Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

હેરોઇન સાથે પકડાયેલી સલમા ઉર્ફ ચિનૂડી અને ઇમ્તિયાઝ ઉર્ફ ભુરો હેરંજા પાસામાં

સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજીએ વોરન્ટ ઇશ્યુ કર્યા બાદ ભકિતનગર પોલીસે બજવણી કરીઃ ભુજ અને અમદાવાદ જેલહવાલે : પિસ્તોલ-કાર્ટીસ સાથે પકડાયેલા લક્ષ્મીવાડીના ફાયનાન્સર સંજયરાજ ઉર્ફ ચિન્ટૂને પણ પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો

રાજકોટ તા. ૧૧: માદક પદાર્થના વેંચાણની પ્રવૃતિને અટકાવવા કડક કાર્યવાહીના આદેશોને પગલે સાતેક મહિના પહેલા હેરોઇન સાથે ઝડપાયેલી જંગલેશ્વરની સલમા ઉર્ફ ચિનુડી બસીર જેસાણી (ઉ.વ.૩૫) તથા જંગલેશ્વર-૯ના ઇમ્તિયાઝ ઉર્ફ ભુરો ઓસમાણભાઇ ઉર્ફ ઓસુ ઢોલી હેરંજા (ઉ.વ.૨૦)ને પાસામાં ધકેલવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ એનડીપીએસના કેસમાં પાસાની સત્તા સીઆઇડી ક્રાઇમના એડીશનલ ડીજી પાસે જ હોઇ તેમણે આ દરખાસ્ત મંજુર કરી વોરન્ટ ઇશ્યુ કરતાં સલમાને ભુજ જેલમાં અને ઇમ્તિયાઝને અમદાવાદ જેલમાં ધકેલવા વોરન્ટની બજવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત તાજેતરમાં એસઓજીની ટીમે લક્ષ્મીવાડીના ફાયનાન્સર સંજયરાજ ઉર્ફ ચિન્ટુ જગતસિંહ ઉર્ફ જગુભા ઝાલા (ઉ.વ.૨૯)ને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે મંજુર કરતાં તેને અમદાવાદ જેલહવાલે કરાયો છે.

ત્રણેય પાસા દરખાસ્તમાં પીઆઇ જે. ડી. ઝાલા, પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ જે. બી. પટેલ, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, ભાવેશભાઇ, વાલજીભાઇ, દક્ષાબેન, હિરલબેન, હાર્દિકભાઇ તથા રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને રાહુલગીરી ગોસ્વામીએ કરી હતી.

(11:36 am IST)