Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

દૂધની ડેરી પાસે ગેંગરેપના પ્રયાસમાં ત્રણ ઝડપાયાઃ જાહેરમાં સરભરા

ક્રાઇમ બ્રાંચે ફેબ્રુઆરી માસના ગુનામાં ફરાર નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ લાલો, શહેજાદ ઉર્ફ ગોટીયો અને ઇમરાનને કચ્છના જુના કટારીયા ગામેથી પકડી લીધા : 'મારે તારી સાથે સુવુ છે' કહી ઇમ્તિયાઝે મહિલાનો કૂરતો ફાડી નાંખ્યો'તોઃ સાથેના શખ્સો શહેઝાદ, સોહિલ અને એક જાડીયાએ લાફા અને બોથડ પદાર્થથી મારકુટ કરી પલંગ સાથે બાંધવાનો પ્રયાસ કરતાં કરતાં પણ પલંગ તૂટી ગયોઃ'તોઃ ડેરી વિસ્તારમાં 'સરઘસ' કાઢી સીન વીંખી નાંખ્યા : ડેરી વિસ્તારમાં મહિલાઓની છેડછાડની સતત ફરિયાદો વચ્ચે પોલીસ કાયમી ધોરણે વિસ્તારમાં લુખ્ખાઓ પર નજર રાખે તેવી માંગણી : સંતોષભાઇ મોરી, કુલદીપસિંહ જાડેજા અને મયુરભાઇ પટેલની બાતમી પરથી દબોચાયા

દૂધની ડેરી વિસ્તારમાં છેડતીના ગુનામાં ફરાર નામીચા શખ્સ ઇમ્તિયાઝ ઉર્ફ લાલો અને તેના બે સાગ્રીતોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ દૂધની ડેરી વિસ્તારમાં લઇ જઇ જાહેરમાં પુછતાછ કરતાં લોકોના ટોળા ભેગા થયા હતાં. તસ્વીરમાં ઝડપાયેલા ત્રણેય સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ અને ત્રણેયે જાહેરમાં હાથ જોડી માફી માંગી તે દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) (

રાજકોટ તા. ૨૭:  દૂધ સાગર રોડ પર રહેતો અને અગાઉ દારૂ, હત્યા, હત્યાની કોશિષ, ગેરકાયદેસર હથીયાર રાખવા સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખાભાઇ રાઉમા નામના શખ્સે તા.૬ ફેબ્રુઆરીની રાત્રે ત્રણ સાગ્રીતો સાથે મળી રિધ્ધી સિધ્ધી સોસાયટી ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતી ૨૮ વર્ષની મેમણ પરિણીતાના ઘરમાં ઘુસી જઇ 'મારે તારી સાથે સુવુ છે' તેમ કહી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતાં અને તેના સાગ્રીતોએ આ મહિલાને મારકુટ કરતાં ચકચાર મચી ગઇ હતી. મહિલાને પલંગ સાથે બાંધીને દૂષ્કર્મ કરવાનો પ્રયાસ થયો હતો. પણ ભારે ઝપાઝપીમાં પલંગ તૂટી જતાં આ નામીચો અને સાગ્રીતો ભાગી ગયા હતાં. મહિલા પોલીસે ગુનો દાખલ કરી આ તમામની શોધખોળ આદરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે ઇમ્તિયાઝ અને બે સાગ્રીતને કચ્છના ભચાઉ તાબેના જુના કટારીયા ગામેથી દબોચી લઇ ત્રણેયને ડેરી વિસ્તારમાં લઇ જઇ સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવતાં ત્રણેયે હાથ જોડી માફી માંગી હતી.

ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતી ૨૮ વર્ષની પરિણીતા ૬ ફેબ્રુઆરીની મોડી રાત્રે ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાને ઇમ્તિયાઝ ઉર્ફ લાલો, શહેઝાદ, સોહિલ મહમદ મેમણ અને એક જાડીયા શખ્સે ઘરમાં ઘુસી મારકુટ કર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. આ મામલે પીએસઆઇ એન. બી. ડાંગર અને એમ. વી. ગઢવીએ મેમણ પરિણીતાની ફરિયાદ પરથી ઇમ્તિયાઝ ઉર્ફ લાલો રાઉમા, શહેઝાદ, સોહિલ મેમણ અને એક જાડીયા સામે આઇપીસી ૩૫૪ (ક), ૪૫૨, ૩૨૩, ૧૪૪, ૧૩૫ મુજબ મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

