Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ત્રીજા માળેથી પટકાયેલા હોટેલ કોકાના માલિકના એકના એક પુત્ર તેજ શેઠએ દમ તોડતાં અરેરાટી

બેભાન હાલતમાં જ દમ તોડતાં ખરેખર શું બન્યું હતું તેનું રહસ્ય અકબંધ રહ્યું: રૂમની સફાઇ વખતે ઘોડા પરથી પટકાયાનું પિતાએ નિવેદન આપ્યું હતું

તેજભાઇ શેઠનો નિષ્પ્રાણ દેહ અને ફાઇલ ફોટો

રાજકોટ તા. ૧૩: મંગળવારે રાત્રે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ કોકાના માલિક સુનિલભાઇ શેઠનો પુત્ર તેજભાઇ સુનિલભાઇ શેઠ (ઉ.વ.૩૫) હોટેલના રૂમના ત્રીજા માળેથી પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે ગત સાંજે સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનો, બહોળા મિત્ર વર્તુળમાં અરેરાટી અને શોક છવાઇ ગયો છે.  તેજભાઇ અકસ્માતે પડી ગયાનું નિવેદન તેમના પિતા હોટેલ માલિક સુનિલભાઇ શેઠએ આપ્યું હતું. ખરેખર શું બન્યું? તે રહસ્ય તેજભાઇના મૃત્યુ સાથે અકબંધ રહી ગયું છે. 

ડો. યાજ્ઞિક રોડ પરની હોટેલ કોકાના ત્રીજા માળેથી તેજભાઇ શેઠ મંગળવારે રાતે અગિયારેક વાગ્યે પટકાતાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતાં. ત્રીજા માળેથી તે પટકાયાની જાણ હોટેલના પાંચમા માળે રહેતાં તેમના પિતા સુનિલભાઇ સહિતને કર્મચારી અખિલેશે જાણ કરતાં બધા નીચે દોડી આવ્યા હતાં અને તેજભાઇને ગંભીર હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

બનાવની જાણ થતાં એ-ડિવીઝનના હેડકોન્સ. સાજીદભાઇ અને ક્રિપાલસિંહ ઘટના સ્થળે તથા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. તેજભાઇ બેભાન હોઇ તેનું નિવેદન નોંધી શકાયું નહોતું. તેમના પિતા સુનિલભાઇ શેઠે પોલીસને જણાવ્યું હતું કે પુત્ર તેજ અને કર્મચારી અખિલેશ ત્રીજા માળે રૂમ નં. ૧૦૭ અને ૧૦૮ બુધવારે ગેસ્ટને આપવાનો હોઇ તેની સફાઇ કરવા માટે રૂમમાં ગયા હતાં. તે વખતે લોખંડના ઘોડા પર ચડી સફાઇ કરતી વખતે પુત્ર તેજનો પગ લપસતાં તે પટકાયો હતો. બાલ્કની પાસે જ ઘોડો હોઇ તેજ સીધો નીચે પટકાયો હતો. તેજભાઇ એક ભાઇ અને એક બહેનમાં મોટો હતોે અને પરિણીત હતો. તેણે બેભાન હાલતમાં જ દમ તોડી દીધો હતો. બનાવને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

(1:19 pm IST)