Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મોરબી રોડ બાયપાસ પર મોડી રાત્રે દરજી ભાઇ-બહેનને આંતરી રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ

૧૭ વર્ષનો સ્‍મિત તેની બહેન કૃષાલી (ઉ.૧૬)ને બાઇકમાં બેસાડી નાનાજીના ઘરેથી માધાપર ચોકડી તરફ આવી રહ્યો હતો ત્‍યારે બનાવઃ પાછળ બીજા વાહનમાં બંનેના માતા-પિતા પણ હતાં, તે પહોંચ્‍યા ત્‍યાં લૂંટારા ભાગી ગયા : ચાલુ બાઇકમાં ચાવી ખેંચી લઇ સ્‍મિતને એક લૂંટારાએ હાથમાં છરી ઝીંકી જે હોય તે આપી દેવા કહી લૂંટ ચલાવીઃ આશરે ૨૦ થી ૨૫ વર્ષના બે લૂંટારાની શોધ

રાજકોટ તા. ૧૭: મોરબી રોડથી માધાપર ચોકડી તરફના બાયપાસ પર મારૂતિ  સુઝુકીના શો રૂમ પાસે મોડી રાત્રે સાડા બારેક વાગ્‍યે માધાપર ચોકડી પાસે જાનકી રેસિડેન્‍સીમાં રહેતાં ૧૭ વર્ષના સ્‍મિત રસિકભાઇ સોલંકી અને ૧૬ વર્ષની તેની બહેનને બાઇકસ્‍વાર બે લૂંટારૂએ ચાલુ વાહને ચાવી કાઢી લઇ આંતરી સ્‍મિતે છરીથી ઇજા કરી રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવતાં ચકચાર જાગી છે. આ ભાઇ-બહેનના માતા-પિતા પણ પાછળ આવતાં હોઇ તે બંનેની પાસે પહોંચતા લૂંટારા ભાગી ગયા હતાં.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર ગોકુલ મથુરા નજીક આવેલા યોગીરાજનગર જાનકી રેસિડેન્‍સી અયોધ્‍યા ચોકમાં રહેતાં અને દરજી કામ કરી ગુજરાન ચલાવતાં રસિકભાઇ નવલભાઇ સોલંકી (ઉ.૪૫) નામના દરજી આધેડની ફરિયાદ પરથી બે અજાણ્‍યા શખ્‍સો સામે આઇપીસી ૩૯૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ છરીથી હુમલો કરી લૂંટ ચલાવવા અંગે ગુનો નોંધ્‍યો છે.

રસિકભાઇને સંતાનમાં એક પુત્ર સ્‍મિત (ઉ.૧૭) અને દિકરી કૃષાલી (ઉ.૧૬) છે. રવિવારે રાત્રે સાડા બારેક વાગ્‍યે રસિકભાઇ તથા તેમના પત્‍નિ અંજુબેન અને પુત્ર તથા પુત્રી સસરા મોરબી રોડ પર રહે છે ત્‍યાં ગયા હતાં. ત્‍યાંથી રાત્રીના સાડા બારેક વાગ્‍યે પતિ-પત્‍નિ એક બાઇક પર અને પુત્ર સ્‍મિત તથા પુત્રી કૃષાલી બીજા વાહનમાં ઘરે આવવા નીકળ્‍યા હતાં. સ્‍મિત અને બહેન કૃષાલી આગળ હતાં અને રસિકભાઇ તથા તેના પત્‍નિ પાછળ હતાં. એ દરમિયાન મોરબી બાયપાસ પર મારૂતિના સર્વિસ સ્‍ટેશન પહેલા આ બંને ભાઇ બહેનના વાહનને બે અજાણ્‍યા શખ્‍સોએ ચાવી કાઢી લઇ અટકાવ્‍યું હતું.

રસિકભાઇ અને તેના પત્‍નિ ત્‍યાં પહોંચતા જ બંને શખ્‍સ તેના બાઇક પર ભાગી ગયા હતાં. પુત્રને શું થયું? તે અંગે પુછતાં તેણે કહ્યું હતું કે બે શખ્‍સે ચાલુ વાહને જ તેના બાઇકની ચાવી કાઢી લીધી હતી. એ પછી એક શખ્‍સે છરીથી સ્‍મિતના જમણા હાથે ઇજા કરી હતી અને ગાળો આપી જે હોય તે આપી દેવા કહી તેનો રૂા. ૧૨ હજારનો એમઆઇ નોટ સેવન મોબાઇલ ફોન તેમજ પાકીટ લૂંટી લીધા હતાં. પાકીટમાં રૂા. ૮૦૦ રોકડા તથા બેંકના એટીએમ કાર્ડ હતાં.

લુંટ કરી ભાગેલા શખ્‍સો પૈકી એકે કાળુ ટી-શર્ટ અને એકે કાળી લીટીવાળુ ટી-શર્ટ પહેર્યા હતાં. બંનેની ઉમર ૨૦ થી ૨૫ વર્ષની હતી. આ ઘટના પછી રસિકભાઇ સહિતના બધા માધાપર ચોકડીએ આવ્‍યા હતાં. ત્‍યાં પોલીસ હોઇ તેને વાત કરી હતી. સ્‍મિતને હાથમાં ઇજા થઇ હોઇ પોલીસે હોસ્‍પિટલે ખસેડયવા જણાવતાં તેને સિવિલમાં દાખલ કર્યો હતો.

ચોકી મારફત જાણ થતાં ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં  પીએસઆઇ આર. એસ. પટેલ અને સ્‍ટાફે ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(10:54 am IST)