ભોગ બનેલા મહિલાએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે છેલ્લા એકાદ મહિનાથી ઇમ્તિયાઝ ઉર્ફ લાલો પોતાની પાછળ પડી ગયો હતો. પોતે ઘરમાંથી કોઇ ચીજવસ્તુ લેવા નીકળે તો પણ હેરાન કરતો હતો. સતત ધમકી આપતો હોઇ ગભરાઇને પતિને પણ જાણ કરી નહોતી. છઠ્ઠી તારીખે રાત્રે પતિ રિક્ષાનુ ભાડુ લઇ જસદણ ગયા હોઇ પોતે તથા ત્રણ બાળકો ઘરમાં એકલા હતાં. આ વખતે રાત્રે સાડા નવેક વાગ્યે ઇમ્તિયાઝ ઉર્ફ લાલો અને તેના સાગ્રીતો ઘરમાં ઘુસી ગયા હતાં. ઇમ્તિયાઝે  'મારે તારી સાથે સુવુ છે' તેમ કહી કૂરતો ફાડી નાંખી અડપલા કર્યા હતાં. તેમજ શહેઝાદે લાફા માર્યા હતાં અને ઇમ્તિયાઝે બોથડ પદાર્થથી ડાબા ખભે ઇજા કરી હતી. એ પદાર્થ કદાચ તમંચો હતો. તેના કુંદાથી માર માર્યો હતો. વિગતો જણાવતી વખતે આ મહિલા રિતસર ફફડી ગયા હતાં.

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે પોતે તાબે ન થતાં અને દેકારો મચાવતાં આ તમામે પોતાને પલંગ સાથે બાંધી દેવા પ્રયાસ કર્યો હતો. ભારે ઝપાઝપી થતાં પલંગ તૂટી ગયો હતો. એ પછી આ બધા ઘરમાં તોડફોડ કરી ભાગી ગયા હતાં. પતિ બહારગામ હોઇ તેને ફોનથી જાણ કરતાં તે આવ્યા હતાં અને પોતાને હોસ્પિટલમાં ખસેડી હતી.

આ ગુનામાં ફરાર ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખુભાઇ રાઉમા (સંધી) (ઉ.૨૮-રહે. રિધ્ધી સિધ્ધી સોસાયટી, ગુ.હા. બોર્ડ  કવાર્ટર બી-૧૦૩૯, શેરી નં. ૪), શેહઝાદ  ઉર્ફ ગોટીયો હનીફભાઇ જુલાણી (મેમણ) (ઉ.૨૩-રહે. આકાશદીપ સોસાયટી, ગુ.હા. બોર્ડ ત્રણ માળીયા નં. ૪૪૮, માશા અલ્લાહ પાન સામે) તથા ઇમરાન હનીફભાઇ કંડીયા (ઉ.૨૮-રહે. આકાશદીપ સોસાયટી ત્રણ માળીયા નં. ૭૫/૪૧૨)ને ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ અને કોન્સ. કુલદીપસિંહ જાડેજાની બાતમી પરથી જુના કટારીયા ગામેથી દબોચી લેવાયા છે. હજુ ચોથો આરોપી સોહિલ મહમદ મેમણ (રહે. ગુ.હા. બોર્ડ ત્રણ માળીયા) ફરાર છે.

ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ

શહેઝાદ ઉર્ફ ગોટીયો, હનીફ જુલાણી અનેઇમરાન કંડીયાએ ત્રણ માસ પહેલા વસીમ દલવાણી અને રવિ ચોૈહાણ સાથે મળી ગ્રીનલેન્ડ ચોકડીએ ડી. કે. બોડી બિલ્ડર્સ ગેરેજ ખાતે મારામારી કરી હતી. ઇમ્તિયાઝ ઉર્ફ લાલો અગાઉ ગેરકાયદે હથીયાર, હત્યા, દારૂ, ફરજમાં રૂકાવટ, વાહનચોરી સહિતના નવથી વધુ ગુનામાં સંડોવાઇ ચુકયો છે. આ ઉપરાંત પાસામાં પણ જઇ આવ્યો છે. શહેઝાદ ઉર્ફ ગોટીયો પણ રાજકોટ, ભાવનગરમાં મારામારી, આર્મ્સ એકટ, હત્યાની કોશિષના ગુનામાં અને ઇમરાન મારામારી તથા દારૂના ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ અને ટીમના પીએસઆઇ વી. એ. પરમાર, હેડકોન્સ. જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ, ભરતભાઇ વનાણી, સંતોષભાઇ મોરી, કોન્સ. સંજયભાઇ રૂપાપરા, કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, નૈમિષ પટેલ, કુલદીપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

ઝડપાયેલા ત્રણેયને બપોરે દૂધની ડેરી વિસ્તારમાં લઇ જઇ આગવી ઢબે પુછતાછ કરવામાં આવતાં ત્રણેયે ભુલ થઇ ગઇ...ની બૂમો પાડી હાથ જોડી સોૈની માફી માંગી હતી. પોલીસની આ કામગીરી જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. જો કે આ વિસ્તારમાં અમુક છાપેલા કાટલા જેવા લુખ્ખા આવારા તત્વો સતત બહેન દિકરીઓ પર ખરાબ નજર કરી હેરાન પરેશાન કરતાં રહે છે. પરંતુ મોટે ભાગે ભય કે બીજા કારણોસર ફરિયાદો થતી નથી. પોલીસ આ વિસ્તારમાં કાયમી ધોરણે આવા શખ્સો પર નજર રાખે તે લોકોના હિતમાં રહેશે તેવી માંગણી આ વિસ્તારના લોકોની છે.

(3:23 pm IST)