Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

'સુખનો પાસવર્ડ' ટોક શો સાથે સફળ મહિલાઓનું સન્માન

રાજકોટ : સતત કંઇક નવુ કરવાની નેમ સાથે રચાયેલ ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં હેમુ ગઢવી હોલ ખાતે પ્રોજેકટ સપોર્ટ સુખનો પાસવર્ડ એક અનોખા ટોક શોનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં ફિલ્મ - ટીવી કલાકારો ઉપરાંત શહેરના નામાંકીત પદાધિકારીઓ, અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મનપાના સર્વશ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, રૂપાબેન શીલુ, પ્રખ્યાત દૈનિક આજકાલના એમડી ચંદ્રેશભાઇ જેઠાણી, તંત્રી કાનાભાઇ બાંટવા, ડીવાયએસપી શ્રી ગોઢાણીયા, રીઝવાન આડતીયા ફાઉન્ડેશનના હેમલભાઇ તન્ના, માતૃભારતીના સીઇઓ મહેન્દ્ર શર્મા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઓજસ્વીની ફાઉન્ડેશન દ્વારા જિંદગી સામે જંગ લડતી સ્ત્રીઓનુ સન્માન કરવામાં આવ્યુ. અત્યંત ગરીબ અને સ્વનિર્ભર મહિલાઓકે જેઓ નાના મોટા ઘરકામ, વ્યવસાય કરી આખા ઘરનુ ગુજરાન ચલાવે છે તેઓને સ્ટેજ પર બોલાવી મહેમાનોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા જે સબબ મહિલાઓએ જણાવેલ કે અમોને હૂફની સાથે સાથે માર્ગદર્શનની ખાસ જરૂર છે જે સંસ્થાના હેમલ દીદીએ પુરૂ પાડેલ છે. આ તકે રીઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા પ્રોજેકટ સપોર્ટને રૂ.એક લાખના આર્થિક સહયોથની જાહેરાત કરાઇ હતી. પ્રોજેકટ સપોર્ટના લોન્ચિંગ કાર્યક્રમમાં મુંબઇ સમાચારના લોકપ્રિય લેખક શ્રીઆશુ પટેલ પોતાની અત્યંત વંચાતી અને વખણાતી કોલમ સુખનો પાસવર્ડ અંતર્ગત જીવનમાં આવતી સમસ્યાઓમાંથી પાર ઉતરવાના કેટલાક કિસ્સાઓની વાત કરી હતી. આશુ પટેલે હાલમાં કોકટેલ જિંદગીના તંત્રી છે. પ્રોજેકટ સપોર્ટને બિરદાવવા માટે પ્રખ્યાત ટેલીવિઝન કલાકારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પોતાના અનુભવો પ્રેક્ષકો સાથે વહેતા કર્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં અંજલીભાભીનું પાત્ર નિભાવતા નેહા મહેતા, બાઘા બોયનો કિરદારના તન્મય વેકરીયા અને પુષ્કળ બોલીવુડ ફિલ્મો અને ટીવી સીરીયલોમાં જોવા મળેલા દયાશંકર પાંડે આ પ્રસંગે રાજકોટવાસીઓ સમક્ષ પોતાની પર્સનલ અને પ્રોફેશ્નલ લાઇફના પાસા ઉજાગર કર્યા હતા. તદુપરાંત એશિયાના સૌથી જૂના દૈનિક અખબાર મુંબઇ સમાચારના તંત્રી નિલેશ દવે અને રાજકોટના પ્રસિધ્ધ હાસ્ય કલાકાર મિલન ત્રિવેદી તથા ઓજસ્વીની ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી હેમલ મૌલેશ દવેએ પણ પોતાની વાત રજૂ કરી હતી. સંસ્થાના વિવિધ કાર્યોમાં સહભાગી થવા શહેરની જનતાને આહવાન કરેલ હતુ. કાર્યક્રમને મુંબઇના પ્રિમીયર મેગેઝીન કોકટેલ ઝિંદગી તેમજ ત્યાના સૌથી પ્રખ્યાત દૈનિક મુંબઇ સમાચાર અને માતૃભારતીનો સહયોગ સાંપડયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા અગ્રણીઓ મૌલેશ દવે, રોહિત હિંડોચા, ચેતન જોશી, હીર દવે, મીના ભટ્ટ, ભાવના જોશી, દેવાંગી ચોટલીયા, બિંદુ દવે સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(4:14 pm IST)