Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સંઘર્ષનો પર્યાય એટલે જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા

કાળી મજુરી કરીને તડકા-છાંયા જોયા બાદ હાલમાં લોકોની વચ્ચે રહીને લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ : ૭II લાખ લોકોના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલઃ ભાજપ શાસીત કોર્પોરેશનના માધ્યમથી લોકોને જુદી જુદી યોજનાઓનો લાભ મળે તે મુખ્ય ધ્યેયઃ આવનાર સમયમાં ઓવરબ્રીજ, ભુજીયા કોઠાનું સમારકામ, કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી, સોલેરીયમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાની યોજના તથા ક્રિકેટ મેદાન, તળાવ સહીતની ભેટ મળશેઃ જામનગરના મેયર અકિલાની મુલાકાતે

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં  અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા જામનગરના  મેયર હસમુખભાઇ  જેઠવાનું સ્વાગત કરતા નજરે પડે છે. આ તકે જામનગરના એડવોકેટ અને ગુજરાત બાર. એસોસીએશનના પુર્વ પ્રમુખ મનોજભાઇ અનડકટ, જામનગરના  અકિલાના બ્યુરો ચીફ મુકુંદભાઇ બદીયાણી, અકિલા પરીવારના સુનીલભાઇ નાગ્રેચા, અકિલાના પત્રકાર તુષાર એમ. ભટ્ટ ઉપસ્થિત રહયા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૩: લોકોને  કોઇ પણ પ્રકારની મુશ્કેલીના નિરાકરણ માટે સતત  ખડે પગે કાર્યરત રહીને લોકસેવાને જ પોતાનું જીવન સમર્પિત કરી દઇને હરહંમેશ લોકોની વચચે રહેનારા જામનગરના લોકપ્રિય મેયર અને ભોઇ સમાજના અગ્રણી હસમુખભાઇ જેઠવા(મો.નં.૯૮ર૪ર પ૭પ૭૧ અને મો.નં. ૬૩પ૧૭ ૩૯૮૯૮) લોકો માટે કંઇક કરી છુટવા હંમેશા તત્પર રહે છે. કોઇ પણ વ્યકિતની કોઇ પણ સમસ્યા અથવા તો કોઇ પણ લતાવાસીઓના અણઉકેલ પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે તેઓ પ્રયત્નશીલ રહે છે. જામનગર ભાજપ શાસીત કોર્પોરેશનમાં મેયર પદે સેવા આપતા હોવા છતા પણ પ્રોટોકોલની પરવાહ કર્યા વગર નાના માણસોને મળે છે. કોઇ પણ અરજદાર ફોન ઉપર પોતાની ફરીયાદ કરે તો પણ હસમુખભાઇ જેઠવા તરત જ તે ફરીયાદનું નિરાકરણ લાવવા પુરા પ્રયાસો કરે છે.

લોકો વચ્ચે રહીને લોકોની સમસ્યા જાણીને તેના નિકાલ માટે પ્રયત્નશીલ રહેતા જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા અકિલા કાર્યાલય ખાતે પારીવારીક સંબંધોના નાતે અકિલાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. હસમુખભાઇ જેઠવાએ અકિલા મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકીય તેમજ સામાજીક ચર્ચાઓ કરી હતી.

  સંઘર્ષનો પર્યાય એટલે જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા છે તેમની કામગીરીને લોકો બિરદાવી રહયા છે.  સામાન્ય પરીવારમાં જન્મેલા હસમુખભાઇ જેઠવાએ કાળી મજુરી કરીને સંઘર્ષમય જીવન પસાર કરીને અનેક તડકા-છાંયા જોયા બાદ હાલમાં લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે.

જામનગરમાં માત્ર ૧૦ હજારની વસ્તીવાળા ભોઇ સમાજમાંથી હસમુખભાઇ બાબુલાલ જેઠવા આવે છે. તેમ છતા તેઓનું   વર્ચસ્વ ભોઇ સમાજ ઉપરાંત અન્ય સમાજમાં ખુબ જ છે. એક જ હાકલે મોટા પ્રમાણમાં લોકો તેમના સમર્થનમાં ઉમટી પડે છે.

તેઓ પ્રથમ વખત ૧૯૯૮-૯૯ માં મેયર પદે રહી ચુકયા છે જયારે બીજી વખત વર્તમાન સમયમાં મેયર તરીકે સેવા આપે છે.

જામનગરમાં પ ટર્મથી હસમુખભાઇ જેઠવા ભાજપનાં કોર્પોરેટર તરીકે ચુંટાઇ રહયા છે. હસમુખભાઇ જેઠવા યુવા વયથી જ સમાજ સેવા ક્ષેત્રે જોડાઇ ગયા છે.

