Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજકોટમાંથી ગામડે જનાર પ હજાર લોકોને નોટીસ ફટકારતા ભંડેરી

ભલે તમે ગામડે આવ્યા પણ ઘરમાં જ પૂરાઇ રહેવાનું છે : ચોરે ટોળા વળવાનો કોઇ અર્થ નથીઃ જોખમ વધી રહેલુ છે.. : રાજકોટના તમામ જનરલ પ્રેકટીશનર અને ફીઝીશ્યનોએ પોતાના દવાખાના ખોલી નાંખ્યા છે : ઉમરગ્રસ્તોને છૂટછાટ : હાલ હાઉસ ટુ હાઉસ સર્વે ચાલુ : વેન્ટીલેટરની ટ્રેનીંગ માટે વધુ ૮ ડોકટરોને મોકલાયા : કોરોના જોખમ અંગે કહ્યું હજુ ૩થી ૪ દિવસ રાહ જોવી પડશે : 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ, તા. ર૭ : રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીશ્રી ભંડેરીએ આજે બપોરે ર વાગ્યે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટના તમામ જનરલ પ્રેકટીશનર ડોકટરોએ તો પોતાના દવાખાના-હોસ્પિટલો ગઇકાલથી જ ખોલી નાંખી છે અને આજથી શહેર-જીલ્લાના ફીઝીશયનોએ પણ પોતાની પ્રેકટીશ શરૂ કરાવી દીધી છે. આ તમામ ડોકટરોને પોતાની હોસ્પિટલ બહાર દુકાનોની જેમ ચોકઠા કરાવી લેવા ખાસ સૂચના અપાઇ છે.

તેમણે ઉમેર્યું હતું કે રાજકોટના જે મોટી ઉંમરના ડોકટરો છે, ડાયાબીટીશના પેસન્ટ છે તેઓને બંધ રાખવા અંગે છૂટ અપાઇ છે.

તેમણે ઉમેર્યું હતું કે રાજકોટથી જીલ્લામાં પોતાના ગામડે ૪ થી પ હજાર લોકો ગયા છે. તેમને તમામને અમે નોટીસ ઇસ્યુ કરી રહ્યા છીએ. નોટીસો આપવાનું શરૂ પણ કરી દેવાું છે.

જણાવી દીધું છે કે ભલે તમે ગામડે આવ્યા પણ ઘરની બહાર નીકળવાનું નથી, ઘરમાં જ પૂરાઇ રહેવાનું છે. ચોરે ટોળા વળવાનો કોઇ અર્થ નથી, જોખમ બધે રહેલુ છે.

શ્રી ભંડેરીએ ઉમેર્યું હતું કે ૮ મેડીકલ ઓફીસરોને વેન્ટીલેટરની ટ્રેનીંગ આપી દેવાઇ છે અને વધુ ૮ને આજે મોકલ્યા છે.

હાલ હાઉસ ટુ હાઉસ સર્વે ચાલુ છે. જે લોકો સીટીમાંથી ગામડે ગયા તેઓ પણ ઘરમાં જ પૂરાઇ રહી, અમુક ગામમાં તો ૧૦૦ થી ૧પ૦ લોકોથી વધુ ગયા છે.

કોરાનાનું જોખમ ઓછુ થયું કે કેમ તે બાબતે ડોકટર શ્રી ભંડેરીએ જણાવ્યું હતું કે હજુ ૩ થી ૪ દિવસ રાહ જોવી પડશે, પછી કંઇક નક્કી કરી શકાશે.

(3:24 pm IST)