Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ઇન્‍કમટેક્‍સ ઓફિસર ૩૦ હજારની લાંચ લેતા ઝડપાયા

આઇટીઓ એન. પી. સોલંકીએ ન્‍યારાના ખેડૂત પાસે ૧૨ લાખની નોટીસની પતાવટ માટે ૯૦ હજારની લાંચ માંગી ૩૦ હજારમાં નક્કી કર્યુ હતું: બપોરે ઓફિસના ચોથા માળે રૂમ નં. ૪૦૨માં લાંચ સ્‍વીકારતાં એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોએ રંગેહાથે દબોચી લીધા

જ્‍યાં એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો ત્રાટક્‍યું તે ઇન્‍કમટેક્‍સ કચેરી, અધિકારીની ઓફિસ તથા તેનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૯: આજે બપોરે રેસકોર્ષ રીંગ રોડ પર આવેલી ઇન્‍કમટેક્‍સ ઓફિસના ચોથા માળે અફડા તફડી મચી ગઇ હતી. થોડીવાર તો કર્મચારીઓને શું બન્‍યું છે તેનો કયાસ આવ્‍યો નહોતો. બહારથી આવેલા કોઇ વિભાગના કર્મચારીઓએ આઇટી ઓફિસર એન. પી. સોલંકીને કોર્ડન કરી લેતાં મામલો લાંચનો હોવાનું સપાટી પર આવ્‍યું હતું. રાજકોટના જામનગર રોડ પર આવેલા ન્‍યારા ગામના ખેડૂતને ઇન્‍કમટેક્‍સ દ્વારા રોકડ લેવડ-દેવડના મામલે ૧૨ લાખની નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસની પતાવટ માટે આઇટીઓ એન. પી. સોલંકીએ ૯૦ હજારની લાંચ માંગી હતી. રકઝકને અંતે ૩૦ હજારમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. આ રકમ આજે બપોરે તેની કચેરીમાં સ્‍વીકારી રહ્યા હતાં ત્‍યારે જ ખાનગી વોચમાં રહેલા એસીબીના અધિકારીઓ ઝળક્‍યા હતાં. ખેડૂત પાસેથી હાથોહાથ લાંચની રકમ ૩૦ હજાર સ્‍વીકારતાં સોલંકીને દબોચી લેવાયા હતાં.

એન્‍ટી કરપ્‍શન વિભાગના ડીવાયએસીપી એચ. પી. દોશી અને પી.આઇ. આચાર્યને ન્‍યારાના ખેડૂત મળ્‍યા હતાં અને તેની પાસે થઇ રહેલી લાંચની માંગણી વિશે માહિતી આપી હતી. એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોએ ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદી એસીબીએ આપેલી પાવડરવાળી ચલણી નોટો લઇ રેસકોર્ષ રીંગ રોડ સ્‍થિત ઇન્‍કમટેક્‍સની ઓફિસે પહોંચ્‍યા હતાં. જ્‍યાં કોઇને શંકા પણ ન જાય તે રીતે શિફતપુર્વક લાંચ આપી હતી.

બરોબર તે વખતે જ આસપાસ ચક્કર લગાવી રહેલા પીઆઇ આચાર્ય અને તેના ચુનંદા માણસો પ્રગટયા હતાં. એન્‍ટી કરપ્‍શન વિભાગની ઓળખ આપવામાં આવતાં જ લાંચ સ્‍વીકારનાર ઓફિસરના હોંશકોશ ઉડી ગયા હતાં. આ લખાય છે ત્‍યારે ઓફિસ ખાતે સોલંકીની ચેમ્‍બરમાં છાનબીન અને પંચનામુ ચાલી રહ્યું છે.

ખેડૂતને નોટબંધી વખતની નાણાની લેવડ દેવડમાં ટેક્‍સ ચોરી કર્યાના મુદ્દે નોટીસ આપી પતાવટ કરવાનો કારસો એસીબીએ નિષ્‍ફળ બનાવ્‍યો હતો.

(3:32 pm IST)