Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પંજાબના કોંગી કાર્યકર સુખવિન્દરસિંઘની હત્યા માટેના હથીયાર સોનુએ મોકલ્યા'તા

રાજકોટ પોલીસ ઉપરાંત હવે પંજાબ પોલીસને પણ સોનુ ડાંગરની તલાશ : પંજાબ પોલીસ રાજકોટ આવી તપાસ કરી ગઇઃ સોનુ ડાંગરે રાજસ્થાનના કાના પાસેથી રિવોલ્વર અપાવી દીધી'તી

રાજકોટ તા. ૧૬: સોશિયલ મિડીયા મારફત મુસ્લિમ સમાજ અને ધર્મગુરૂ વિશે એલફેલ લખીને કોમ-કોમ વચ્ચે વૈમનશ્ય ઉભુ થાય તેવું કૃત્ય કરનાર સોનુ ડાંગર સામે ભકિતનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોઇ પોલીસ તેને શોધી રહી છે ત્યાં હવે પંજાબ પોલીસ પણ સોનુને ગેરકાયદે હથીયાર સપ્લાય કરવાના મામલે શોધી રહી છે. પંજાબના બઠીન્ડા પાસેના ગામમાં ૨૦ મેના રોજ કોંગ્રેસના કાર્યકર સુખવિન્દરસિંઘ બગ્ગીની છ રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ માટેના હથીયારની વ્યવસ્થા સોનુ ડાંગરે કરી આપ્યાનું ખુલતાં પંજાબ પોલીસ રાજકોટ સુધી તપાસ કરી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ બઠીન્ડા પોલીસે કોંગી કાર્યકરની હત્યા મામલે રાજસ્થાનના ચુરૂમાંથી ભુપિન્દરસિંગગ સહિત ત્રણ શખ્સોને પકડી લીધા હતાં. આ ત્રણેયે સુખવિન્દરસિંઘની હત્યાની કબુલાત આપી હતી. હત્યામાં વપરાયેલી રિવોલ્વર પોતે રાજકોટની સોનુ ઉર્ફ ઉષા ડાંગર પાસેથી લાવ્યાનું કબુલતાં પોલીસે તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો હતો. હત્યાનો પ્લાન ઘડ્યા બાદ આરોપીઓએ હથીયાર માટે સોનુ ડાંગરનો સંપર્ક કર્યો હતો. તેણે ત્યારે પોતાનું નામ ઉષા જણાવ્યું હતું. તેણીએ રાજસ્થાના ચુરૂ ગામના કાના સૈનીને મળવા અને ત્યાંથી રિવોલ્વર મેળવી લેવા જણાવતાં ભૂપિન્દરસિંઘ સહિતના ત્યાં ગયા હતાં અને હથીયાર મેળવી બાદમાં હત્યા કરી હતી.

બઠીન્ડા પોલીસના કહેવા મુજબ સોનુ અને કાનો સૈની પોતે ગોૈરક્ષક હોવાની ઓળખ આપી ભગવા કપડા પહેરીને છુપાતા ફરે છે. સોનુ ઝડપાયા બાદ તેના રાજસ્થાન કનેકશન ખુલશે.

(12:53 pm IST)