Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ચાર શખ્સોએ વ્યાજ માટે બળજબરી કરતાં લક્ષ્મીવાડીનો કોૈશિક પારેખ પૂજારાપ્લોટની બંધ નિશાળમાં સળગ્યો

મોબાઇલ રિપેરીંગનું કામ કરતાં વણિક યુવાને આશાપુરા મોબાઇલવાળા નિલેષ રજપૂત, મિલપરાના મોબાઇલવાળા હાર્દિક ગોકાણી, લક્ષ્મીવાડીના હરૂભા ઝાલા અને દિપ રાજપૂત પાસેથી વ્યાજે નાણા લીધા'તાઃ ચારેય સામે ગુનો નોંધવા તજવીજ

રાજકોટ તા. ૨૭: વ્યાજની ઉઘરાણી માટે બળજબરી થતાં લક્ષ્મીવાડીમાં રહેતાં અને મોબઇલ ફોન રિપેરીંગનું કામ કરતાં વણિક યુવાને ઘર નજીક પૂજારા પ્લોટમાં આવેલી અને વર્ષોથી બંધ પડેલી નિશાળના પટમાં જઇ શરીરે પેટ્રોલ રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ચાર શખ્સો પાસેથી આ યુવાને ધંધાના કામે અલગ-અલગ ટકાથી વ્યાજે નાણા લીધા હતાં. વ્યાજની ઉઘરાણી માટે સતત હેરાનગતી થતી હોવાથી કંટાળીને આ પગલું ભર્યાનું તેણે જણાવતાં પોલીસે ચારેય સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

સવારે પોણા આઠેક વાગ્યે પૂજારા પ્લેટમાં આવેલી બંધ પડેલી નિશાળના પટમાંથી ધૂમાડા નીકળતાં દેખાતાં લોકો ભેગા થઇ ગયા હતાં. તપાસ કરતાં એક યુવાન સળગ્યો હોવાનું જણાતાં આગ બુઝાવવા પ્રયાસ કરાયો હતો. દરમિયાન આ યુવાનના સ્વજનો પણ દોડી આવ્યા હતાં અને તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં આ યુવાનનું નામ કોૈશિક નરેશભાઇ પારેખ (વણિક) (ઉ.૧૯-રહે. લક્ષ્મીવાડી, લક્ષ્મી પાર્ક બી-૨, ફલેટ નં. ૨૦) હોવાનું અને તે જાતે જ પેટ્રોલ છાંટીને સળગ્યો હોવાનું જણાવાતાં ભકિતનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

એએસઆઇ સુભાષભાઇ વી. ડાંગર અને મદદનીશે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. કોૈશિકે પુછતાછમાં જણાવ્યું હતું કે પોતે મોબાઇલ રિપેરીંગનું કામ કરે છે. ધંધાના કામે પૈસાની જરૂર પડતાં નિલકંઠ ટોકિઝ પાસે આશાપુરા મોબાઇલ નામે દૂકાન ધરાવતાં નિલેષ રજપૂત પાસેથી ૧૦ ટકે દોઢ લાખ વ્યાજે લીધા હતાં. તેની સામે પોતાના મિત્રની અલ્ટો કાર, બાઇક, પોતાનું એકટીવા, બે આઇફોન, બે સેમસંગ ફોન તેણે લઇ લીધા હતાં. આ ઉપરાંત વ્યાજની ઉઘરાણી થતી હતી. તેમજ મિલપરા મેઇન રોડ પર બાલાજી મોબાઇલ નામે દૂકાન ધરાવતાં હાર્દિક ગોકાણી પાસેથી ૧ લાખના મોબાઇલ ફોન લીધા હતાં, લક્ષ્મીવાડીના હરૂભા ઝાલા પાસેથી ૫ ટકે દોઢ લાખ અને લક્ષ્મીવાડીના જ દિપ રજપૂત પાસેથી ૫૦ હજાર વ્યાજે લીધા હતાં. આ તમામ તરફથી વ્યાજની આકરી ઉઘરાણી થતી હોઇ કંટાળી જતાં પોતે સળગી ગયો હતો. પોલીસે કોૈશિકની આ કેફીયતને આધારે ચારેય સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે

(3:40 pm IST)