Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

રાજકોટના નવા મેયર સહિતના પદાધિકારીઓ માટે

આજે ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડઃ ત્રણ-ત્રણ નામોની પેનલ રજૂ થશે

સાસંદ,શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્‍ય,મેયર, શહેરનાં મહામંત્રી સહિતનાં આગેવાનો ગાંધીનગરમાં: ૧૫મીએ હાઇકમાન્‍ડ નામો ફાઇનલ કરી શહેર પ્રમુખને બંધ કવર મોકલી દેશે

રાજકોટ તા.૧૧: આગામી તા. ૧૫મી જૂને મ્‍યુ. કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં નવા મેયર, ડે.મેયર, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન વગેરેની ચૂંટણી યોજાનાર છે તથા શાસક નેતા, દંડક સહિતના પદાધિકારીઓના નામ નક્કી કરવા માટે આગામી તા. ૧૧ને સોમવારે પ્રદેશ ભાજપની પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક યોજાનાર છે. જેમાં તમામ પદાધિકારીઓ માટે ત્રણ-ત્રણ નામોની પેનલો શહેર પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા પ્રદેશ હાઇકમાન્‍ડ સમક્ષ રજૂ થશે.

આગામી તા.૧૫નાં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ મીટીંગ મળનાર છે. આ બોર્ડના અધ્‍યક્ષ ગણાતા મેયર અને ડેપ્‍યુટી મેયર માટે હોદ્દાની રુએ અંતિમ બોર્ડ હશે. શુક્રવારે બોર્ડ મીટીંગમાં હાલના મેયર ડો.જૈમન ઉપાધ્‍યાય અને ડેપ્‍યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ બોર્ડનું સંચાલન કરે છે, પરંતુ આગામી ૧૫ જૂને મળનારા બોર્ડમાં નવા મેયર ડેપ્‍યુટી મેયરની વરણી થશે. નવા મેયર, ડે.મેયર, સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન, ૧૫ સમિતિ ચેરમેનોની નવી નિયુક્‍તિ પૂર્વે તા. ૧૧ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં નામોની પેનલ તૈયાર થશે અને તા. ૧૫ના સવારે પ્રદેશમાંથી નવા નામો બંધ કરવામાં આવશે.

લોકસભાના ચૂંટણી વર્ષ અને તે બાદ કોર્પોરેશનના ચૂંટણી વર્ષમાં નવા પદાધિકારીઓ હોદ્દાઓ પર હશે. આથી બીજી ટર્મના પદાધિકારીઓ ક્ષમતા અને જ્ઞાતિ સહિતના સમીકરણોના આધારે નક્કી કરવામાં આવે તેમ માનવામાં આવે છે. મેયર જેવા મહત્‍વના પદ માટે આ વખતે મહિલાનો વારો હોવાથી ચૂંટાયેલા  ૧૯ જેટલા ભાજપનાં મહિલા કોર્પોરેટરોમાંથી અર્ધો ડઝન જેટલી મહિલા કોર્પોરેટરો વચ્‍ચે રસાકસી જામી છે. મહિલા મેયર કોણ બનશે તે અંગે જાત જાતના તર્ક -વિતર્ક થઇ રહ્યા છે. પોતાને શહેરના પ્રથમ નાગરિકનુ મહત્‍વનુ પદ મળે તે માટે કેટલીક મહિલા કોર્પોરેટરે અત્‍યારથી પ્રયાસો શરુ કરી દીધા છે.

મેયર ડો.જૈમન ઉપાધ્‍યાયની અઢી વર્ષની ટર્મ તા.૧૪ જુનના રોજ પુરી થઇ રહી છે. બીજી ટર્મ માટે મહિલા કોર્પોરેટર મુકવાના છે. આ નામોમાં હાલ આગળ રહેલા નામમાં વર્તમાન ડે.મેયર અને વ્‍યવસાયે ડોકટર એવા બિનવિવાદી અને કુશળ   પદાધિકારી ડો.દર્શિતાબેન શાહનું નામ ચાલી રહ્યું છે. ગત ટર્મમાં પણ મજબુત દાવેદાર ગણાતા અને મેયર ન બની શકેલા બીનાબેન આચાર્યનુંનામ પણ સાથે ચાલે છે.

 આ સિવાય પાટીદારમાંથી કિરણબેન સોરઠિયા, જાગૃતિબેન ધાડીયા તથા ઓબીસી જ્ઞાતિના અંજનાબેન મોરજરીયા અને અનિતાબેન ગોસ્‍વામીના નામ આવી રહ્યા છે.

સ્‍ટે.કમીટીના અઢી વર્ષના પ્રથમ ચેરમેન બનવાની તક પુષ્‍કર પટેલને મળી છે અને તેઓએ આ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી પણ છે. જો કે હવેની અઢી વર્ષની ટર્મ લોકસભા અને અને અંતે કોર્પોરેશનની ચૂંટણીની પણ છે અને મેયર પદે મહિલા રહેશે તેથી સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પદે વહીવટી પકડ ધરાવતા અનુભવી કોર્પોરેટરને બેસાડાશે. તેમ પુર્વ મેયર અને પુર્વ સ્‍ટેન્‍ડિગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ તથા પુર્વ સ્‍ટેન્‍ડિગ ચેરમન કશ્‍યપભાઇ શુકલ, મનિષભાઇ રાડીયા સહિતનાં સ્‍ટેન્‍ડિગ ચેરમેન પદ માટે દાવેદાર હોવાની ચર્ચા છે.

જ્‍યારે ડે .મેયર પદે વોર્ડ નં.૨ના કોર્પોરેટરો જયમીન ઠાકર, દલસુખભાઇ જાગાણી, તથા રાજુભાઇ અઘેરાને પાર્ટી ખુરશી સોંપી શકે અને શાસક પક્ષ નેતાના મહત્‍વના પદ માટે બાબુભાઇ આહીર,  અશ્વીન મોલીયા, અશ્વીન ભોરણીયા, મુકેશ રાદડીયા ભાવિ ઉત્‍સાહી પદાધિકારી સાબિત થઇ શકે તેમ છે. દંડક પદે રાજુભાઇ અઘેરાની જગ્‍યાએ કોણ આવે છે તેની પણ ચર્ચા થઇ રહી છે.

આજે ગાંધીનગર ખાતે યોજાનાર પાર્લામેન્‍ટ્રી બોર્ડમાં રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણી, સાસંદ મોહનભાઇ કુંડારીયા, મેયર ડો.જૈમન ઉપાધ્‍યાય, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી,લાખાભાઇ સાગઠીયા તથા શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ સહિતનાં ઉપસ્‍થિત રહી ત્રણ-ત્રણ નામોની પેનલ રજૂ કરશે.

(3:43 pm IST)