Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

ગીર ગાયના સીમેન વિદેશથી લાવવાના નિર્ણય સામે સૌરાષ્ટ્રના ગોપાલકોમાં ભભુકતો રોષ

કેન્દ્ર સરકારે ૧ લાખ ગીર ગાયના સીમોન ડોઝ બ્રાઝીલથી મંગાવવાનું નક્કી કર્યુ છે ત્યારે ઓરીજીનલ ગીર ગાયની નસ્લ નષ્ટ થવાની આશંકા વ્યકત કરતા ગીર કાંકરેજ ગોપાલક બ્રીડર એસોસીએશનના ઘનશ્યામ મહારાજ, પ્રદીપસિંહજી રાઓલ (લાખણકા), રાઘવેન્દ્રસિંહજી ઓફ ભાડવા, સત્યજીતસિંહ ખાચર ઓફ જસદણ, ગીર બ્રીડર એસોસીએશનના બી.કે. આહિર, દિલીપ તંતી, ગીર ગાય સંવર્ધનના એકટીવ ગોપાલક ચંદુભાઈ સુરાણી

આજે રાજકોટ ખાતે ગીર ગાય સંવર્ધન પ્રશ્ને બ્રાઝીલના સીમન મંગાવવાના વિરોધમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં પત્રકારોને વિગતો આપી રહેલા દિલીપભાઈ તંતી, ગોપાલક બ્રીડર એસોસીએશનના ઘનશ્યામ મહારાજ, પ્રદીપસિંહજી રાઓલ (લાખણકા), રાઘવેન્દ્રસિંહજી ઓફ ભાડવા, સત્યજીતસિંહ ખાચર ઓફ જસદણ, ગીર બ્રીડર એસોસીએશનના બી.કે. આહિર, ગીર ગાય સંવર્ધનના એકટીવ ગોપાલક ચંદુભાઈ સુરાણી વગેરે નજરે પડે છે(તસ્વીરઃ અશોક બગથરીયા)(૨-૧૭)

રાજકોટ, તા. ૧૧ :. ભારત સરકારશ્રીના પશુપાલન વિભાગ દ્વારા બ્રાઝીલથી આયાત થનારા એક લાખ ગીર બુલના સીમેન ડોઝીઝથી ભારતની મુળભુત દેશી શુદ્ધ ગીર તથા અન્ય ગૌનસ્લ પોતાની શુદ્ધતા ગુમાવે તે પહેલા આવા એમ્બ્રીઓ તથા સીમેન ડોઝીઝની ઈમ્પોર્ટ યોજનાને બંધ કરાવવા ખાસ કરીને કાઠીયાવાડ-ગુજરાત અને સમગ્ર ભારતના ગોપાલકોએ વિરોધ નોંધાવેલ છે.

બ્રાઝીલમાં શરૂઆતના સમયમાં યુરોપીયન મુળનું જ ગૌવંશ હતુ. જે ખાસ કરીને પોર્ટુગીઝ (ડચ) અને સ્પેનનું હતુ. આ પ્રાણીઓ ઠંડા વિસ્તારના હતા. બ્રાઝીલ ગરમ પ્રદેશ હોય આ પશુઓ સ્થાનિક વાતાવરણનો અનુકુળ ન જણાતા, ગરમ પ્રદેશમાં અનુકુળ આવે તેવા ગૌવંશ માટે સૌ પ્રથમ ૧૮૨૬માં આફ્રીકન ગૌવંશનું પ્રથમ ઘણ બ્રાઝીલમાં વસાવવામાં આવેલ. પરંતુ આ ગૌવંશનું ઉપાર્જન સંતોષકારક ન હતુ. પરિણામે ભારતીય ગૌવંશની ગરમ વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતા અને બાહ્ય પરોપજીવી સામે રોગ પ્રતિકારક શકિતને ધ્યાને લઈ બ્રાઝીલના બ્રિડરોએ ભારતીય ગૌવંશ તરફ નજર દોડાવેલ અને વધુ રસ દાખવેલ હતો.

