Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કાળ જાણે બોલાવતો હોઇ તેમ સંદિપ નાગ્રેચા છેલ્લી ઘડીએ બસમાં બેઠો'તો!

જુનાગઢના વડાલ પાસે સર્જાયેલા અકસ્માતની કરૂણાંતિકાં: ડ્રાઇવર મિત્રએ નાના ભાઇ સાગરને ફોન કરી કહ્યું-તારે ન આવવું હોય તો મોટાને મોકલ...અનિચ્છાએ સાથે ગયો ને જિંદગી પુરી થઇ ગઇ : ગાંધીગ્રામ અમૃત પાર્કના લોહાણા પરિવારમાં કલ્પાંતઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: મૃતક રેસકોર્ષ રીંગ રોડના ચંદુભાઇ જ્યુસવાળાનો સગો ભત્રીજો થતો હતો :સંદિપ નાના ભાઇ સાગર સાથે અક્ષરનગરમાં ભગવતી પ્રોવિઝન સ્ટોર નામે દુકાન ચલાવતો હતો :સંદિપે ૧૦ વર્ષના દિકરા તિલકને કહ્યું'તું: સોમવારે વેકેશન ખુલશે એટલે તને હું જ સ્કૂલે મુકવા આવીશ :ત્રણ મહિના પહેલા પત્નિને બર્થ ડે ગિફટમાં કાશ્મીરની ટૂર આપી હતી :ચુડી ચાંદલો નંદવાતા શિતલ નાગ્રેચાનું કરૂણ આક્રંદ :માર્ચ મહિનામાં 'ધરતીનું સ્વર્ગ' ગણાતાં કાશ્મીર ખાતે ફોટો પડાવનાર સંદિપ અચાનક 'સ્વર્ગની યાત્રા'એ ચાલી નીકળશે તેવી કયાં કોઇને કલ્પના હતી!!

રાજકોટ તા. ૧૧: જિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઇ સમજા નહિ કોઇ જાના નહિ...આ ગીતની પંકિત મુજબ કાળા માથાના માનવીની જિંદગીનો કયારે, કયાં અને કેવી રીતે અંત આવી જાય તેની ખબર પડતી નથી. ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે અમૃત પાર્કમાં યશ કોમ્પલેક્ષ પાસે રહેતાં લોહાણા યુવાન સંદિપ નરેન્દ્રભાઇ નાગ્રેચા (ઉ.૩૫) સાથે આવું જ બની ગયું છે. શનિવારે મોડી રાત્રે તેનો મિત્ર બસ લઇ દેલવાડા જતો હોઇ તેણે ફોન કરીને તારે આવવું હોય તો બેસી જા...તેમ કહેતાં સંદિપ અનિચ્છા હતી છતાં કાળ જાણે બોલાવતો હોય તેમ સાથે ગયો હતો અને જુનાગઢના વડાલ પાસે અકસ્માતમાં બે અન્ય યાત્રી સાથે સંદિપનો પણ ભોગ લેવાઇ ગયો હતો. યુવાન અને આધારસ્તંભ દિકરાના મોતથી લોહાણા પરિવાર પર વજ્રઘાત થયો છે. સંદિપના કાકા ચંદુભાઇ નાગ્રેચા દરરોજ સવારે રેસકોર્ષ રીંગ રોડ પર નેચરલ જ્યુસનુંવેંચાણ કરે છે.

જુનાગઢના વડાલ નજીક શનિ-રવિની રાત્રે પોણા ત્રણેક વાગ્યે રાજકોટથી ઉપડેલી કિસ્મત ટ્રાવેલ્સની બસ નં. જીજે૩બીવી-૯૯૩૨ વડાલ પાસે બંધ ઉભેલા ટ્રક જીજે૧૧વાય-૫૨૪૫ પાછળ ધડાકાભેર અથડાતાં ગોંડલના સોની મહિલા ગીતાબેન ચંદ્રેશભાઇ લાઠીગ્રા અને અમરેલીના સોની મહિલા ભાવનાબેન સુરેશભાઇ તથા રાજકોટ ગાંધીગ્રામના સંદિપ નરેન્દ્રભાઇ નાગ્રેચાના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં. રાજકોટથી સોની સમાજના લોકોની બસ અધિક માસની અગિયારસ નિમીતે દેલવાડા પાસે મહાપ્રુભજીની બેઠકે દર્શન કરવા જઇ રહ્યા હતાં. સોની સમાજે કિસ્મત ટ્રાવેલ્સની બસ ભાડેથી બાંધી હતી.

