Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડના દરેક રૂમમાં એ.સી.: સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ગ્રાંટ ફાળવી

સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત મુલાકાત લઇ સાંસદ થયા પ્રભાવિત : ન્યુરો સર્જરીના દર્દીઓ માટે જરૂરી ૬૬ લાખનું માઇક્રોસ્કોપ ઝડપથી ફાળવવામાં આવે તેવી ડો. રાજન્દ્ર ત્રિવેદીની રજૂઆતઃ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, ડીન ડો. યોગેશ ગોસ્વામી સહિતની સાથે મળી વૃક્ષારોપણ પણ કર્યુ

સાંસદ મોહનભાઇનું બૂકે અર્પણ કરી સ્વાગત કરી રહેલા તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા પ્રથમ તસ્વીરમાં દેખાય છે. હોસ્પિટલના દર્દીઓને લગતાં પ્રશ્નોની તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી. બાદમાં ઇમર્જન્સી વોર્ડ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. વોર્ડમાં દર્દીઓની પૃચ્છા પણ કરી હતી. હોસ્પિટલ મુલાકાતની  વેળાની અલગ-અલગ તસ્વીરો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૬: સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તમામ સુવિધા મળી રહે તે માટે રાજકિય ધુરંધરો રસ લઇ રહ્યા છે. તાજેતરમાં ત્રણ ધારાસભ્યોએ મુલાકાત લઇ દર્દીઓના લાભાર્થે ગ્રાન્ટ ફાળવી હતી. આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓ હોસ્પિટલની સફાઇ તથા સુવિધાઓથી પ્રભાવીત થયા હતાં. તેમણે ઇમર્જન્સી વોર્ડના દરેક રૂમમાં એ.સી. ફીટ કરવા માટે તુરત ગ્રાંટ મંજુર કરી હતી.

શ્રી મોહનભાઇ કુંડારીયાએ પીડીયુ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ હતું અને સફાઇ અભિયાન અંતર્ગત સફાઇ નિહાળી હતી. તેઓ સફાઇથી પ્રભાવીત થયા હતાં. તેમની આ મુલાકાત વેળાએ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા, ડીન ડો. યોગેશ મહેતા, કાઉન્સીલર જયંતભાઇ ઠાકર, આર.એમ.ઓ. ડો. રોય, ડો. નથવાણી, એએચએ ડો. સિધ્ધીબેન, રાજુભાઇ ત્રિવેદી, સિકયુરીટી ઇન્ચાર્જ ગિરીરાજસિંહ રાઠોડ, ડો. મધુલીકાબેન મિસ્ત્રી, મેટ્રન જાખરીયા સહિતના ઉપસ્થિત પણ જોડાયા હતાં. મેડિકલ કોલેજ ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

ડો. રાજેન્દ્ર ત્રિવેદીની રજૂઆત

સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે સેવા આપી રહેલા ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ સાંસદ શ્રી કુંડારીયાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ન્યુરો સર્જન વિભાગમાં દર્દીઓના હિતાર્થે એક ખાસ પ્રકારના માઇક્રોસ્કોપની સુવિધા ઉપલબ્ધ થાય તે ખુબ જરૂરી છે. આ માઇક્રોસ્કોપની અંદાજીત કિંમત રૂ. ૬૬,૩૦,૦૦૦ છે. સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી આ  સુવિધા ઉપલબ્ધ થાય તે માટેની લેખિત કાર્યવાહી અગાઉ ઓકટોબર મહિનામાં કરવામાં આવી હતી. આ માઇક્રોસ્કોપ તાકીદે મળે તે અંગે વ્યવસ્થા કરી વધુમાં ડો. ત્રિવેદીએ રજૂઆત કરી હતી. શ્રી કુંડારીયાએ આ બાબતે સત્વરે હકારાત્મક પગલા લેવાશે તેમ જણાવ્યું હતું અને હાલ તુર્ત ઇમર્જન્સી વોર્ડના તમામ રૂમ માટે એ.સી. ફાળવવા ગ્રાંટ મંજુર કરી હતી.

(4:12 pm IST)