Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આજે વિશ્વ રંગભૂમિ દિ': પ્રભાસના ઇતિહાસમાં 'ડોકિયું'

શંભુભાઇનો ડેલો, દરબારનો ડેલો, ફનીસારોડ ડેલો વિ. રંગભૂમિના સુવર્ણ યુગના સાક્ષી સમાઃ પોતાના પતિને સ્ત્રીના પહેરવેશમાં નાટક ભજવતા જોઇ પત્ની ફિટકાર વરસાવતાઃ  આજે જે રીતે પાનના ગલ્લે હેર કટીંગ સલૂન, ચાની લારીએ ક્રિકેટની ચર્ચા થાય છે, તેમ એ યુગમાં નાટકના પાત્રો-સંવાદોની ચર્ચા થતી

પ્રભાસપાટણ તા.૨૭: યુનેસ્કોએ ૧૯૪૮માં ઇન્ટરનેશનલ થીએટર ઇન્સટી. સ્થાપના કરી તેના નવમા પ્રમુખ આર્વિકિવિમાએ આખી દુનિયા દર વરસે વિશ્વ રંગભૂમિ દિન ઉજવે અને તે પણ ૨૭ માર્ચ નક્કી થઇ અને ૧૯૬૨થી પ્રતિવર્ષ રંગભૂમિ દિન ઉજવાય છે.

આ રંગભૂમિનો સોમનાથ મહાદેવના નગર પ્રભાસપાટણમાં પણ જહોજલાલીભર્યો ગૌરવવંતો પ્રાચીન વારસો હતો જે આજે ભૂતકાળનું પાનું બની ગયો છે.

પ્રભાસમાં શંભુભાઇનો ડેલો, દરબારનો ડેલો, ફનીસારોડ ડેલો, ડો. તન્નાના દવાખાના પાછળનો ડેલો આવાં તો કેટલાંય સ્થળો છે જે રંગભૂમિના સુવર્ણ યુગના સાક્ષી બન્યાં છે.

જયાં આજે નાટકો આવતાં નથી અને આવવાનાં પણ નથી સુતેલી રંગભૂમિના ભણકારા હજુય સુનકાર વાતાવરણમાં સંભળાય છે.

પ્રભાસપાટણમાં શંકર વિજય સંગીત સમાજ નામની નાટય સંસ્થા હતી જેના પ્રણેતા કરાંચીવાળા હાલ સ્વર્ગસ્થ લાભશંકરભાઇ મહેતા હતા સોમનાથની જનતાને પ્રેરણાદાયક-સંસ્કાર-બોધલક્ષી નાટકો ધરી પ્રજાને મનોરંજન સાથે સમાજ સુધારાનો સંદેશ પણ અપાતો.

સોમનાથના ૭૭ વર્ષીય ભાસ્કર વેૈદ્ય આંગળી પકડીને ને યુગ તરફ દોરી જતાં કહે છે, '' તે સમયના પ્રખ્યાત નાટકોમાં ''વિનાશના વહેણ'', ''બેસુરી વીણા'', ''સંસાર ચિત્ર'' હતાં જેમાં મારા પિતાશ્રી ભગુભાઇ વૈદ્ય કલાકાર તરીકે એટલો જાનદાર -પ્રાણવાન અભિયન આપેલ કે દર્શકોની આંખોમાંથી દડ દડ આંસુડાઓ વહી જતાં.'

બહારગામથી પણ કેટલીયે નાટક મંડળી સોમનાથ આવતી અને નાટકો ભજવતી તે સમયે નાટકના સ્ટેજ ઉપર ત્રણથી ચાર પડદા રહેતા જે લાકડાના બંબુમાં વીટાતા-વીટાતા નીચે ઉપર પડે સ્ટેજની બંન્ને બાજુ લાકડાની ફ્રેમમાં મઢેલી કાપડ ઉપર ચિત્ર દોરેલ વીંગો રહેતી જેની આડસમાં પ્રેક્ષકોને ન દેખાય તે રીતે પ્રોમ્પટર બેસતો જે કલાકાર જો સંવાદ ભૂલી જાય ત્યારે ધીમા અવાજે સંવાદ સંભળાવી નાટકનો પ્રવાહ જાળવી રાખતો.

પ્રેક્ષકોની પ્રથમ હરોળમાં પગપેટી હારમોનીયમ બજાવનાર અને તેની બાજુમાં તબલચી બેસતા જે નાટકમાં ગવાતા ગીતો સમયે સાજ-સંગીત સુર પુરાવતાં નાટક પ્રારંભ પહેલાં એક ટકોરી, બીજી ટકોરી અને છેલ્લે ત્રીજી ટકોરીએ નાટકનો પ્રારંભ થતો જે સમયે ધૂમધડાકા અને સ્ટેજ ઉપર ધૂપ સેરો વચ્ચે પ્રાર્થનાગીતથી પ્રારંભ થતો.

નાટકના ગીતો અર્થપૂર્ણ, હાસ્યસભર, આધ્યાત્મિક જીવન સંદેશો પાઠવતાં ગીતો નાટકમાં આવતાં. જે ગીતોની ચોપડી પણ ઇન્ટરવલમાં વેંચવાવાળા નજરે ચઢતા તો નાટકના કેટલાંક ગીતો ઉપર વન્સમોર પણ થતાં અને દર્શકો પૈસાઓનો વરસાદ વરસાવતાં.

તે સમયમાં મહિલાઓ નાટકમાં ભાગ લેતી ન હતી જેથી સ્ત્રી પાત્રો પણ પુરૂષો જ ભજવતા અને તે સમયે નાટક જોવા આવેલ સ્ત્રીએ પોતાના પતિને સ્ત્રી પહેરવેશમાં પાત્ર ભજવતો જોઇ ખીચો-ખીચ પ્રેક્ષકો વચ્ચે ઉભી થઇ ફીટકાર વરસાવી ''ફટ છે મુઆ'' તેમ આક્રોશ પણ ઠાલવ્યો હતો. આજે સીનેમામા જેમ ઓછી ટિકીટના દરવાળાને આગળ બેસાડાય છે તેમ તે સમયના નાટકોમાં ઉંચા દરની ટિકીટ વાળા પ્રથમ આગળ બેસતા અને છેલ્લે ઓછી ટિકીટવાળા બેસતા.

આજે નથી થીએટર કે નથી પ્રેક્ષકોને નાટકો પ્રત્યે રૂચી તે દિવસોમાં પ્રભાસની બજારનો ઉઘાડ પાનના ગલ્લાની દુકાને- શાકબજાર કે હેરકટીંગ સલુનમાં રાત્રે જોયેલા નાટકનો ડાયલોગ, ગીત કે અભિનયની વાતો આજે જેમ વિશ્વ ક્રિકેટ કપ મેચ ઉપર કરે છે તેમ 'ટોક ઓફ ધી ડે' બનતું જેને યાદ કરવું પણ વ્યર્થ છે. કારણ કે ' ગુજરા હૂઆ જમાના આતા નહીં દૂબારા....'

(10:24 am IST)