Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વીજતંત્રના કર્મચારીઓ અને અધિકારીઓને સરકારી કર્મચારી ગણોઃ લોકો દ્વારા કરાતી ફોજદારી સામે કાયદાનું રક્ષણ આપો

આ મતલબના પરીપત્રો છેઃ જીબીઆનો મુખ્‍યમંત્રીને પત્રઃ ૧૦ દિવસમાં નિર્ણય નહી લેવાય તો આંદોલનની શરૂઆત કરાશે

રાજકોટ, તા. ૯ :. સેક્રેટરી જનરલ બી.એમ. શાહે જીઈબી એન્‍જીનીયર્સ એસો.ના મુખ્‍યમંત્રીને મહત્‍વનો પત્ર પાઠવી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેની હેઠળની વીજ કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી કર્મચારી ગણવા તથા લોકસેવક તરીકેની પોતાની ફરજ દરમ્‍યાન પ્રજા દ્વારા કરવામાં આવતી ફોજદારી ફરીયાદો સામે કાયદાનું રક્ષણ મળવા અંગે માંગણી કરી હતી.

પત્રમાં ઉમેર્યુ છે કે, આજ વીજ ક્ષેત્રની કામગીરી કરતા જાહેર વિજ સેવકો રાજ્‍યની પ્રજાના જાહેર સેવક બની ફરજ બજાવતા હોય છે ત્‍યારે અકારણસર અનાયસે પોતાની કે અન્‍યોની માનવીય ભૂલ કે સીસ્‍ટમની કે સાધનોમાં ખામી સર્જાય તેવા સંજોગોમાં પોતે અથવા તેના સાથીદારો કે રાજ્‍યના નિર્દોષ અન્‍ય નાગરિકો વીજ અકસ્‍માતનો ભોગ બને છે અને અકાળે અપંગતતા કે મોતનો શિકાર બને છે, ત્‍યારે સરકારશ્રી અને કંપનીના ઉચ્‍ચ મેનેજમેન્‍ટ દ્વારા નિર્દોષ અધિકારીઓ કે કર્મચારીઓને દોષિત ઠેરવી તેની સામે ખાતાકીય શિક્ષાત્‍મક કે ફોજદારી રાહે પગલા ભરી તેને હળાહળ અન્‍યાય કરી તેમનું સામાજીક અને પારીવારીક જીવન જીવવું અસહ્ય બનાવી દોષિત ગણવામા આવે છે.

તાજેતરમાં જ સુરત ખાતે જે બિલ્‍ડીંગ અગ્નિકાંડનો બનાવ જે બનેલ છે તેમાં સ્‍પષ્‍ટ જણાય છે કે વીજ ગ્રાહકની સંપૂર્ણ બેદરકારી અને બિનઅધિકૃત કરારીત વીજભારનો વપરાશ વગર મંજુરીએ કરતા વધારાનો ગેરકાયદેસર વિજભાર વાપરવા તથા બીનઅધિકૃત બાંધકામ અને અન્‍ય ગ્રાહકના વીજ સાધનમાં ખામી સર્જાતા ગ્રાહકના લોડ સાઈડના વાયરીંગમાં શોર્ટસર્કિટ થવાને કારણે ગંભીર આગનો અઘટિત બનાવ બનેલ હોવા છતા નિર્દોષ અધિકારી સામે ફોજદારી રાહે પગલા ભરવામાં આવેલ છે, જે ખરેખર અધિકારીઓ અને કર્મચારીઓનું કામગીરી પ્રત્‍યેનું મનોબળ અને ફરજનિષ્‍ઠા અને પ્રમાણિકતાને ઠેશ પહોંચે તેવી કાર્યવાહી થવાથી રાજ્‍યભરની વિજ કંપનીઓમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓમાં હતાશાનું વાતાવરણ જોવા મળે છે.

આપશ્રીની જાણમાં જણાવવાનું કે નીચે દર્શાવેલ પ્રાવધાનોના સંદર્ભે મહારાષ્‍ટ્ર સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૦૭માં રાજ્‍ય સરકાર હસ્‍તકની દરેક વીજ કંપનીઓ - કોર્પોરેશનો - નિગમોના કર્મચારીઓને પબ્‍લીક સર્વન્‍ટ' ગણી કાયદાનું રક્ષણ આપવામાં આવેલ છે. આથી અમો જી.ઈ.બી. એન્‍જીનિયર્સ એસોસીએશન માંગણી કરે છે કે રાજ્‍ય સરકાર હસ્‍તકની વીજ કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમીટેડ અને તેની સંલગ્ન તમામ વીજ કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓને પબ્‍લિક સર્વન્‍ટ'ની વ્‍યાખ્‍યામાં સમાવેશ કરવો, જેથી અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ વધે, રાજ્‍યના અસામાજીક તત્‍વો સામે કાયદાઓનું રક્ષણ મળે.