ભારતમાંથી લગભગ ૬૩૦૦ ગૌવંશ બ્રાઝીલ લઈ જવામાં આવેલ જેમાં ગીર, કાંકરેજ, નીલોર (ઓંગોલ), રેડ સિંધી નસલની ગૌવંશ સામેલ કરવામાં આવેલ હતી. આમ હાલ બ્રાઝીલમાં જોવા મળતુ ભારતીય ગૌવંશ સિમિત પૂર્વજોમાંથી ઉત્પન્ન થયેલ છે. બ્રાઝીલ દ્વારા ૮ લાખ ગૌવંશ યુરોપમાંથી પણ મંગાવવામાં આવેલ. જેથી પ્રાથમિક રીતે જોઈએ તો ભારત ગૌવંશની બ્રાઝીલ દ્વારા કરવામાં આવેલ આયાતનું મુખ્ય કારણ ભારતીય પશુની ગરમ વાતાવરણમાં પણ ટકી રહેવાની અનુકુળતા અને વધુ રોગ પ્રતિકારક શકિત નહીં કે દુધ ઉત્પાદનને કારણે, એ સમયે સારૂ દૂધ ઉત્પાદન આપતુ યુરોપીયન પશુધન તો બ્રાઝીલ પાસે જે તે સમયે પણ હતું જ.

બ્રાઝીલએ ભારતીય ગૌવંશ અને યુરોપીયન ગૌવંશના ક્રોસ દ્વારા માંસ અને દુધ આપતા પશુ ઉત્પાદન કરવામાં સારી સફળતા પ્રાપ્ત કરેલ છે. પશુપાલન બ્રાઝીલમાં આર્થિક પ્રવૃતિ છે. બ્રાઝીલ ભારત પછી પશુધન વસ્તીમાં બીજા ક્રમાંકે આવે છે. બ્રાઝીલમાં હાલના ૨૦૦ મીલીયન ગૌવંશની સંખ્યા પૈકી ૧૬૦ મીલીયન એટલે કે ૮૦ ટકા ગૌવંશમાં ભારતીય ગૌવંશનું લોહી છે. એટલે કે ભારતીય ગૌવંશ સાથે ક્રોસ કરી વિકસાવવામાં આવેલ છે. જનીનક્રિય સુધારણા બ્રાઝીલના પશુઓ ઉદ્યોગનો એક ભાગ બની ગયેલ છે. નવા નવા જનીન બંધારણ દ્વારા સારા લક્ષણોવાળી નસ્લ વિકસાવવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે.

બ્રાઝીલમાં ગીર અને એચ.એફ.ના ક્રોસ દ્વારા ગીરોલેન્ડ નામની નસલ દુધ અને માંસ ઉત્પાદન માટે વિકસાવવામાં આવેલ છે. આ નસલ જે ગીર ગાય જેવા લાંબા કાન હોય છે. બ્રાઝીલમાં દુધ આપતા ૮૦ ટકા પશુ આ નસલના છે. એટલે કે બ્રાઝીલનું મોટાભાગનું ગૌવંશ ગીર અને એચ.એફ. નસલનું મિશ્રણ છે. સરળ ભાષામાં સમજીએ તો આ નસલ ગીર અને એચ.એફ.ની અનુવંશિકતા છે.

બ્રાઝીલમાં તથા કુલ દૂધ ઉત્પાદનમાં પૈકી ૮૦ ટકા દૂધ ઉત્પાદન ગીરોલેન્ડ નસલના પશુ દ્વારા મળે છે. જે ગીર ગાયનો ઉપયોગ દૂધ ઉત્પાદક તરીકે થતો નથી તે બતાવે છે. આમ બ્રાઝીલમાં મુખ્ય દૂધ ઉત્પાદક નસલ ગીરોલેન્ડ છે નહી કે ગીર ગાય. આ નસલનું સરેરાશ દૂધ ઉત્પાદન ૩૬૦૦ લીટર / વેતર (૩૦૫ દિવસ)નું અને દૂધમાં ફેટ ૪ ટકા હોય છે.

બ્રાઝીલમાં નીચે મુજબની જુદી જુદી સાત ગૌવંશની નસલો જોવા મળે છે. (૧) ઈન્ડો બ્રાઝીલઃ માંસ ઉત્પાદન માટે ભારતીય ગીર ગાય, કાંકરેજ અને ઓંગોલ નસલના ક્રોસ દ્વારા વિકસાવવામાં આવેલ નસલ છે. (૨) કરાકુઃ માંસ અને દૂધ માટેની દ્વિઅર્થી નસલ છે. (૩) ગીરોલેન્ડઃ દૂધ ઉત્પાદન માટે ગીર એચ.એફ.નસલના ક્રોસ દ્વારા વિકસાવવામાં આવેલ નસલ છે. બ્રાઝીલમાં ઉત્પાદન થતા દૂધ પૈકી ૮૦ ટકા દૂધ આ નસલના ગૌવંશ દ્વારા થાય છે. (૪) કેન્ચીમઃ યુરોપીયન ચારોલાઈટ અને ઈન્દુ બ્રાઝીલ નસલના ક્રોસ દ્વારા વિકસાવવામાં આવેલ નસલ (૫) મોચો નાકીઓનાલઃ યુરોપીયન મુળની માંસ ઉત્પાદન માટેની નસલ છે. (૬) પેન્ટાનીઅરોઃ આ નસલ લુપ્ત થવાની તૈયારીમાં છે. (૭) ટેબાપુઅનઃ માંસ ઉત્પાદન માટે ઝેબુ (ભારતીય) તથા મોયોનાકીઓનાલ નસલના ક્રોસ દ્વારા વિકસાવવામાં આવેલ છે.

