Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પંચવટી રોડ પર બાઇકચાલક અને બુકાનીધારી યુવતિએ સાથે મળીને પર્સની ચિલઝડપ કરી

દિકરી સાથે વોકીંગમાં નીકળેલા મમતાબેન બાસીડા (પટેલ)ના હાથમાંથી રોકડ-ફોન સાથેનું પર્સ ખેંચી જવાયું

રાજકોટ તા. ૧૬: પંચવટી મેઇન રોડ પર ડો. કોયાણીના ઘર પાસેથી ત્રણ દિવસ પહેલા સાંજના સમયે પર્સની ચિલઝડપ થઇ હતી. આ મામલે માલવીયાનગર પોલીસે બાઇકચાલક શખ્સ અને પાછળ બેઠેલી બુકાનીધારી યુવતિ સાથે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ આદરી છે. અગાઉ પણ યુવક-યુવતિએ મળી ચિલઝડપ કર્યાના બનાવ બની ચુકયા છે.

બનાવની વિગત એવી છે કે નાના મવા રોડ રાધાનગર-૧માં રહેતાં મમતાબેન ઘનશ્યામભાઇ બાસીડા (પટેલ) (ઉ.૫૨) ૧૩મીએ સાંજે પોણા આઠેક વાગ્યે ઘરેથી પોતાની દિકરી રિષીતા (ઉ.૨૬) સાથે વોકીંગ કરવા નીકળ્યા હતાં. મા-દિકરી પંચવટી રોડ પર ડો. કોયાણીના ઘર પાસે પહોંચ્યા ત્યારે એક બાઇક આવ્યું હતું. જેમાં ચાલકની પાછળ એક યુવતિ બેઠી હતી.

બાઇક નજીક આવતાં જ પાછળ બેઠેલી યુવતિએ મમતાબેનના હાથમાંથી પર્સની ઝોંટ મારી લીધી હતી અને બંને ભાગી ગયા હતાં. પર્સમાં રૂ. ૩૦૦૦નો મોબાઇલ ફોન તથા રૂ. ૬ હજાર રોકડા હતાં. ચિલઝડપ કરનાર યુવતિએ મોઢે બૂકાની બાંધી હતી. બનાવને પગલે મમતાબેન અને તેના પુત્રીએ બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઇ ગયા હતાં. પરંતુ બંને ચિલઝડપકાર ભાગી ગયા હતાં.

પી.એસ.આઇ. જે. કે. પાંડાવદરાએ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ મેળવવા તપાસ શરૂ કરી છે.

(12:54 pm IST)