Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ધર્મ સ્થાનકમાં પ્રવેશ સમયે હાથ,હૈયું અને હોઠ પરમાત્મા સાથે જોડેલા રાખજો : પૂ.નમ્રમુનિ મ.સા.

સરદાર નગર ઉપાશ્રયે બીજા દિવસે પ્રવચન યોજાયું : કાલે ઉવસગહરં સાધના ભવન ખાતે પધરામણી : પ્રવચન યોજાશે

 રાજકોટઃ તા.૬, શાલીભદ્ર સરદાર નગર ઉપાશ્રય ખાતે સવારના ૭:૧૫ થી ૮:૧૫ ના પ્રવચન દરમ્યાન રાષ્ટ્ર સંત પૂ.ગુરુ ભગવંત નમ્રમુનિ મ.સાહેબે પોતાના મનનીય પ્રવચનમાં ફરમાવ્યુ કે માત્ર જૈન ઉપાશ્રય કે દેરાસર જ નહીં પરંતુ કોઈપણ ધર્મ સ્થાનકમાં જાવ ત્યારે આપણા હ્રદયમાં તે ધર્મ સ્થાનક પ્રત્યે આદરભર્યુ એવમ્ સન્માનભર્યુ સ્થાન હોવું જોઈએ. વધુમાં પૂ.ગુરુદેવે જણાવ્યું કે ઉપાશ્રય વગેરે ધર્મ સ્થાનક એ પાવન એવમ્ પવિત્ર ભૂમિ કહેવાય છે કારણ કે અહીં અસંખ્ય આત્માઓએ પોતાની સાધના - આરાધના, તપ - જપ કરેલા હોયછે.

 ઉપાશ્રયના એક એક અણુ - પરમાણુમાં અલગ પોઝિટિવ ઓરા - વાઈબ્રેશન હોય છે.ધર્મ સ્થાનકની ચરણરજ મસ્તક ઉપર ચડાવવાથી ભાગ્યવાન બની જવાય છે.જગતમાં કરોડો લોકો વસવાટ કરે છે તે દરેક લોકો ધર્મ સ્થાનકમાં આવી શકતા નથી.તમો પૂણ્યવાન છો કે આર્ય ભૂમિ ઉપર ડગલુ ઉપાડો ને ધર્મ સ્થાનક મળે છે ત્યારે આવા પાવન,પવિત્ર અને પૂણ્ય ભૂમિ ઉપર પ્રવેશ કરો ત્યારે આપણા સૌના હાથ, હૈયું અને હોઠ પરમાત્મા સાથે જોડાયેલા હોવા જોઈએ. વિનયભાવથી તરબોળ થઈ જવું જોઈએ તો જ ધારેલા ધ્યેય ને પ્રાપ્ત કરી શકાય છે. સરદાર નગર સંઘના પ્રમુખ હરેશભાઈ વોરાએ જણાવ્યું કે ગુરુ ભગવંતોના મંગલ પદાર્પણથી અમારો સંઘ ખરેખર પરમ ભાગ્યશાળી બન્યો છે. બીજા દિવસે પણ ૭૦૦ થી વધારે જિજ્ઞાસુઓએ શાતાકારી નવકારશીનો લાભ લીધેલ.આવતી કાલે પૂ.ગુરુ ભગવંતો ઉવસગહરં સાધના ભવન ૪,આફ્રિકા કોલોનીમાં પધારવાના ભાવ રાખે છે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

(4:21 pm IST)