ઉપરોકત હકીકત ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે હાલે બ્રાઝીલમાં જોવા મળતુ ગૌવંશ જુદા જુદા ગૌવંશના ક્રોસ દ્વારા વિકસાવવામાં આવેલ છે. દરેક નસલોમાં જુદી જુદી વિશેષતાઓનો ઉપયોગ કરી નવી નસલો પેદા કરવામાં આવેલ છે. બ્રાઝીલના ગૌવંશ વિશે જ્યારે આપણે આ હકીકત જાણીએ ત્યારે આપણને સમજાય છે કે આપણી પાસે જે ગૌવંશ છે તે ઉત્તમ છે.

આપણા ગૌવંશની ભવિષ્યમાં સંતતિમાં દૂધ ઉત્પાદન વધારવા ઘણા લાંબા સમયથી પ્રયત્નો થઈ રહ્યા છે. જેના રૂપે બ્રાઝીલથી સીમેન ડોઝ મંગાવી તેના દ્વારા આપણા પશુનુ બ્રિડીંગ કરી ભવિષ્યના પશુને વધુ દૂધ ઉત્પાદન કરે તેવા પ્રયત્નો હાલમાં કરવામાં આવી રહ્યા છે. પરંતુ બ્રાઝીલ અને ભારતીય પશુપાલન બાબતે સમજવાની જરૂર છે.

આપણા પૂર્વજો વખતથી દેશના જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી ગૌવંશની નસલ દૂધ ઉત્પાદન, પરીવહન શકિત, ખોરાકની જરૂરીયાત, સ્થાનિક પરિસ્થિતિને અનુકુળ થવાની શકિત અને રોગ પ્રતિકારક શકિતનો ધ્યાને લઈ પસંદગીના બ્રિડીંગ દ્વારા અસ્તિત્વમાં આવેલ છે. ભારતમાં હાલ ૪૦ ગૌવંશની નસલો છે જે પૈકી પાંચ નસલો ગીર, સાહિવાલ, રેડ સિંધી, થરપારકર અને રાઠી તેની ઉત્પાદકતા માટે જાણીતી છે. આ ઉપરાંત કાંકરેજ, ઓંગોલ અને હરીયાણી સારૂ દૂધ ઉત્પાદન આપતી નસલો છે.

બ્રાઝીલમાં દૂધ ઉત્પાદન મોટે ભાગે ચરિયાણ અને ખાણદાણ આધારીત છે પશુ માટે પુરતુ રરિયાણ ઉપલબ્ધ છે. તેમજ પિયત દ્વારા પણ ચરિયાણ જાળવવામાં આવે છે. ખાણદાણમાં મુખ્યત્વે મકાઈ, જુવાર, સોયાબીન અને કપાસીયાનો સમાવેશ થાય છે. પશુપાલકો - બ્રીડરો મોટે ભાગે વધુ સંખ્યામાં પશુઓ હોય છે.

આપણું મોટાભાગનું ગૌવંશ નાના કે સિમાંત ખેડૂત કે ખેત મજુર પાસે એકલદોકલ સંખ્યામાં છે. મોટાભાગનું દૂધ ઉત્પાદન આ કક્ષાએ આવે છે આ પશુને પુરતુ પોષણ અને રહેઠાણ વ્યવસ્થાનો પણ અભાવ હોય છે, ત્યારે વિશેષ દૂધ ઉત્પાદનની આશા કેવી રીતે રાખી શકાય. આપણે ક્ષેત્રીય કક્ષાની મુશ્કેલી ધ્યાને લીધા વગર પશુ ઓછા દૂધ ઉત્પાદક છે. તેમ કહી વગોવ્યા રાખીએ છીએ.

