Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રાજકોટ જીલ્લામાં જે તાલુકામાં તલાટીને નાયબ મામલતદારના ચાર્જ અપાયા હશે ત્યાં ''આજીવન'' વર્ક ટુ રૂલઃ કલેકટરને આવેદન

રાજકોટ જીલ્લા મહેસુલી કર્મચારી મંડળે રજુઆતો કરીઃ જેતપુર તાલુકામાં પ તલાટીને આવા ઓર્ડરો...

રાજકોટ જીલ્લા મહેસુલી કર્મચારી મંડળે આજે કલેકટરને આવેદન પાઠવી વિસ્તૃત રજુઆતો કરી હતી તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૩: રાજકોટ જીલ્લા મહેસુલી કર્મચારી મંડળે આજે મામલતદારો દ્વારા તાલુકાઓમાં તલાટીઓને નાયબ મામલતદારના ચાર્જ-કામગીરી સોંપવા અંગે વિરોધ વ્યકત કરી કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલાની આગેવાની હેઠળ અપાયેલ આવેદનમાં કલેકટરને જણાવેલ કે, જે તાલુકામાં તલાટીને નાયબ મામલતદાર અને કલાર્કની કામગીરીના ચાર્જ સોંપાયા છે ત્યાં હડતાલ પૂરી થશે તો પણ આજીવન વર્ક ટુ રૂલ મહેસુલી કર્મચારીઓ કરશે, સાંજે ૬-૧૦ સુધી જ ફરજ બજાવશે, ત્યારબાદ તલાટીઓને કામ સોંપવાનું રહેશે, અને મહેસુલ કામગીરી સિવાય કોઇ કામગીરી નહીં કરાય.

આવેદનમાં જણાવેલ કે જેતપુર તાલુકામાં પ તલાટીને આવા ઓર્ડરો અપાયા છે, તેનો વિરોધ કરીએ છીએ.

આવેદનમાં ઉમેરાયું હતું કે અમારી લડત-માંગણી વ્યાજબી છે, કામગીરી ખોરંભે પડે તે અમને પણ પસંદ નથી, આથી લડતનો તાકિદે નીવેડો લાવો અને સરકાર સુધી અવાજ પહોંચાડો.

(3:34 pm IST)