આ બસના ડ્રાઇવર દિનેશભાઇએ ગાંધીગ્રામ અૃમત પાર્કમાં રહેતાં અને લાખના બંગલા પાસે અક્ષરનગરમાં ભગવતી પ્રોવિઝન સ્ટોર નામે દૂકાન ચલાવતાં પોતાના મિત્ર સાગર નરેન્દ્રભાઇ નાગ્રેચાને ફોન કરી પોતે ઉના જઇ રહ્યો હોઇ રવિવારની રજા હોવાથી સાથે આવવું હોય તો બેસી જવા કહ્યું હતું. પરંતુ સાગરે પોતાને તો નથી આવવું, મોટાને (મોટા ભાઇ સાગરને) આવવું હોય તો પુછી જો તેમ કહેતાં દિનેશભાઇએ મોટો ભાઇ સંદિપ પણ મિત્ર હોઇ તેને ફોન જોડ્યો હતો અને સાથે આવવા કહ્યું હતું. સંદિપે પહેલા તો ના કહી દીધી હતી, પણ કાળ જાણે પોકારતો હોય તેમ છેલ્લી ઘડીએ સંદિપ સાથે જવા તૈયાર થઇ ગયો હતો અને ડ્રાઇવર કેબીનમાં જ મિત્ર દિનેશભાઇ સાથે બેસી ગયો હતો. જતાં જતાં સંદિપે એકના એક દિકરા તિલક (ઉ.૧૦)ને સોમવારે તેનું વેકેશન ખુલતું હોઇ શાળાના પહેલા દિવસે પોતે જ મુકવા આવશે એમ કહ્યું હતું. પણ કોઇને કયાં ખબર હતી કે સંદિપનો મૃતદેહ જ ઘરે આવશે!?

કાળનો કોળીયો બનેલો સંદિપ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના નાના ભાઇનું નામ સાગર છે. પોતે અને ભાઇ સાગર અક્ષરનગરમાં પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. તેના પિતા નરેન્દ્રભાઇ નાગ્રેચા અને માતા નિતાબેન નાગ્રેચા નિવૃત જીવન ગાળે છે. અગાઉ પિતા નરેન્દ્રભાઇ વાંકાનેર મીલમાં નોકરી કરતાં હતાં.

સંદિપના કાકા ચંદુભાઇ નાગ્રેચા દરરોજ વહેલી સવારે રેસકોર્ષ રીંગ રોડ પર આઇઓસી સામે બેસી ફળો અને શાકભાજીના જ્યુસનું વેંચાણ કરે છે. અનેક લોકોની તંદુરસ્તી જળવાઇ રહે તેવું કામ કરતાં ચંદુભાઇએ જુવાનજોધ ભત્રીજો ગુમાવતાં આજે જ્યુસનું વેંચાણ બંધ રાખ્યું હતું. સંદિપ ખુબ જ સરળ અને મળતાવડા સ્વભાવનો હતો આ કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવતો હતો. તેના લગ્ન બાર વર્ષ પહેલા જામનગરના દિલીપભાઇ ખખ્ખરની દિકરી શિતલ સાથે થયા હતાં. સંતાનમાં દસ વર્ષનો પુત્ર છે.

સંદિપે ગયા માર્ચ મહિનામાં જ ૧૧ તારીખે પત્નિ શિતલનો બર્થ ડે હોઇ તેણીને બર્થ ડે ગિફટમાં કાશ્મીરની ટૂર આપી હતી. આ ટૂરમાં પોતે પતિ-પત્નિ તથા નાનો ભાઇ અને તેના પત્નિ સહિતના પરિવારજનો ગયા હતાં. ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં સંદિપ સહિતના પરિવારજનોએ અનેક તસ્વીરો પડાવી હતી. પણ કોઇને કયાં ખબર હતી કે સંદિપની આ તસ્વીર અંતિમ સંભારણું બની રહેશે...પતિના અચાનક અવસાનથી પત્નિ શિતલ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. ૧૦ વર્ષના પુત્ર તિલકે તો એમ પણ પુછી લીધું હતું કે...પપ્પા મને સ્કૂલે મુકવા આવશે કે નહિ?!...આ માસુમને કયાં ખબર હતી કે હવે તેના પર પિતાની છત્રછાંયા રહી નથી.

(2:45 pm IST)