Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

બળાત્કાર-આપઘાત માટે મજબૂર કરવાના ગુનામાં વકિલની વિસ્તૃત પુછતાછઃ જરૂર પડ્યે રિમાન્ડ મંગાશે

જમીલ સાથે કરાર કરાવતી વખતે યુવતિને સજા કરાવવાની ધમકી આપી હતી

રાજકોટ તા. ૬: રૈયા રોડ ભગવતી હોલ પાછળ શિવપરામાં રહેતાં અને હાલ દૂધની ડેરી પાસે રહેતાં જમિલ બસીરભાઇ સોલંકી (ઉ.૨૩)ની એક યુવતિને ધમકાવી ધરાર પ્રેમજાળમાં ફસાવી ગોંધી રાખી બળાત્કાર ગુજારતાં અને તેણીની સગાઇ થઇ ગયા પછી પણ ધમકીઓ આપતાં આ યુવતિએ આપઘાત કરી લેતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તેની અને મદદગારી કરનાર તેની માતા અસ્માબેન (ઉ.૬૫)ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં છ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતાં. દરમિયાન આ ગુનામાં વકિલ દિવ્યેશ રાજેશભાઇ મહેતા (રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક, કલાઉડ ૯ એપાર્ટમેન્ટ)ની પણ ધરપકડ કરી વિસ્તૃત પુછતાછ શરૂ કરવામાં આવી છે.

એક યુવતિએ ત્રણ દિવસ પહેલા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસને આ યુવતિની સ્યુસાઇડ નોટ મળી હતી. જેના આધારે યુવતિના પિતાની ફરિયાદ પરથી પોલીસે જમિલ, તેની માતા અસ્માબેન,  જમિલના મિત્ર તથા એક વકિલ સામે આઇપીસી આઇપીસી ૩૦૬, ૩૭૬, ૩૪૩, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ધમકી, બળાત્કાર, ગોંધી રાખી બળાત્કાર ગુજારવાનો અને ધાક ધમકીઓ આપી મરી જવા મજબૂર કરવાનો ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં જમીલ અને તેની માતાની ધરપકડ કરવામાં આવતાં અને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં છ દિવસના રિમાન્ડ મંજુર થયા હોઇ પોલીસે આરોપીઓ સામે નક્કર પુરાવા એકઠા કરવા તપાસ શરૂ કરી છે.

યુવતિએ સ્યુસાઇડ નોટમાં પોતાને કઇ રીતે જમિલે ફસાવી અને કેટકેટલી હેરાન કરી તેની વિસ્તૃત વિગતો જણાવી હતી. ઉપરાંત કરાર થયા બાદ પોતાને ધરમનગરમાં ગોંધી રાખી બળાત્કાર ગુજારાયા બાદ પોલીસ મથકમાં હાજર થયા ત્યારે વકિલે પણ જમિલ અને તેની માતા કહે એ રીતે જ નિવેદન આપવા અને જો એમ નહિ કરે તો દસ વર્ષની સજા કરાવશે તેવી ધમકી આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો.

પોલીસે આ ગુનામાં વકિલ દિવ્યેશ મહેતાની પણ ધરપકડ કરી લઇ પુછપરછ શરૂ કરી છે. જરૂર પડ્યે રિમાન્ડ માંગણી પણ કરવામાં આવશે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ એમ. વી. રબારી, એચ. જે. બરવાડીયા, હેડકોન્સ. હરપાલસિંહ જસુભા, જયંતિભાઇ મેઘજીભાઇ, કોન્સ. લક્ષમણભાઇ, ગિરીરાજસિંહ, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, બ્રિજરાજસિંહ, પ્રદિપભાઇ સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે.

(3:27 pm IST)