Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રૂડા દ્વારા ૫૨ ગામમાં ડોર ટુ ડોર ગાર્બેજ ઉપાડવાનું શરૂ : ૩ કમ્પેકટર વાહન સવા કરોડના ખર્ચે વસાવાયા

રૂડા દ્વારા ગામડાઓને જોડતા ૩ નવા રસ્તાનું ૧૦ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત : સીએમના હસ્તે લોકાર્પણ : વાવડીનો રસ્તો નવો બનાવાતા હવે વાવડીથી ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ડાયરેકટ આવી શકાશે : ગોંડલ રોડ ચોકડીએ ટ્રાફીકનો ભારણ ઘટશે

રાજકોટ, તા. ૬ : રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આગામી ૧૧મીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવતા હોય તેમના હસ્તે લોકાર્પણ કરવા અંગે ઢગલાબંધ કામોની કાર્યવાહી શરૂ કરી છે.

રૂડાની હેઠળ આવતા બાવન ગામોના ઘરોમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ ઉપાડવા માટે સવા કરોડ માટે ૩ કમ્પેકટર વાહનો વસાવાયા છે. જેનું લોકાર્પણ કરાશે.

આ ઉપરાંત રૂડાના મહત્વના ગામોને જોડતા ૩ મહત્વના રસ્તા ૧૦ કરોડના ખર્ચે બનાવવા સંદર્ભે તેનું ખાતમુહૂર્ત કરાશે. રૂડા દ્વારા સેકન્ડ રીંગ રોડ ફોરલેન બનાવાઈ રહ્યો છે. તેના એક પુલનું કામ શરૂ થઈ ગયુ છે અને ટેન્ડર પણ ફાઈનલ કરી લેવાયા છે.

રાજકોટના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડનો જોડતો વાવડીનો નવો રસ્તો બનાવાઈ રહ્યો છે. આ નવા રસ્તા ઉપરથી વાહન ચાલકો ડાયરેકટ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવી શકશે. જેના કારણે ગોંડલ ચોકડીએ જે ટ્રાફીકનું ભારણ છે એ ૫૦ ટકાથી વધુ ઘટી જશે.  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ નવા રસ્તાનું પણ લોકાર્પણ થનાર હોવાનું અને રૂડાના અધિકારીઓ દ્વારા આ તમામ રસ્તા, પુલ, ગાર્બેજ કેમ્પેકટર વાહનો વગેરે અંગેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.

(4:12 pm IST)