વધુ દુધ ઉત્પાદક પશુની જાળવણી માટે ખાસ વિશેષ જરૂરીયાત રહે છે એ તે માટે ખાસ ધ્યાન આપવુ પડે છે. અડાણ અને આંચળની વધુ તકલીફો ઉભી થતી હોય છે. બ્રાઝીલમાં નબળા કે તકલીફવાળા ગૌવંશની કતલ કરી નાખવામાં આવે છે. જેથી માત્ર માંસ ઉત્પાદક પશુનો જ વેલો આગળ વધે છે. આપણે ત્યાં અનેક ગૌશાળામાં આંચળ અને અડાણ ખરાબ થઈ ગયેલી ગાયો જોવા મળતી હોય છે જેને આપણી સંસ્કૃતિ મુજબ જીવનપર્યંત સારસંભાળ રાખવામાં આવતી હોય છે.

અન્ય નસલ સાથે બ્રીડીંગ તેમજ જે તે નસલના નબળા નંદી દ્વારા બ્રિડીંગને કારણે આપણે ત્યાં આજે નબળી ગુણવત્તાવાળા પશુઓનો હિસ્સો પશુધનના ૮૦ ટકા જેટલો થયેલ છે. આ પશુની સરેરાશ દૂધ ઉત્પાદકતા નસલ લાક્ષણિકતા દુધાળ પશુ કરતા ઘણી ઓછી હોય છે. આ નબળા પશુની સરખામણીમાં આપણે બ્રાઝીલ કે અન્ય પશુ સાથે કેવી રીતે કરી શકીએ.

પશુની ઉપાર્જન ક્ષમતા એકલી જનીન બંધારણ પર આધાર ન રાખતા પશુ જે પર્યાવરણમાં જન્મેલ અને ઉછરેલ હોય તેના ઉપર આધાર રાખે છે. જનીન બંધારણ અને પર્યાવરણ વચ્ચે અરસપરસ સહસંબંધ છે. દુધ ઉત્પાદન ઉપર પર્યાવરણ અને જનીન બંધારણની સંયુકત અસર હોય છે. પશુને ઉત્તમ અને યોગ્ય પર્યાવરણ મળે નહીં ત્યાં સુધી જનીન બંધારણ સંપૂર્ણ ક્ષમતા પ્રદર્શિત કરી શકતું નથી. માટે બ્રાઝીલથી સારા જનીન બંધારણવાળા નંદીના બિજ દ્વારા ઉત્પન થયેલ સંતતી આપણી દેખરેખ અને સંભાળમાં સારી દુધ ઉત્પાદકતા ન લાવી શકે તે સરળતાથી સમજી શકાય તેવી બાબત છે.

આપણી ગીર ગાયો બ્રાઝીલમાં સારૃં દુધ ઉત્પાદન આપે છે તે વાત જ સ્પષ્ટ કરે છે કે આપણી ગાયોને યોગ્ય રીતે અને પુરતી કાળજી તેમજ સંભાળ રાખવામાં આવે તો તે સારી દુધ ઉત્પાદક થઇ શકે છે. અમુક ફાર્મની ગાયોને જયાં સારી સાર સંભાળ, પુરતુ પોષણ ઉપરાંત રોગ સામે પુરતા પગલા લેવામાં આવે છે તે ગાયો દુધ ઉત્પાદનોનો સારો રેકોર્ડ ધરાવે છે. ઉપરાંત દુધ હરીફાઇમાં અનેક ગાયોનું સારૃં ઉત્પાદન નોંધાય છે જે સ્પષ્ટપણે દર્શાવે છે. આપણા પશુ જનીન બંધારણ દુધ ઉત્પાદન માટે સારૃં છે. અને આપણે તયાં જોવા મળતી ગીર ગાયોમાં વિશેષ દુધ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જ જે જોતા બ્રાઝીલમાંથી સીમેન ડોઝ આયાત કરવાને બદલે આપણી દુધ ઉત્પાદક નસલોનો તેમજ નબળા પશુધનનો કેવી રીતે કાયાકલ્પ થઇ શકે તે બાબતે વિચારવાની અને ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.

ભારતમાં કુલ ૪૦ ગૌવંશની નસલો છે. જે પૈકી પાંચ નસલો ગીર, સાહિવાલ, રેડ સિંધી, થરપારકર અને રાઠી તેની દુધ ઉત્પાદકતા માટે જાણીતી છે. આ ઉતરાંત કાંકરેજ, ઓંગોલ અને હરીયાણી સારૃં દુધ ઉત્પાદન આપતી નસતો છે. આપણા પૂર્વજોના વખતથી જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી ગૌવંશની નસલ દુધ ઉત્પાદન, પરીવહન શકિત, ખોરાકની જરૂરીઆત, સ્થાનિક પરીસ્થિતીને અનુકુળ થવાની શકિત અને રોગ પ્રતિકારક શકિતને ધ્યાને લઇ પસંદગીના બ્રિડીંગ દ્વારા અસ્તિત્વમાં આવેલ  છે.

