Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

શેઠ હાઈસ્કૂલના બાંધકામમાં કોન્ટ્રાકટરે વિજબીલમાં ગેરરીતિ કરીઃ વિપક્ષી નેતાની ફરીયાદ

કોર્પોરેશનના મીટરનો ઉપયોગ કર્યોઃ કોન્ટ્રાકટર પાસેથી વિજબીલ વસુલવા માંગ ઉઠાવતા વશરામ સાગઠિયા

રાજકોટ, તા. ૧૧ :. મ્યુ. કોર્પોરેશનની શેઠ હાઈસ્કૂલના બાંધકામના કોન્ટ્રાકટરે વિજબીલમાં જબરી ગેરરીતિ કાર્યનો આક્ષેપ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયાએ કર્યો છે અને આ બાબતે મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી આ પ્રકરણમાં તપાસ કરાવીને કોન્ટ્રાકટર પાસેથી 'વિજબીલ'ની રકમ વસુલવા માંગ ઉઠાવી છે.

આ પત્રમાં વશરામભાઈએ જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરના ૮૦ ફૂટના રોડ ઉપર આવેલ રાજકોટ મહાનગરપાલિકાના શેઠ હાઈસ્કૂલના પાછળની ભાગમાં નવી શાળાની બિલ્ડીંગ બનાવવાનું કામકાજ કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યુ છે. કોન્ટ્રાકટરની ટેન્ડરની શરત મુજબ કોન્ટ્રાકટરે વીજ કનેકશન પીજીવીસીએલમાંથી પરભારે લેવાનું હોય છે અને વીજ વપરાશ ચાર્જ કોન્ટ્રાકટરે જ ભરવાનો થાય છે. પરંતુ અમારી સ્થળ તપાસમાં માલુમ પડેલ છે કે આ કામના કોન્ટ્રાકટરે ઈલાયદુ વીજ કનેકશન લીધેલ નથી બલ્કે શેઠ હાઈસ્કૂલના હાલના વીજ કનેકશનમાંથી પેટા કનેકશન લઈને વીજ વપરાશ કરી રહ્યા છે જે ટેન્ડરની વિરૂદ્ધનું કામ છે.

પત્રમાં શ્રી સાગઠિયાએ જણાવેલ કે, કોન્ટ્રાકટર શેઠ હાઈસ્કૂલના વીજ કનેકશનમાંથી વિજળી વાપરતા હોવાથી આ વીજ વપરાશ ચાર્જ નાહકનો મ્યુનિસીપલ કોર્પોરેશનને ભરવો પડે છે. તેથી જ્યારથી નવી શાળાનું બાંધકામ શરૂ થયુ છે ત્યારથી માંડી અત્યાર સુધીનું શેઠ હાઈસ્કૂલે ભરેલ વીજ વપરાશનું બિલ કોન્ટ્રાકટરના બિલમાંથી કપાત કરી તંત્રના ખજાનામાં જમા થાય તેમ કરવા માંગણી છે.(૨-૨૧)

(3:44 pm IST)