જામનગરમાં તા.પ-૧-૧૯૨૯નાં રોજ ભોઇ સમાજનાં લોકો માટે રાત્રી શાળા શરૂ કરવામાં આવી હતી. જેમાં હસમુખ જેઠવાએ ૨૦ વર્ષ સુધી અભ્યાસ કરાવ્યો હતો.

હસમુખભાઇ જેઠવાએ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ જામનગર નોટરી એસોસીએશનના પ્રમુખ પદે પણ સેવા આપી રહયા છે.

 શ્રી હસમુખભાઇ જેઠવાએ  અકિલા સાથેની લંબાણભરી મુલાકાતમાં જણાવ્યું હતું કે લોકોને સરકારી યોજનાઓનો લાભ પુરતા પ્રમાણમાં મળે તે માટે હું સતત પ્રયત્નશીલ હોઉ છું. મારા ઘરે પણ જુદી જુદી યોજનાઓના ફોર્મ રાખું છું. કોઇ પણ અરજદાર આવે તો તેમને ફોર્મ આપવામાં આવે છે તેમજ મારા પરીવારજનો દ્વારા પણ લોકોને કેવી રીતે ઉપયોગી થવાય તેવા આશયથી જુદી જુદી યોજનાના ફોર્મ ભરી આપવામાં આવે છે. નાના વર્ગના લોકોના મોટા કામ કરવાથી આનંદ મળે છે.

મેયર શ્રી હસમુખભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે જન્મથી લઇને રાજા હરીશચંદ્ર સુધીની જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ લોકોને મળે તે હેતુથી અસંખ્ય ફોર્મ  મારા ખર્ચે છપાવુ છું. જનધન યોજના સમયે ૧૦ હજાર ફોર્મ છપાવ્યા હતા અને લોકોએ પણ મોટા પ્રમાણમાં આ યોજનાનો લાભ લીધો હતો.

હસમુખભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે  ૨૦૦૧માં અપક્ષ તરીકે લડયો હતો અને લોકોએ મને ખુબ જ પ્રેમ આપ્યો હતો. લોકોને કોઇ પક્ષ નહી પરંતુ કામ કરે તેવા વ્યકિતની જરૂર હોય છે. માં અમૃતમ યોજના થકી અરજદારોને લાભ મળે તે માટે પણ હું સતત પ્રયત્નશીલ રહું છું.

જામનગર  ૧રપ કિ.મી.થી વધુ  વિસ્તારમાં  પ્રસરેલું છે. સાડા સાત લાખ લોકોની વસ્તી છે. આ લોકોને પુરતી સુવિધા મળે તે માટે હું લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યા જાણુ છું તેમ કહીને હસમુખભાઇએ  જણાવ્યું હતું કે કાળી રાત્રીએ પણ મારા દરવાજા લોકો માટે હંમેશા ખુલ્લા હોય છે.

જામનગરના મેયર હસમુખભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે જામનગરમાં રસ્તાની સમસ્યા ન સર્જાઇ તે માટે કોર્પોરેશન ટીમ સતત કાર્યરત હોય છે. હાલમાં ગંદકીના ગંજ ન સર્જાય તે માટે જુદા જુદા વિસ્તારોમાંથી ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવામાં આવે છે. શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં ગંદકી ન ફેલાય તે માટે કમિશ્નરશ્રી આકરા પગલા ભરે તે માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.

જામનગર ભાજપ શાસીત કોર્પોરેશનના મેયર તરીકે કાર્યરત હસમુખભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે લોકોના કામ તાત્કાલીક થાય અને લાંચ વગર અરજદારોના પ્રશ્નો હલ થાય તે માટે હું સતત કાર્યરત રહું છું. આવનારા સમયમાં ઓવરબ્રીજ, ભુજીયા કોઠાનું સમારકામ, ગંદકી ન સર્જાય તે માટે કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી સહીત જુદા જુદા પ્રોજેકટને અમલમાં મુકવામાં આવશે.

શ્રી હસમુખભાઇએ જણાવ્યું હતું કે આગામી નવેમ્બર-ડીસેમ્બર-ર૦ર૦માં જામનગર કોર્પોરેશનની ચુંટણી યોજાશે.

આ ઉપરાંત જામનગર અને પેરીસ બે જ જગ્યાએ આવેલા સોલેરીયમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ધુવાંવ અને ખંભાળીયામાં ક્રિકેટ મેદાન તથા તળાવ માટે દરખાસ્ત કરવામાં આવી છે.

અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા  સાથે જામનગરના  મેયર હસમુખભાઇ  જેઠવા, જામનગરના એડવોકેટ અને ગુજરાત બાર. એસોસીએશનના પુર્વ પ્રમુખ મનોજભાઇ અનડકટ, જામનગરના  અકિલાના બ્યુરો ચીફ મુકુંદભાઇ બદીયાણી, અકિલા પરીવારના સુ અકિલા કાર્યાલયે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા  સાથે જામનગરના  મેયર હસમુખભાઇ  જેઠવા, જામનગરના એડવોકેટ અને ગુજરાત બાર. એસોસીએશનના પુર્વ પ્રમુખ મનોજભાઇ અનડકટ, જામનગરના  અકિલાના બ્યુરો ચીફ મુકુંદભાઇ બદીયાણી, અકિલા પરીવારના સુનીલભાઇ નાગ્રેચા અને અકિલાના યુવા પત્રકાર તુષાર એમ.ભટ્ટ ઉપસ્થિત રહયા હતા. 

આઝાદી પહેલા રાત્રી શાળા શરૂ કરીને શિક્ષણ આપવાનું અભિયાન શરૂ કર્યુઃ ભોઇ સમાજના લોકોને

હસમુખભાઇએ ર૦ વર્ષ સુધી અક્ષરજ્ઞાન આપ્યું

રાજકોટઃ આઝાદી પહેલા જયારે શિક્ષણનું સ્તર સાવ નીચુ હતું ત્યારે ભોય સમાજના વડીલો સ્વ.દામજીભાઇ મહેતા, સ્થાપક છગનભાઇ મહેતા,  હિરજીભાઇ જેઠવા, પરેશભાઇ કુંભારણા, હસમુખભાઇ કુંભારણા, મોહનભાઇ, હિરજીભાઇ, વાલજીભાઇ સહીતનાએ લોકોને અક્ષરજ્ઞાન આપવાનું અભિયાન શરૂ કર્યુ હતું તેમ જામનગરના મેયર હસમુખભાઇ જેઠવાએ જણાવ્યું હતું.

જામનગરમાં તા.પ-૧-૧૯૨૯નાં રોજ ભોઇ સમાજનાં લોકો માટે રાત્રી શાળા શરૂ કરવામાં આવી હતી. જેમાં હસમુખ જેઠવાએ ૨૦ વર્ષ સુધી અભ્યાસ કરાવ્યો હતો.  યુવાનોની ટીમ લગ્ન સહિત સારા પ્રસંગોમાં જઇને બેન્ડ વગાડીને તેમાંથી થતી આવકમાંથી અભ્યાસનો ખર્ચ ઉઠાવીને આ રાત્રી શાળામાં શૈક્ષણીક જ્ઞાન આપવામાં આવતું હતું.

સોલેરીયમ જામનગરના લોકો માટે નવુ નઝરાણું સાબીત થશે

રાજકોટઃ વિશ્વમાં ત્રણ જગ્યાએ સોલેરીયમ હાઉસ છે. જેમાં ભારતમાં માત્ર એક જગ્યાએ જામનગરમાં આ સોલેરીયમ હાઉસ છે. જયારે ફ્રાન્ચમાં બે જગ્યાએ સોલેરીયા હાઉસ છે. જેનું નામ જામ રણજીત ઇન્સ્ટીટયુટ ઓફ પોલીરેડીયો થેરાપી આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે સોલેરીયમ હાઉસના નામથી પ્રખ્યાત થયું હતું.  જામનગરના મેયર હસમુખભાઇ જેઠવાએ સોલેરીયામ અંગે જણાવ્યું હતું કે ખુબ જ પ્રાચીન સોલેરીયમનો લાભ પ્રવાસીઓ લઇ શકે તે માટે આગામી સમયમાં મ્યુઝીયમ બનાવવામાં આવશે અને પ્રવાસીઓ તે નિહાળી શકશે. આવી રીતે જામનગર અને ફ્રાન્સમાં બે જગ્યાએ આવેલા આ સોલેરીયમ અંગેની માહીતીથી લોકો પરીચીત થશે.

હસમુખભાઇ જેઠવા અને તેમના પરીવારજનો રકતદાન માટે સતત કાર્યરત

રાજકોટઃ જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા રકતદાન માટે સતત કાર્યરત હોય છે. અત્યાર સુધીમાં અનેક રકતદાન કેમ્પો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે અને વર્ષોથી રકતદાન કરી રહયા છે. અત્યાર સુધીમાં તેઓએ રપ વખત રકતદાન કર્યુ છે. હસમુખભાઇ જેઠવાને સંતાનમાં બે પુત્ર પાર્થ અને ભારત છે અને એક પુત્રી ચાર્મીબેન છે. તેઓ પણ સેવા ક્ષેત્રે કાર્યરત રહે છે.