પરંપરાગત જાણકારી અને આધુનિક જનીન વિજ્ઞાનની જાણકારીના સમન્વયથી બ્રિડીંગમાં વિશેષમાં પ્રગતિ સાંધી ભવિષ્યમાં આપણે ત્યાં જ સારૂ દુધ ઉત્પાદક ગૌવંશ તૈયાર કરી શકાય તેમ છે. આપણે કોઇનું આંધળુઃ અનુકરણ ન કરી શકીએ તેમજ સ્થાનીય પશુના ભોગે બહારના પશુ વસાવી ન શકાય.

થોડા વર્ષો પહેલા લુપ્ત થવાને આરે આવેલ ગીર નસલ-ગીર ગાય બચાવો અભિયાન દ્વારા બચેલ છે. જે ન આપણે ન ભુલવું જોઇએ. પરદેશી નંદીના સીમેન દ્વારા દુધ ઉત્પાદક સંતતિ મેળવવાની ખોટી લાલચમાં આપણે આપણા શુધ્ધ ગૌવંશનાં અસ્તિત્વ ઉપર જોખમ ઉભું કરી રહ્યા છીએ. અને સમય જતા નસલ પણ ગુમાવીશું. એમાં શંકા ને કોઇ સ્થાન નથી. અનેક ભોળા અને અશિક્ષીત ગોપાલકો દુધ વધારી આર્થિક લાભ ખાટવાની લાલચનો ભોગ બનશે.

અગાઉ દુધ ઉત્પાદન વધારવાની લાલચમાં એચ.એફ.અને જર્સિ નસલનું ક્રોસ બ્રિડીંગ અપનાવવામાં આવેલ જે પરીણામ કેટલું ભયંકર આવેલ તે આપણે સૌ જાણીએ છીએ. આજે ક્રોસ બ્રીડીંગ બંધ કરવું પડેલ આજે બાબતનું પુનરાવર્તન બ્રાઝીલથી સીમેન મંગાવવાથી થશે.

ઉપરોકત બાબત અંગે કેન્દ્ર સરકારનાં પશુપાલમંત્રી શ્રી ગીરીરાજસિંઘજીની દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત કરી આ અંગે ગહન ચર્ચા-વિચારણ કરવા જણાવેલ હતું. આ રૂબરૂ મુલાકાતમાં આચાર્ય ઘનશ્યામજી મહારાજ-ભુવનેશ્વરી પીઠ ગોંડલ, ડો.વલ્લભભાઇ કથીરીયા જોડાયા હતા.

ઉપરાંત મહામહીમ ગર્વનર શ્રી આચાર્ય દેવવ્રત-ગાંધીનગર, ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાત રાજયનાં પશુપાલનમંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા સહીતનાં લોકોને મળી ગોપાલક સંઘ દ્વારા પણ રજુઆત કરવામાં આવેલ હતી.

આ પત્રકાર પરિષદમાં આચાર્ય ઘનશ્યામજી મહારાજ-ભુવનેશ્વરી પીઠ-ગોંડલ, સત્યજીતજી ખાચર-જસદણ સ્ટેટ, રાઘવેન્દ્રસિંહજી જાડેજા-ભાડવા સ્ટેટ, પ્રદીપસિંહજી રાઓલ-ભાવનગર, રમેશભાઇ ઠક્કર શ્રીજી ગૌશાળા, મહંત શ્રી લાલદાસબાપુ-લાલપરી મેલડી માતા ગૌશાળા, બી.કે.આહિર-પ્રમુખઃ ગીર બ્રિડર એસોસીએશન, દીલીપભાઇ તંતી-શાશ્વત ગૌશાળા, વિરભાઇ ખારા ખાસ ઉપસ્થિત રહી માહીતી આપેલ હતી.

આ પત્રકાર પરિષદનું સંચાલન રીઝલ્ટ એડવર્ટીઝીગના ડિરેકટરશ્રી જીતુભાઇ કોઠારી અને વ્યવસ્થા રીઝલ્ટ એડવર્ટાઝીંગના ડિરેકટરશ્રી મેહુલભાઇ દામાણીએ સંભાળેલ હતી.

(3:51 pm IST)