Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

શિકાગોથી આવેલી યુવતી હોમ કોરોન્ટાઇનમાંથી પરિવાર સાથે તાળુ મારી નિકળી જતા ગુન્હો નોંધાયો

કીંગ્ઝ હાઇટમાં રહેતા પરિવારની રપ વર્ષીય યુવતી ર૦મીના આવ્યા બાદ ૧૪ દિવસ ઘરમાં જ રહેવા સરકારી સુચનાને ઘોળીને પી જતા કડક પગલું

રાજકોટ, તા., ર૭: અમીન માર્ગ નજીક કીંગ્ઝ હાઇટમાં રહેતા પરિવારની શિકાગોથી  પરત આવેલી યુવતી હોમ કોરોન્ટાઇનની સરકારી સુચનાનું ઉલ્લંઘન કરી પરિવાર સાથે ઘરે તાળુ મારી નિકળી જતા આઇપીસી ર૬૯, ર૭૦, ર૭૧, ૧૮૮ અને ધ એપીડેમીક   ડીસીઝ એકટ ૧૮૯૭ની કલમ ૩ મુજબ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે પ્રકાશભાઇ ગોવીંદભાઇ બારોટ (ઉ.વ.૪૯) નામના જુનીયર કલાર્કની ફરીયાદ પરથી યુવતી સામે ગુન્હો નોંધ્યો છે. પોલીસે નોંધેલી એફઆઇઆરમાં જણાવ્યું છે કે તા. ર૦-૩-ર૦ર૦ના કીંગ્ઝ હાઇટમાં રહેતા પરિવારની પુત્રી શિકાગોથી પરત આવી હતી. જેને લઇને તેને વૈશ્વિક બિમારી કોરોના થવાની શકયતા હોવાથી સ્ક્રીનીંગ કરી તેના ઘેર જ ૧૪ દિવસ કોરોન્ટાઇનમાં રહેતા જણાવવામાં આવ્યું હતું અને કોઇ પણ સંજોગોમાં રહેણાંકની બહાર ન નીકળવું તેવી સુચના  આપવામાં આવી હતી. આ યુવતીનું સુપરવીઝન ફરીયાદી પ્રકાશભાઇ બારોટને સોંપવામાં આવ્યુ઼ હતું. તા.ર૬મીના સવારે અને સાંજે બે ટાઇમ પ્રકાશભાઇ યુવતી અને પરિવારજનોની તપાસણી માટે  ગયા ત્યારે ઘરે તાળુ મારેલું નજરે પડયું હતું. તેમના મોબાઇલ નંબર ઉપર ફોન કરવામાં આવતા મોબાઇલ પણ બંધ મળતો હતો. તેથી તેમના પાડોશીઓને પુછતા તેઓ પણ અજ્ઞાત હતા. આ બારામાં મ્યુનિસીપલ કોર્પોરેશનના આસી. કમિશ્નર હર્ષદભાઇ પટેલનું માર્ગદર્શન લેવાતા તેમણે કાયદાકીય કાર્યવાહીનો આદેશ આપતા ઉપરોકત યુવતી સામે વિધિવત ફરીયાદ નોંધાવવામાં આવી હતી. પીએસઆઇ જે.એસ. ચંપાવતે વધુ તપાસ હાથ ધરી છે.

(1:12 pm IST)