Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનામાં બોગસ સંસ્થા ઉભી કરી જબરો ભ્રષ્ટાચાર : ડો. હેમાંગ વસાવડા

વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરતા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ : ખુદ ડો. વસાવડાની મધુરમ હોસ્પિટલના નામે બોગસ સંસ્થાએ લાખો રૂપિયા ચાઉં કરી લીધાનો આક્ષેપ : મુખ્યમંત્રી તપાસ કરાવે : ચીફ વિજીલન્સ ઓફીસરને ફરીયાદ કરાઇ

રાજકોટ, તા. ૧૧ : રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનામાં બોગસ સંસ્થાઓ ઉભી કરી કરોડોનો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે આ સમગ્ર કારસ્તાન અંગે રાજયના ચીફ વિજીલન્સ ઓફીસરને ફરીયાદ કરી આ પ્રકરણમાં ખુદ મુખ્યમંત્રી પણ તપાસ કરાવે તેવી માંગ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ ઉઠાવી છે.

આ અંગે ડો. હેમાંગ વસાવડાએ પત્રકાર પરિષદમાં સરકાર સામે આક્ષેપો સાથે વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે, કેન્દ્ર સરકાર દ્વારા ર૦૧પમાં જાહેર કરવામાં આવેલ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનામાં ત્રણ વર્ષના ગાળામાં રાજકોટ શહેરમાં મ્યુ. કોર્પોરેશનમાં રહેલ શાસક ભારતીય જનતા પક્ષ દ્વારા આયોજનામાં ત્રણ કરોડ પચાસ લાખ ઉપરનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ગુજરાતની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મળીને અંદાજીત કરોડો ઉપરનું આ આંકડો પહોંચે છે.

આ યોજના મુજબ જે તે માન્ય સંસ્થા કે ટ્રસ્ટને આ કામ સોંપવામાં આવે છે અને એક તાલીમાર્થીને તાલીમ આપી નોકરીએ ચઢાવવાના ર૦,૦૦૦ રૂ. પ્રતિ તાલીમાર્થી સંસ્થાને ચૂકવવાના હોય છે. આ આખી યોજના 'કોન્ટ્રાક બેઝ' પર આઉટ સોસીંગ કરી નાખવામાં આવી છે અને આ કોન્ટ્રાકટ કર્મીને રૂ. ૧૦,૦૦૦ના માસિક વળતરથી નોકરીમાં કામચલાઉ ધોરણે રાખવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં કુલ ૭૦ સંસ્થાને આ કામ સોંપવામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા તપાસ કરતા મોટાભાગની સંસ્થાઓ માત્ર કાગળ પર જ છે અને આ સંસ્થાના તાલીમ કેન્દ્ર પણ અસ્તિત્વમાં જ નથી. આ સંસ્થાઓમાંથી મોટાભાગની સંસ્થાઓ કોઇ જ તાલીમ આપેલ નથી. કોર્પોરેશનમાં રજૂ કરેલી યાદી, નિમણૂંક પત્ર, પગાર સ્લીપ બોગસ રજુ કરી પૈસા 'ચાંઉ' કરી જવાની પ્રવૃત્તિ કરી છે. આ આંકડો રાજકોટ શહેરમાં ત્રણ કરોડ ઉપરનો છે.

સ્થળ રીપોર્ટમાં 'કામ ચલાઉ' કર્મચારીને ડરાવી, ધમકાવી અને અનુકુળ રીપોર્ટ તૈયાર કરાવવાનો ધૃણાસ્પદ પ્રયાસ પણ ભારતીય જનતા પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેવો ગંભીર આક્ષપોઓએ કર્યો હતો.

આ યોજના કોર્પોરેશનના જીજ્ઞાબેન રાવલ આસીસ્ટન્ટ કમિશનર હર્ષદ પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે. આ બંને અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવા પણ માંગ ઉઠાવેલ.

આ યોજનામાં કુણાલ પ્રા.લી., એઇમ એજયુકેશન સોસાયટી, દોશી પ્રા.લી., વાત્સલ્ય ટ્રસ્ટ, મનમંદિર ટ્રસ્ટ, આઇ.સી.એ. સંસ્થા, સત્યનામ રચનાત્મક વિકાસ મંડળ, સહિતની સંસ્થાઓ શંકાસ્પદ હોવાનો આક્ષેપ પણ ડો. વસાવડાએ કરેલ.

આવી ૭૦ સંસ્થાના રજીસ્ટ્રેશનની તપાસ તેમના તાલીમ કેન્દ્રની સ્થળ તપાસ, તેમણે તાલીમાર્થીને અપાવેલ નોકરીના નિમણૂંક પત્ર અને પગાર સ્લીપની આઇ.ટી.આર. ના રીટર્ન, જી.એસ.ટી.ના રીટર્ન સાથે મેળવવા ડો. વસાવડાએ ઉઠાવી હતી.

આ પત્રકાર પરીષદમાં  મહેશભાઇ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઇ ત્રિવેદી, આશિષસિંહ વાઢેર તથા જીજ્ઞેશભાઇ સબાડ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:30 pm IST)