લોભ-લાલચ પ્રત્યે સંપૂર્ણ નિસ્પૃહી..

રાજકોટઃ હસમુખભાઇ લોકોને ન્યાય મળે અને  વહેલી તકે લોકોના અણઉકેલ પ્રશ્ન ઉકેલાઇ  તે માટે સતત પ્રયત્નશીલ હોય છે. વિધાનસભા તથા કોર્પોરેશનની ચુંટણી માટે જુદા જુદા પક્ષો દ્વારા લાખોની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેઓએ આ ઓફર ઠુકરાવી દીધી હતી અને એક સ્વચ્છ પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.

નાના માણસોનેે રોજગારી મળે તે માટે સતત પ્રયત્નશીલ

રાજકોટઃ જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા નાના માણસોના કામ ઉકેલવા માટે હરહંમેશ પ્રયત્નશીલ હોય છે. ૧૯૯૪માં તેઓ કોર્પોરેટર તરીકે કાર્યરત ન હોવા છતાં પણ લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સતત કાર્યરત રહેતા હતા. ૧૯૯૪માં દેવીપુજક સહિત નાના પરીવારોને રોજગારી મળે તે માટે જુદી જુદી સરકારી યોજનાઓ દ્વારા સહાય આપીને નાના માણસોને ધંધા-રોજગાર મળી રહે અને પોતાના પરીવારનું ગુજરાન ચલાવી શકે તે માટે તેઓએ સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો હતો. જે અંતર્ગત નાના માણસોને લારી કે નાની કેબીનો પણ આપી હતી. જેના દ્વારા આજે પણ આ ગરીબ લોકો પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે.

ટ્રાફીક અધિકારીઓ પાસે આશા...

રાજકોટઃ જામનગરમાં ટ્રાફીકની સમસ્યા ખુબ જ છે. જેના ઉકેલ માટે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી છે અને વારંવાર મીટીંગ પણ કરવામાં આવી છે. ત્યારે લોકોની સુખાકારી માટે ટ્રાફીકની સમસ્યા હલ થાય તે માટે અધિકારીઓ પાસે   મેયર હસમુખભાઇ જેઠવાએ આશા રાખી છે. આ માટે મક્કતા પુર્વક કામગીરી કરવા પણ અનુરોધ કર્યો છે.

રિલાયન્સને વિનંતી કે...

રાજકોટઃ જામનગરમાં આવેલી જી.જી.હોસ્પીટલમાં દરરોજ મોટા પ્રમાણમાં જામનગર અને આસપાસના ગામમાંથી દર્દીઓ સારવારમાં આવે છે. જેથી આ હોસ્પીટલમાં દર્દીઓની લાઇનો લાગે છે. જેના નિરાકરણ માટે જામનગરના મેયર હસમુખભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે રિલાયન્સ કંપની જો આગળ આવે તો લોકોને સુવિધાજનક હોસ્પીટલ મળી શકે તેમ છે. આ માટે કોર્પોરેશન તંત્ર જમીન આપવા પણ તૈયાર છે.

જી.જી. હોસ્પીટલના  નવીનીકરણ માટે ૪૦૦ કરોડ મંજુર : રપ કરોડ સરકારે ફાળવી દીધા

રાજકોટઃ જામનગરના મેયર હસમુખભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે જામનગરની જી.જી. હોસ્પીટલમાં દર્દીઓ તથા તેમના સગા-સબંધીઓને સુવિધા મળે તે માટે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર પ્રયત્નશીલ છે અને નવીનીકરણ માટે રૂ.૪૦૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જેમાંથી રપ કરોડ ફાળવી દેવામાં આવ્યા છે. આ માટે રાજયમંત્રી આર.સી.ફળદુ અને હકુભા જાડેજા સતત પ્રયત્નશીલ રહયા હતા. આવનારા સમયમાં લોકોને સુવિધા મળશે.

ગ્રેઇન માર્કેટમાં બધા વેપારીઓ મારા સંઘર્ષને જાણે છેઃ કાળી મજુરી કરી'તી

રાજકોટઃ જામનગરના મેયર હસમુખભાઇ જેઠવાએ સંઘર્ષમય જીવન પસાર કરીને મેયર સુધીના પદે પહોંચ્યા છે. તેમ છતા પણ તેઓ લોકોના દુઃખ દર્દ લુંછવાનું ભુલતા નથી. ૧૯૭૩ થી તેઓએ  કાળી મજુરી કરી હતી. જામનગરના ગ્રેઇન માર્કેટમાં બધા વેપારીઓ તેમને સારી રીતે ઓળખે છે કારણ કે તેમણે આ વિસ્તારમાં  ખુબ જ કાળી મજુરી કરી હતી.

(3:45 pm IST)