Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઠગાઇ-વિશ્વાસઘાત કરી કરોડોની જમીનનો દસ્તાવેજ બનાવી લેવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા. ૬ :.. સરધાર ગામના સર્વે નં. રપર પૈકી ૧ ની જમીન તથા ૩૩ર પૈકી ૧ ની જમીન છેતરપીંડી, વિશ્વાસઘાત કરી દસ્તાવેજ કરી લીધાના આક્ષેપવાળા ગુનામાં આરોપી માધવ વિભાભાઇ માટીયા સામેનો કેસ ચાલી જતા રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. શ્રી ક્રિસ્ટીએ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

સરધાર ગામના રહીશ ભગવાનભાઇ શીવાભાઇ ખુંટનાઓએ તા. ૪-૧-૧૪ ના રોજ ફરીયાદ આપેલ અને ફરીયાદની હકિકતમાં જણાવેલ કે, આ કામના આરોપી માધવ વીભાભાઇ માટીયાએ રૂ. ૧,પ૦,૦૦૦ ૮ ટકાના વ્યાજે ફરીયાદીને આપેલા, ફરીયાદીની જરૂરીયાતનો ગેરફાયદો ઉઠાવી ફરીયાદી પાસે ગીરો ખત લખાવવાના બહાને ફરીયાદીના પત્નીના નામે રહેલ સરધાર ગામના સર્વે નં. રપર પૈકી ૧ ની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધેલ અને સરધાર ગામના સર્વે નં. ૩૩ર પૈકી ૧ ની જમીનનો કુલમુખત્યારનામુ કરાવી કુલમુખત્યારનામાના આધારે દસ્તાવેજ કરી લઇ ફરીયાદીના પત્નીની સહીઓ લઇ વિશ્વાસઘાત છેતરપીંડી કરી અને વ્યાજના બદલે જમીન લખાવી લઇ કરોડોની જમીન છેતરપીડી, વિશ્વાસઘાત સબંધેની ફરીયાદ કરેલ હતી.

ઉપરોકત ગુના સંબંધે પોલીસે આરોપી માધવ વિભાભાઇ માટીયાની ધરપકડ કરેલ અને ચાર્જશીટ ફાઇલ કરેલ. અદાલતે આરોપી વિરૂધ્ધ આઇ. પી. સી. કલમ ૪૦૬, ૪ર૦ તથ મનીલેન્ડ એકટની કલમ પ, ૪૮, ૪ર મુજબ ચાર્જશીટ ફાઇલ કરેલ હતું.

ઉપરોકત કેસ ચાલવા માટે આવતા ફરીયાદ પક્ષે આ કામના ફરીયાદી તેમના પત્ની અને તેમના દીકરાઓની જુબાની લીધેલ અને દસ્તાવેજી પુરાવાઓ ઉપર આધાર રાખેલ.

આ કામમાં બચાવ પક્ષે એવી રજૂઆત થયેલ કે આ કામમાં સીવીલ દાવો થયેલ છે અને દસ્તાવેજો રજીસ્ટ્રાર ઓફીસમાં જાતે હાજર રહી કરી આપવામાં આવેલ છે, સીવીલ પ્રકારની તકરારને ફોજદારી સ્વરૂપ આપવામાં આવેલ છે.

ઉપરોકત હકિકત તેમજ દલીલો તેમજ પડેલ પુરાવાને ધ્યાનમાં લઇ અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ, કે, ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ છે જેથી આરોપી માધવ વીભાભાઇ માટીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી માધવ વિભાભાઇ માટીયા વતી રાજકોટના એડવોકેટ પીયુષભાઇ એમ. શાહ, અશ્વિનભાઇ ગોસાઇ, નિવીદભાઇ પારેખ, નિતેષભાઇ કથીરિયા, હર્ષીલભાઇ શાહ, વિજયભાઇ પટગીર, જીતેન્દ્રભાઇ ધુળકોટીયા, વિજયભાઇ વ્યાસ, રાજેન્દ્રભાઇ જોષી રોકાયેલા હતાં.

(3:26 pm IST)