Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વ્યાજમાં ફસાઇ જતાં નવાગામમાં બે બહેનના એકના એક ભાઇ રાહુલ ડાભીનો આપઘાત

મોબાઇલના શો રૂમમાં નોકરી કરતો હતોઃ બે વર્ષ પહેલા લગ્ન થયા હતાં: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૧: વ્યાજખોરીમાં ફસાઇ જવાને કારણે નવાગામમાં રહેતાં બે બહેનના એકના એક ભાઇ અને માતા-પિતાના એક જ લાડકવાયાએ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

નવાગામમાં રહેતાં રાહુલ જેન્તીભાઇ ડાભી (ઉ.વ.૨૨) નામના યુવાને પરમ દિવસે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સાંજે તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. વ્યાજખોરીના ચક્કરમાં ફસાઇ જતાં તેણે આ પગલુ ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

મૃત્યુ પામનાર રાહુલ બે બહેનનો એકનો એક નાનો ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો.  તે સરદાર નગર રોડ પર મોબાઇલના શો રૂમમાં નોકરી કરતો હતો. બે વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતાં અને આ દિવાળી બાદ તેની બીજી મેરેજ એનીવર્સરી આવતી હતી. પરિવારજનોના કહેવા મુજબ દેણું થઇ જતાં વ્યાજમાં ફસાઇ જતાં તેણે આ પગલુ ભર્યુ છે. જો કે રાહુલે પોતે કોની પાસેથી કેટલા પૈસા લીધા હતાં? કોઇ હેરાન કરતું હતું કે કેમ? તે અંગે તેણે સારવારમાં હતો ત્યારે પરિવારજનોને કંઇ જણાવ્યું નહોતું.

રાહુલના પિતા જેન્તીભાઇ ડાભી ખેત મજૂરી કરે છે. માતાનું નામ જ્યોતિબેન છે. એકના એક લાડકવાયાના મૃત્યુથી તહેવારની ખુશી શોકમાં પરિણમી છે. કુવાડવા પોલીસ મથકના એએસઆઇ  એન.આર. વાણીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:42 pm IST)