Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સ્વાઇન ફલૂના દર્દીઓમાં ઘટાડા વચ્ચે રાજકોટમાં વિંછીયાના વૃધ્ધનો ભોગ લેવાયોઃ મૃત્યુઆંક ૯૧

ત્રણ મહિનાના સમયગાળામાં સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ૩૬૩ દર્દી નોંધાયાઃ આજે ૧૮ દર્દી સારવારમાં

રાજકોટ તા. ૨૭: ઉનાળો તપવા માંડતા જ સ્વાઇન ફલૂના દર્દીઓમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે આજે વધુ એક દર્દીએ દમ તોડી દીધો છે. વિંછીયા પંથકના ૭૦ વર્ષના વૃધ્ધનું વોકહાર્ટ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો હતો. ત્રણ મહિનાના ગાળામાં શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કુલ ૯૧ દર્દીઓના આ રોગને કારણે ભોગ લેવાઇ ચુકયા છે.

આજના દિવસે શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ૧૮ દર્દી સારવાર હેઠળ છે. આ આંકડો એક સમયે ૫૦ કે ૬૦ની આસપાસ રહેતો હતો. જો કે આ વચ્ચે પણ ગઇકાલે એક ૭૦ વર્ષના વૃધ્ધાનો ખાનગી હોસ્પિટલમાં પોઝિટીવ રિપોર્ટ જાહેર થયો છે. તા. ૧-૦૧-૨૦૧૯ થી તા. ૨૬-૦૩-૨૦૧૯ સુધીમાં શહેરમાં સ્વાઇન ફલૂ પોઝિટીવ રિપોર્ટ ધરાવતાં કુલ ૩૬૩ દર્દી જાહેર થયા છે. જ્યારે ૯૧ના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યના ૯૨ દર્દી અને ૨૩ના મોત, રાજકોટ શહેરના ૧૧૬ દર્દી અને ૨૫ના મોત તથા બીજા જીલ્લાઓમાંથી રાજકોટ સારવાર માટે આવ્યા હોઇ તેવા ૧૫૫ દર્દી નોંધાયા હતાં અને તે પૈકી ૪૨ના મોત થયા હતાં. આજના દિવસે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૧૯ દર્દી સારવાર લઇ રહ્યાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું છે. જેમાં ધોરાજી, જેતપુર, અમરેલી, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને રાજકોટના દર્દીઓનો સમાવેશ થાય છે.

(3:39 pm IST)