Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

હત્યાના આરોપીઓનું સરઘસ કાઢો પછી જ ભૂપતભાઇનો મૃતદેહ સંભાળશું...પોલીસની ભારે સમજાવટને અંતે મામલો થાળે પડ્યો

મનહરપુર-૨ના ભૂપતભાઇ જાખલીયા (કોળી)ની હત્યામાં પોલીસે પકડેલા ૮ આરોપીઓ સામે કડક કાર્યવાહીની જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓએ ખાત્રી આપ્યા બાદ બપોરે મૃતકના સ્વજનો, કોળી સમાજના લોકો શાંત પડી ગયા

રાજકોટ તા. ૧૩: માધાપર ચોકડી પાસેના મનહરપુર-૨માં સોમવારે કોળી યુવાન ભૂપતભાઇ સોમાભાઇ જાખલીયા પર અગાઉના રિક્ષા પાર્કિંગના ડખ્ખાનો ખાર રાખી અગિયાર શખ્સોએ હીચકારો હુમલો કરી હાથ-પગ ભાંગી નાંખ્યા હતાં. ગંભીર રીતે ઘવાયેલા ભૂપતભાઇને સારવાર માટે રાજકોટથી અમદાવાદ લઇ જવાયા હતાં. ગઇકાલે વહેલી સવારે તેણે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ગઇકાલે જ મૃતકના સ્વજનો અને કોળી સમાજના લોકોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ નહિ સંભાળવાનો અને મૃતદેહ પોલીસ કમિશનર કચેરીએ લઇ જવાનો નિર્ણય કર્યો હતો. એ પછી પોલીસે તાકીદની કાર્યવાહી કરી ૭ આરોપીઓને પકડી લીધા હતાં. જો કે મૃતદેહ અંતિમવિધી માટે લઇ જવાયો નહોતો અને સિવિલ હોસ્પિટલે રખાયો હતો. મૃતકના સ્વજનો અને કોળી સમાજની હવે એવી માંગણી છે કે જ્યાં સુધી આરોપીઓનું સરઘસ કાઢી પુછતાછ કરવામાં ન આવે ત્યાં સુધી અમે મૃતદેહ સંભાળીશું નહિ. હત્યાનો ભોગ બનનારના ભાઇઓએ કહ્યું હતું કે-સરઘસ કાઢે પછી જ અમે લાશ સંભાળીશું, ભલે બે દિવસ લાશ રાખવી પડે.જો કે બપો સુધી ઉકળાટ રહ્યા બાદ પોલીસ અધિકારીઓની સમજાવટને અંતે મામલો થાળે પડ્યો હતો. 

પોલીસે અગાઉ હત્યાની કોશિષ, રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં યુનિવર્સિટી પોલીસે મનહરપુરના વિભા ગોવિંદભાઇ હુંબલ (આહિર) (ઉ.૪૨), જીતેન્દ્ર ઉર્ફ જીતુ કાનાભાઇ હુંબલ (ઉ.૩૪), જગદીશ ઉર્ફ લાલો કાનાભાઇ હુંબલ (ઉ.૨૮), અશ્વિન ખેંગારભાઇ જળુ (ઉ.૩૭), આનંદ ખેંગારભાઇ જળુ (ઉ.૨૯), અરશી જેઠાભાઇ વસરા (ઉ.૪૨), ભરત ઉર્ફ કેતન હરેશભાઇ ઉર્ફ હકાભાઇ બહોકીયા (કોળી) (ઉ.૨૨)ની ધરપકડ કરી હતી.

આ પહેલા પોલીસે અન્ય એક આરોપી જયદિપ વિભાભાઇ હુંબલની ધરપકડ કરી લીધી હતી. જે રિમાન્ડ પર છે. આ ઉપરાંત એક આરોપી જયદિપ વિભાભાઇ હુંબલ હોસ્પિટલમાં સારવારમાં છે, તેના પર પોલીસ પહેરો મુકાયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી  મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમની રાહબરીમાં પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, બી. જી. ડાંગર, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ, હરપાલસિંહ, લક્ષમણભાઇ, ગિરીરાજસિંહ, જયંતિગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, નિર્મળસિંહ, મહિપાલસિંહ સહિતે આરોપીઓને પકડ્યા હતાં. જો કે હત્યાનો ભોગ બનેલા ભૂપતભાઇ કોળીનો મૃતદેહ આજે પણ સિવિલ હોસ્પિટલે રખાયો છે અને જ્યાં સુધી આરોપીઓનું સરઘસ કાઢવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો નિર્ણય કરાયો હતો. હોસ્પિટલે મૃતકના સ્વજનો, મિત્રો, કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતાં અને આરોપીઓનું સરઘસ કાઢવાની માંગણી કરી હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, પી.આઇ. આર. એસ. ઠાકર, પી.આઇ. એમ. સી. વાળા, પી.આઇ. વી.એસ. વણઝારા તેમજ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ધાખડા, પીએસઆઇ જોગરાણા, પ્ર.નગરના પીએસઆઇ બોરીસાગર તેમજ યુનિવર્સિટીના પીએઅસાઇ રબારી સહિતે સમાજના લોકોને સમજાવ્યા હતાં. બપોર સુધી ઉકળાટ ચાલુ રહ્યો હતો. દરમિયાન જોઇન્ટ પોલીસ કમિશર ખુરશીદ અહેમદ પણ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને માંગણી સંતોષાઇ જશે તેવી ખાત્રી આપતાં મામલો શાંત પડ્યો હતો. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:47 pm IST)