Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

એક મેઘાવી નાટક 'સમુદ્ર મંથન'

ચાલીસેક વર્ષ પહેલા શૈલેષ દવે, મુંબઇનું 'હિમ અંગારા' નાટક રાજકોટમાં જોયું હતું. જેમાં આખો અંક સડસડાટ દોડયે જતાં ટ્રેઇનના ડબ્બાનો હતો. જેનું સન્નીવેષ પરિકલ્પન પ્રખ્યાત સેટ ડીઝાઇનર સુધેન્દુ રોયનું હતું. આ ડબ્બામાં દિપક ઘીવાલા રાગિણીનું મર્ડર કરે છે. આવા સતત દોડયે જતાં ટ્રેઇનના ડબ્બાના કલ્પનાતીત દ્રષ્યના સન્નીવેષની અડોઅડ ઉભા રહી શકે તેવાં દરિયામાં વહ્યે જતાં વહાણની દ્રષ્ટ રચના તા. ૬ના રાજકોટમાં રજુ થયેલ ૨૫ કલાકારોના કાફલાનું નાટક 'સમુદ્ર મંથન'માં જોઇ તેના સેટ ડીઝાઇનર સુભાષ આશર માટે તેના આવા ચરમ કર્મ માટે મન પુલકીત થઇ ઉઠયું.

વિદેહી એન્ટરટેઇન્ટમેન્ટની દેવલ વોરાએ આવું મેઘાવી, શુધ્ધ સોનાના ઘરેણાં જેવું નાટક રાજકોટ નાટ્ય ચાહકોને દર્શાવી એક પ્રકારે પુન્યનું કામ કર્યું છે. જેમના દિગ્દર્શિકા છે અદિતી દેસાઇ, જેમણે અકુપાર તથા કસ્તુરબા જેવાં અનેક કલાસીક નાટકો સજર્યા છે. જ્યારે ખારવણ કબિની મુખ્ય ભૂમિકામાં રહેલા મલ્ટીપલ પર્સનાલિટી અને આ મૌલિક નાટકની લેખિકા આરજે દેવકી તેની પુત્રી છે. જેના પિતા ભરત દવે આજે પણ એક નાટય હસ્તિ ગણાય છે. અદિતીબેનના પિતા અને દેવકીના નાના એટલે ગુજરાતી રંગભૂમિના સર્વકાલિન ઋષિ પુરૂષ જશવંત ઠાકર!! ભલા આ દૈવતી રંગભૂમિજનોના વંશજ દ્વારા સર્જાયેલ નાટકમાં કંઇ કસર હોઇ શકે ? નાટકની રજૂઆત - દિગ્દર્શન માટે નાટય વિષયક દૂરંદેશીય વૈચારિક સમૃધ્ધિ ધરાવનાર રંગકર્મી જ આવું ઓજસ્વી નાટક આપી શકે. વિષયની પસંદગી અને સજાગતાથી થયેલું તેનું સર્જન, તેમના નાટ્ય વ્યકિતત્વનું બેરોમીટર બની જાય. આવા વિષય અને સન્નિવેષનું નાટક સર્જવાના વિચાર માત્રથી ભલભલા નાટય મર્દોના છાતીના પાટીયા બેસી જાય તેવા આ નાટકની દિગ્દર્શિકા એક સ્ત્રી છે. અને તેથી જ કદાચ સ્ત્રીનું પણ સમાજમાં મહાત્મ્ય હોઇ શકે કે હોવું જ જોઇએ તેવું પ્રતિપાદ કરવાનો અદિતીબેનનો પ્રયાસ અહીં સ્પષ્ટ વર્તાય છે.