વીજ કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓએ અને કર્મચારીઓને પબ્‍લિક સર્વન્‍ટ' ગણવા હાલના હયાત કાયદાઓ અને પરિપત્રોમાં નીચે મુજબનું ગુજરાત તથા કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રાવધાન કરવામાં આવેલ છે જે આ મુજબ છે.  વિજળી અધિનિયમ ૨૦૦૩ની જોગવાઈઓ તેમજ તે સંદર્ભોના નિયમો મુજબ વીજ ઉત્‍પાદન, વીજ પ્રવહન અને વીજ વિતરણ ક્ષેત્રના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કંપનીના નિયમો મુજબ પોતાની ફરજ બજાવે છે. તેમજ વિજળી અધિનિયમ ૨૦૦૩'ની સેકશન ૧૬૯ મુજબ વીજ કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ રાજ્‍ય સરકાર વતી તેમની ફરજના ભાગરૂપે કામગીરી બજાવતા હોય ત્‍યારે જાહેર સેવક ગણવા તેથી તેઓને ફરજના ભાગરૂપે બજાવેલી કામગીરી માટે તેમની વિરૂદ્ધ કાનૂની ફોજદારી કાર્યવાહી સીધી થઈ શકે નહિ.

તદુપરાંત કાયદાકીય  જોગવાઈઓ અનસાર

ગૃહ વિભાગ ગુજરાત સરકારના પરિપત્રમાં કરેલ પ્રાવધાન મુજબ સરકાર હસ્‍તકની વહીવટીકર્તા વીજ કંપનીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી કર્મચારી' ગણી તેમજ તેની ફરજની રૂએ અધિકારીઓ અને કર્મચારીઓ તરીકે બજાવેલી કામગીરી માટે કાનૂની ફોજદારી કાર્યવાહી સીધી જ કરી શકાય નહી, તેમજ કર્મચારી-અધિકારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરતા પહેલા ગૃહ વિભાગ ગુજરાત સરકારના પરિપત્ર માં તા. ૧૭-૭-૧૯૮૯ ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૯૭ મુજબ રાજ્‍ય સરકારશ્રીની પૂર્વ મંજુરીની આવશ્‍યકતા છે.

વધુમાં જણાવવાનું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળના અધિકારીઓ - કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હોય છે ત્‍યારે વીજ અકસ્‍માત અથવા ઈન્‍સ્‍ટોલેશન ચેકીંગ દરમ્‍યાન કે અન્‍ય લાઈન કે વીજ સબ સ્‍ટેશન ઉભા કરવા કે રીપેર કરી સારસંભાળ કામગીરી દરમ્‍યાન રાજ્‍યની પ્રજા કે ફોજદારી ખાતા તરફથી તેમના અધિકારીઓ અને કર્મચારીઓને ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે છે જે સદંતર કુદરતી ન્‍યાયની વિરૂદ્ધ છે. કોઈપણ બનાવ બને તેની સીધી જવાબદારી કોઈ અધિકારી કે કર્મચારીની ગણી શકાય નહીં.

જીઈબી એન્‍જીનીયર્સ એસોસીએશનના પ્રતિનિધિઓની માંગણી છે કે દક્ષિણ ગુજરાત વીજ વિતરણ કંપની'માં ફરજ બજાવતા ઈજનેરો સામે થયેલ ફોજદારી રાહે કરેલ કાર્યવાહી રદબાતલ કરી તેઓને તેમાંથી મુકત કરવામાં આવે તથા અન્‍ય કંપનીઓમાં પણ અધિકારીઓ - કર્મચારીઓ સામે થયેલ ફોજદારી કાર્યવાહીનો રદબાતલ કરવામાં આવે. આ બાબતે જરૂરી ચર્ચા - વિચારણા કરવા અર્થે જીઈબી એન્‍જીનીયર્સ એસોસીએશન'ના પ્રતિનિધિઓને સત્‍વરે તાત્‍કાલિક પુરતો સમય ફાળવી મીટીંગ આપવા માંગણી છે અને સત્‍વરે પ્રશ્નોનો ઉકેલ લાવી આ બાબતનું નિરાકરણ કરવા સારૂ આપને જાણ સાતી અપેક્ષા સહ વિનંતી કરવામાં આવે છે. જો આ પત્રની તારીખથી દિવસ-૧૦માં વાટાઘાટો દ્વારા પ્રશ્નનું નિરાકરણ કરવામાં ન આવે કે હકારાત્‍મક અભિગમ કેળવી યોગ્‍ય પ્રતિભાવ ન સાંપડે તો અમો જીઈબી એન્‍જીનિયર્સ એસોસીએશનના તમામ સભ્‍યો દ્વારા ગાંધી ચિંધ્‍યા રાહે આંદોલનાત્‍મક પગલા ભરવાની ફરજ પડશે અને આ આંદોલનાત્‍મક પગલાના કારણે રાજ્‍યની ઔદ્યોગિક શાંતિ જોખમાશે તો તેની તમામ જવાબદારીઓએ સરકારશ્રી અને જીયુવીએનએલ સંસ્‍થાની રહેશે તેની નોંધ લેવા ઉમેરાયુ છે.

(11:26 am IST)