Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સંઘર્ષ બાદ જે સફળતા મળે તે શ્રેષ્ઠતમ હોયઃ જીવનમાં આત્મવિશ્વાસ વધારજોઃ પૂ.નમ્રમુનિ મ.સા.

સ્થા.જૈન મોટા સંઘ ખાતે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ના શ્રી મુખેથી શ્રી ઉવસગહંર સ્તોત્રના દિવ્ય જાપ યોજાયા :પૂ.સુશાંતમુનિજી, પૂ.નમ્રમુનિજી, પૂ.પવિત્ર મુનિજી આદિ ઠા.૬ તથા ગોંડલ સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય, અજરામર સંપ્રદાયના વિશાળ સાધ્વી વૃંદની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ,તા.૧૧:  પૂ.ગુરૂદેવ સુશાંત મુનિ મ.સા., રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા., પૂ.પિયુષમુનિ મ.સા., પૂ.ચેતન મુનિ મ.સા.,પૂ.વિનમ્ર મુનિ મ.સા.,પૂ.પવિત્ર મુનિ મ.સા.તથા ગોંડલ સંપ્રદાય, સંઘાણી સંપ્રદાય, અજરામર સંપ્રદાયના વિશાળ સાધ્વીવૃંદની પાવન ઉપસ્થિતિમાં શ્રી સ્થા.જૈન મોટા સંઘ, વિરાણી પૌષધ શાળા ખાતે '' મહા પ્રભાવક શ્રી ઉવસગહરં સ્તોત્ર'' ના જપ સાધનાનું આયોજન થયેલ.

રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્ર મુનિ મ.સાહેબે બ્રહ્મ નાદથી અલૌકિક દિવ્ય જાપ કરાવેલ. બે હજાર ઉપરાંત ભાવિકોએ પરમ શાંતિમય વાતાવરણમાં જપ સાધનાનો અવિસ્મરણીય લાભ લીધેલ.

સૌપ્રથમ જૈન શાળાની બાલિકાઓએ સુંદર સ્તવનની પ્રસ્તુતિ કરી ચતુર્વિધ સંઘનું સ્વાગત કરેલ. મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ ઉપસ્થિત ચતુર્વિધ સંઘનું સ્વાગત કરેલ.  ગોંડલ સંપ્રદાયના પૂ.ભદ્રાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ.અજીતાબાઈ મ.સ.એ કહ્યું કે વિરાણી પૌષધ શાળાની ભૂમિ પરમ ભાગ્યશાળી છે કારણ કે અહીં અનેકોનેક આત્માઓની દીક્ષા ભૂમિ છે. તેઓએ કહ્યું કે મારી વડી દીક્ષા પણ આ ભૂમિ પર થયેલી છે. પૂ.ગુરૂદેવ ધીરજ મુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.જિજ્ઞાબાઈ મ.સ. એ પ્રસંગોચિત્ત ઉદબોધન કરેલ. મોટા સંઘના તમામ સધ્સ્યો વતી શ્રી સંઘે ગુરૂવર્યોને કામળી વહોરાવેલ. સ્વ. ગુલાબબેન અનિલભાઈ મહેતા પરીવાર તરફથી આયોજિત શાતાકારી નવકારશીમાં બે હજાર ભાવિકોએ લાભ લીધેલ.

 પૂ.ગુરૂદેવ નમ્ર મુનિ મ.સાહેબે પોતાના મનનીય પ્રવચન આપતા ફરમાવ્યુ કે વિરાણી પૌષધ શાળા સાથે મારી સ્મૃતિઓ અને સંભારણા જોડાયેલા છે.સંયમ અંગીકાર કર્યા બાદ પ્રથમ પ્રવચન આ ભૂમિ ઉપર આપેલું. એક સપનું હતું કે આ પાવન ભૂમિ ઉપર મહા પ્રભાવક શ્રી ઉવસગહરં સ્તોત્રની જપ સાધના કરાવવી. આજે આ સપનું સાકાર થયું છે. સંતો સદા તપ - જપની સાધના - આરાધના કરવા અને કરાવવા આવતા હોય છે. જિન શાસન હંમેશાં ઉપાસકોથી શોભે છે. પૂ.ગુરૂદેવે વધુમા કહ્યું કે જગતના સર્વે જીવો પ્રત્યે સમભાવ રાખજો.સંતનું સર્જન સદા નિઃસ્વાર્થ જ હોય છે.  પૂ.સંતો અને સંઘપતિઓ ગામમાં રહેલા ટાવર ઘડીયાળ જેવા હોય છે.જો ટાવર ઘડીયાળ સાચો સમય ન બતાવે તો જનતાનું સમય પત્રક વેર વિખેર થઈ જાય છે.એક રોચક દ્રષ્ટાંત દ્રારા સમજાવેલ કે ફુલની સાથે રહો તો સુવાસ મળે અને કાદવ સાથે રહો તો વાસ મળે.સદ્ ગુણોની પ્રભાવનાથી આકાશ સુધીની ઉંચાઈ મળે.ધર્મ કરજો અને અન્યને ધર્મમાં જોડજો. સંઘર્ષ બાદ જે સફળતા મળે છે તે શ્રેષ્ઠતમ હોય છે.જીવનમાં આત્મ વિશ્વાસ વધારજો. તેમ જૈન સાહીત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવેલ.

મોટા સંઘના ટ્રસ્ટી રજનીભાઈ બાવીસીએ પૂ.ગુરૂવર્યોને ચાતુર્માસ તેમજ શેષકાળનો લાભ આપવા વિનંતી કરેલ. આભાર વિધી સંઘ પ્રમુખ ઈશ્વરભાઈ દોશીએ કરેલ તેમ રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘની યાદિમાં જણાવાયું છે.

(2:46 pm IST)