ખારવાઓની દરિયાઇ સફર માટે સ્ત્રી સંબંધેની અંધ માન્યતાનો ચિતાર આપતા આ નાટકમાં નાયક - નાયિકાના ચરમ પ્રેમની વાત પણ શૃંગાર, કરૂણ અને શૌર્ય રસના સંગાથે જહેમતથી રંગાઇ છે. કોઇપણ સ્ત્રી દરિયા ખેડય વખતે સાથે હોય તો વહાણ પર આફત આવે, તેવી ખારવાઓની અંધ માન્યતાનો વિરોધી, નવા વિચારવાળો કપ્તાન મીઠું તેની પત્ની કબિ કે જે શિક્ષિકા - દરિયાઇ ગતિવિધીની જાણકાર હોઇ તેની સાથે વહાણમાં પાંચ વર્ષ રાખે છે. આ પાંચ વર્ષ અને તે પછીના થોડા વર્ષો દરમિયાનની નાટકમાં દર્શાવાતી ઘટનાઓ શ્વાસ થંભાવી દે તેવી રીતે રજુ કરાઇ છે.

દેવકી અને અભિનવ બેન્કરે પોતાની કબિ અને મીઠુની મુખ્ય ભૂમિકાઓમાં ખારવાઈ બોલી, નર્તન સાથે પ્રણય અને વિરહના દ્રશ્યોમાં અત્યંત દર્શનીય અભિનયની અઠંગાઈ રજુ કરી. જેની પ્રશસ્તિ માટે ઉત્તમોત્તમ શબ્દો પણ ઉણાં ઉતરે. સંગીત-ઓપેરા પ્રકારના આ નાટકના બધા જ સહકલાકારોનો પણ એટલો જ કક્ષાયુકત અભિનય તો ખરો જ, પરંતુ પાંચ - પાંચ ગીતો પરના દેવકી અને અભિનવ સાથેના તેઓના જોમભર્યા નર્તને પ્રેક્ષકોને મન ભરી હિલોળા લેવડાવ્યા.

અભિનવ પછીનું નાટકનું અગત્યનું પાસુ છે તેનું સંગીત. મેહુલ સુરતી દ્રશ્યો મુજબ એકઝેટ પાર્શ્વસંગીત તથા પાંચ ખારવાઈ શૌર્ય ભર્યા ગીતોની બંદીશથી પોતાની નાટય સંગીત સમજની બાદશાહતનો પરચો આપી જાય છે. 'કાલ સવારથી ખારવાઓની દિશા બદલાઈ જવાની.' 'મને વૈદ્યની નહીં, તારા વ્હાલની જરૂર છે' આવા સંવેદનાત્મક સંવાદો અહીં થ્રુ-આઉટ છે. મીઠુની લાશ દરિયામાં પધરાવવા તથા અચાનક તેની પત્નિ કબિને પણ દરિયામાં ધકો મારી ફેંકી દેતા જેવા અનેક દ્રશ્યો નાટકની જાન બની રહે છે. જેને વધુ જાનદાર બનાવે છે તેનુ નવરંગી પ્રકાશ આયોજન અને સાઉન્ડ ઈફેકટ.

આવા મોટા ગજાના નાટકને રાજકોટમાં રજૂ કરવાની હિંમત કરનાર પણ એક નાનકડી છતાં નોખી ભાતની સ્ત્રી-દેવલ વોરાને અકિલા તથા ટી પોષ્ટ પરિવાર અને થોડા ઉદ્યોગગૃહ માલિકોનો સહયોગ મળ્યો છે તે સૌ સહયોગીઓનો કલા દર્શનનો તારા મૈત્રક સામો સાચો પ્રેમ દર્શાવી જાય છે.

