Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

૧૫૦ રીંગ રોડ પર ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે ટીખળ કરનાર ઝડપાયોઃ ચોકમાં જ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

પુનિતનગરના રવિરાજસિંહ ગોહિલને ક્રાઇમ બ્રાંચે શોધી કાઢી પ્રતિમા પાસે લઇ જઇ પુછતાછ કરતાં લોકોના ટોળાઃ હાથ જોડી માફી માંગીઃ એક સગીરની પણ અટકાયતઃ બંનેને માલવીયાનગર પોલીસને સોંપવામાં આવ્યા

રાજકોટ તા. ૧૩: દોઢસો ફુટ રીંગ રોડ પર માધવ બાગ નજીક ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાવાળા સર્કલમાં ગત રાતે બે શખ્સે પાણાના ઘા કરતાં પ્રતિમાની નીચેના બોર્ડના ભાગમાં પથ્થર લાગતાં અક્ષરોમાં નુકસાન થયું હતું. ટીખળને કારણે લોકોના ટોળેટોળા ભેગા થઇ ગયા હતાં. મુર્તિને ખંડિત કરવામાં આવ્યાની વાતો વહેતી થઇ જતાં સમાજના લોકો સર્કલ પાસે ભેગા થઇ જતાં પોલીસ દોડીગઇ હતી. દલિત સમાજના લોકોએ પથ્થરમારો કરનારા શખ્સોને તાકીદે ઝડપી લેવાની માંગણી કરી હતી. બનાવને પગલે ડો. બાબાસાહેબની પ્રતિમા પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

રાત્રે માલવીયાનગરના ઇન્ચાર્જ જે. વી. ધોળા, પીએસઆઇ ચંપાવત તથા ડી. સ્ટાફની ટીમના વેલુભા ઝાલા, ભાવેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, દેવાભાઇ, ભાવીનભાઇ સહિતના ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં લાગી હતી. દરમિયાન પીએસઆઇ એ. એસ. સોનારા, એએસઆઇ બી. જે. જાડેજા, સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા, મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, અજીતસિંહ સહિતની ટીમે માહિતી પરથી ટીખળ કરનારા બે શખ્સોને શોધી કાઢ્યા હતાં. પોલીસે પુનિતનગરમાં રહેતાં રવિરાજસિંહ અજીતસિંહ ગોહિલ નામના શખ્સ તથા તેના મિત્ર સગીરને સકંજામાં લીધા હતાં.

રવિરાજસિંહને ક્રાઇમ બ્રાંચ અને માલવીયાનગરની ટીમે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાવાળા સર્કલે લઇ જઇ ત્યાં જ કાયદાનું ભાન કરાવ્યું હતું. આ કામગીરી નિહાળવા દલિત સમાજના લોકો ભેગા થઇ ગયા હતાં. રવિરાજસિંહે હાથ જોડીને લોકોની માફી માંગી હતી. તેને અને સગીરને બાદમાં માલવીયાનગર પોલીસને સોંપાયા હતાં. રવિરાજસિંહે એવું રટણ કર્યુ હતું કે પોતે અને મિત્ર જમીને પરત ફરતા હતાં ત્યારે કોઇ સાથે માથાકુટ થતાં તેના પર પથ્થરમારો કરતાં ડો. બાબાસાહેબની મુર્તિની નીચેના બોર્ડમાં પથ્થર લાગી ગયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:18 pm IST)