Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ટુવ્હીલર બીઆરટીએસની રેલીંગમાં અથડાતા કુલદીપસિંહ ભટ્ટીનું મોત

મવડી ૧૫૦ રીંગ રોડ ગોવર્ધન ચોકમાં બનાવ : પાછળ બેઠેલા મિત્રના માસીયાઇ ભાઇ જામનગરના ધમેન્દ્ર ઘેડીયાને ઇજા

રાજકોટ તા. ૧૧: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં જ્યુપીટર ટુવ્હીલર નં. જીજે૦૩એચએફ-૨૪૯૦ બીઆરટીએસની લોખંડની રેલીંગમાં અથડાતાં ચાલક મવડી પ્લોટના કુલદીપસિંહ રણજીતસિંહ ભટ્ટી (ઉ.૨૫)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તેના મિત્ર દિપેશભાઇ પ્રજાપતિના જામનગરથી આવેલા પિત્રાઇ ભાઇ ધર્મેન્દ્ર લક્ષમણભાઇ ઘેડીયા (ઉ.૨૨)ને ઇજા થઇ હતી. બનાવ અંગે માલવીયાનગર પોલીસે ધર્મેન્દ્ર ઘેડીયાની ફરિયાદ પરથી મૃતક કુલદીપસિંહ ભટ્ટી સામે ગુનો નોંધ્યો હતો. ધર્મેન્દ્રના કહેવા મુજબ પોતે જામનગરથી પોતાના માસીના દિકરા દિપેશના લગ્ન હોઇ ત્રણ દિવસથી રાજકોટ આવ્યો હતો. ગઇકાલે પોતે અને માસીના દિકરા દિપેશના મિત્ર કુલદીપસિંહ એમ બંને ટુવ્હીલરમાં બેસીની કામ સબબ નીકળ્યા હતાં. આ ટુવ્હીલર કુલદીપસિંહ હંકારી રહ્યા હતાં. તેણે ગોવર્ધન ચોક પાસે ગોળાઇ લેતાં બેલેન્સ ગુમાવતાં વાહન બીઆરટીએસની રેલીંગમાં અથડાતાં બંને ફંગોળાઇ જતાં ઇજા થઇ હતી. જેમાં કુલદીપસિંહને માથામાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં દમ તોડી દેતાં તેના સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો. માલવીયાનગરના પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:09 pm IST)