Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રૈયાધાર ઇન્દિરાનગરમાં બે પરિવારોના ઘર નજીક સરકારી જમીનમાં ભરવાડ શખ્સોનું દબાણઃ ધાકધમકી

પોલીસ લખેલી કારમાં આવી ચણતર કરવા પ્રયાસઃ તેને અટકાવવા જતાં બીજલભાઇ અને હિતેષભાઇને ધમકીઃ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ

દબાણ કરવા આવેલા શખ્સોની કાર અને તેમાં પોલીસ લખેલુ બોર્ડ દેખાય છે

રાજકોટ તા. ૨૭: રૈયાધાર ઇન્દિરાનગર મફતીયાપરામાં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં  બીજલભાઇ જોધાભાઇ ભરવાડ અને હિતેષભાઇ કિશોરભાઇ ગોહેલ (મોચી)ના ઘર પાસેની ખાલી જમીન (સરકારી પ્લોટ)માં બે ભરવાડ શખ્સોએ દબાણ કરવા પ્રયાસ કરી મોચી પરિવારના લોકોને મારી નાંખવાની ધમકી આપતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

બીજલભાઇ અને હિતેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે જ્યાં રહે છે ત્યાં માલિકાના મકાન છે. બાજુમાં ખાલી જમીન-સરકાી પ્લોટ હોઇ તેમાં બે ભરવાડ શખ્સોએ ઘુસણખોરી કરી દબાણ કરવા પ્રયાસ કરતાં તેને અટકાવતાં ધમકી આપી હતી. આ બંને પોલીસનું બોર્ડ રાખેલી કારમાં આવ્યા હતાં અને ચણતર કરવા પ્રયાસ કર્યો હતો. આ બંનેએ કેમેરો પણ તોડી નાંખ્યો હતો. આ શખ્સોએ તમારાથી થાય તે કરી લેજો, પોલીસ પણ અમારું કંઇ બગાડી શકશે નહિ તેમ કહી ધમકીઓ આપી હતી. પોતાના ઘરની દિવાલોને નુકશાન થાય એ રીતે દબાણ કરવા પ્રયાસ કરી રહ્યા છે.

આ ભરવાડ શખ્સો સાથે બીજા ચાર-પાંચ શખ્સો પણ આવે છે અને સતત ગાળાગાળી કરી હેરાન કરે છે. આ લોકોએ દબાણ કરવા માટે બેલા, ઇંટો પણ મુકી દીધા છે. પોલીસ આ શખ્સો સામે તાકીદે કાર્યવાહી કરી પગલા લઇ ફફડી રહેલા અરજદારોને ભયમુકત બનાવે તેવી માંગણી કરવામાં આવી છે.

(3:25 pm IST)