇ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

રાહુલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારી પત્નિ અને દિકરી સાથે રહુ છું. મારા માતા-પિતા, બહેન અલગ રહે છે. મારી નાની બહેન નેહા (ઉ.૧૭)એ ૨૨/૧૧ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેનું પાણીઢોળ ગઇકાલે ૨૬મીએ રાખ્યું હોઇ અમે પ્રસંગ માટે વાસણો ભાડે લીધા હોઇ તે મુકવા હું તથા મારી પત્નિ કાજલ અને માસી કિરણબેન તોપખાના તરફ આવ્યા હતાં. અહિથી પરત અમારા ઘરે જતાં હતાં ત્યારે તોપખાનાના પુલ પાસે  પહોંચ્યા ત્યારે આપઘાત કરનાર મારી બહેન નેહાનો મંગેતર પ્રકાશ ઉર્ફ લવલી તથા તેનો ભાઇ તથા માતા આવ્યા હતાં અને ઝઘડો કરી ગાળો દઇ મને વાળપકડી માર મારી ફરિયાદ પાછી ખેંચી લેવા કહ્યું હતું. તેમજ પાવડાના હાથાથી પણ માર મારી મારું ટી-શર્ટ ફાડી નાંખ્યું હતું.

પ્રકાશ ઉર્ફ લવલી સાથે મારી બહેન નેહાની સગાઇ દસ મહિના પહેલા થઇ હતી. પણ પ્રકાશ ત્યારથી સતત મારી બહેનને તું ગમતી નથી, સગાઇ તોડી નાંખવી છે...લગ્ન નથી કરવા તેમ કહી હેરાન કરતો હોઇ મારી બહેને ગળાફાંસો ખાઇ લીધો હતો. આ અંગે અમે બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ કરી હોઇ તે પાછી ખેંચી લેવાનું કહી મારા પર હુમલો કરાયો હતો. છોડાવવા વચ્ચે પડેલા મારા પત્નિ અને માસીને પણ મારકુટ કરવામાં આવી હતી.

(1:10 pm IST)