Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

સાધુ વાસવાણી રોડ પર કપડાના ધંધાર્થી હિતેષ કોટક પર જયેશ ઠાકોર અને તેના પિતાનો પાઇપથી હુમલો

પ્લોટ ખાલી કરવાનું કહી ડખ્ખોઃ યુવાને પોતે આપેલા ડિપોઝીટના પાંચ લાખ પાછા માંગતા પિતા-પુત્ર તૂટી પડ્યા

રાજકોટ તા. ૬: ગાંધીગ્રામમાં રહેતાં લોહાણા યુવાનને તે સાધુ વાસવાણી રોડ પર પોતાના રેડિમેઇડ કપડાના ધંધાના સ્થળે હતો ત્યારે તેનો ધંધો જે પ્લોટ પર છે એ પ્લોટના માલિક ઠાકોર શખ્સ અને તેના પિતાએ આવી પ્લોટ ખાલી કરવા મામલે ડખ્ખો કરી ઢીકા-પાટુ અને પાઇપથી માર મારતાં ફરિયાદ થઇ છે. પોલીસે ગાંધીગ્રામ સત્યનારાયણ પાર્ક-૧માં રહેતાં હિતેષભાઇ ઘનશ્યામભાઇ કોટક (ઉ.૩૫)ની ફરિયાદ પરથી જયેશ ઠાકોર અને તેના પિતા સામે ગુનો નોંધ્યો છે.

હિતેષભાઇના કહેવા મુજબ પોતે સાધુ વાસવાણી રોડ પર સાધુ વાસવાણી સ્કૂલ સામે જયેશ ઠાકોરના પ્લોટમાં બે વર્ષથી માંડવો નાંખી રેડિમેઇડ કપડાનો ધંધો કરે છે. આ પ્લોટ ભાડે રાખ્યો ત્યારે જયેશ ઠાકોરને રૂ. પાંચ લાખ ડિપોઝીટ પેટે આપ્યા હતાં. બુધવારે બપોરે બે વાગ્યે પોતે ધંધાના સ્થળે હતાં ત્યારે જયેશ ઠાકોર આવેલ અને ગાળો દેવા માંડ્યો હતો. તેની સાથે તેના પિતા પણ હતાં. એ પછી બંનેએ પ્લોટ ખાલી કરવાનું કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જયેશે લોખંડના પાઇપથી હુમલો કરી માથામાં ઘા મારી દઇ મોબાઇલ ફોન પણ તોડી નાંખ્યો હતો. માણસો ભેગા થતાં બંને ભાગી ગયા હતાં અને પોતે હોસ્પિટલે પહોંચી સારવાર લીધી હતી.

પંદરેક દિવસથી આ પિતા-પુત્ર પ્લોટ ખાલી કરી દેવાનું કહી હેરાન કરતાં હોઇ તેની પાસે થોડા દિવસનો સમય માંગ્યો હતો તેમજ ડિપોઝીટ પેટે આપેલા પાંચ લાખ પાછા માંગતા તે બાબતે રકઝક ચાલતી હતી. ત્યાં ગઇકાલે બંને પિતા-પુત્રએ આવી હુમલો કરી દીધો હતો. યુનિવર્સિટીના હેડકોન્સ. અજયસિંહ ચુડાસમાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:49 pm IST)