આપણા લીજેન્ડરી રંગકર્મી અભિનેતા અને સરમણ જોશીના પિતા અરવિંદ જોશીએ યુવા તથા વધુ પડતા પ્રયોગ લક્ષી નાટ્ય કર્મીઓને બહુ માર્મિક સ્પાર્ક આપ્યો છે કે ''અટપટા મનોવ્યાપાર આધારિત નાટકો ન ચાલે'' (સારઃ લાંબા લાંબા અને ન સમજાતા એબ્સર્ડ જેવાં નાટકો ઉર્જા વ્યય કરવા સમાન છે) જયારે સમુદ્ર મંથનમાં તો મૂળ કથા પ્રવાહ એક પછી એક નાટ્ય તત્વથી ભરપૂર, પ્રેક્ષકોને બરાબર સમજાય તે રીતેની ઘટનાઓ બન્યે જ રાખે છે. તેની અવધી પણ બિલકુલ કોમ્પેકટ પોણા બે-એક કલાકની જ છે. નાટ્ય સર્જનમાં આવી વાસ્તવિક સમજ જરૂરી છે.

દેશ-વિદેશના સહિત રાજકોટના ૩૯માં પ્રયોગનું આ નાટક દરિયા ખેડૂતોની દોન ધ્રુવ સંસ્કૃતિનું દર્શન છે. ગુણવંતરાય આચાર્ય અને નરોત્તમભાઇ પલાણ જેવા જૂન સાહિત્ય વિદ્દોએ આ સંસ્કૃતિ વિષયક સાહિત્ય પર કામ કર્યુ છે. તેવામાં હસમુખ અંબોટીના કથાબીજ પરથી દેવકીએ પોતે તેનું મૌલિક નાટ્ય રૂપ આપી, પલાણ સાહેબનું માર્ગદર્શન લઇ, ગુજરાતી નાટ્ય પ્રેમીઓની આંખ અને પેટને ઠારે તેવું, કલાઇમેકસમાં નારી શકિતનો સ્વીકાર કરાવતુ નાટક સર્જી તેણીએ તથા માતા અદિતિબેને પોતાની રંગકર્મ ક્ષેત્રેની પોતાની નારી શકિતનો પરિચય આપ્યો છે.

નાટયકર્મીઓ માટે શીખ સમાન નાટક 'સમુદ્ર મંથન'

આ નાટક યુવા અને વધુ પડતા કલ્પના પ્રયોગશીલ રંગકર્મીઓને ઠીકઠીક શીખ આપી જાય છે. (જો લેવી હોય તો) નાટકમાં સતત ઘટનાઓ બનતી રહેવી જોઇએ. (પરંતુ તે એકને એક પ્રકારની નહી) નહીતર નાટક ટોકી બની કંટાળાજનક થઇ રહે. નાટકનું ડયુરેશન અત્યારના ગતીશીલ સતત સમયના અભાવનો અહેસાસ કરાવતા જમાનામાં કોમ્પેકટ વધુમાં વધુ દોઢથી પોણા બે કલાકનું  જ હવં જાઇએ. મતલબ વારંવાર રીપીટ થતા સંવાદો દ્રશ્યોથી નાટકને બીન જરૂરી લંબાવવાથી બચવું આ મુદાની પુષ્ટી તાજેતરમાં જ એનએસડી એ રાજકોટમાં યોજાયેલ આ રાષ્ટ્રીય નાટય મહોત્સવમાં ખાસ જોવા મળેલ. જેના કુલ નવ માટેના કોઇ નાટકનું ડયુરેશન બે કલાકથી વધુ ન હતું. દોઢ બે કલાકના તો માત્ર બે જ નાટકો હતા. બાકીના સાત નાટકો ૧ થી દોઢ બે કલાકના તો માત્ર બે જ નાટકો હતા.  અને હા એનએસડી વડાએ એ વખતે કહેલી એક ખાસ વાત પણ નોંધી રાખવા જેવી છે. ઓછા ખર્ચે પણ સુંદર નાટક રજુ કરી શકવાની કળા રંગકર્મીઓએ શિખી લેવી જોઇએ જો કે આ વાત નવા અને નાટક સર્જન માટે આર્થીક ક્રાઇસીસ અનુભવતા રંગકર્મીઓને જ લાગુ પડે છે.

: આલેખન :

કૌશિક સિંધવ

મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧

(9:29 am IST)