Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

૪ વર્ષના પુત્રનો કબ્જો માતાને સોંપાયો

કોર્ટનો હુકમ છતા પુત્રનો કબ્જો ન મળતા માતાએ પ્રોટેકશન ઓફિસરની મદદ લીધી

માતાને પુત્રનો કબ્જો સોંપાયો હતો તે તસ્વીરમાં પ્રોટેકશન ઓફિસર જનકસિંહ ગોહિલ તથા સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા. ૬ : કોર્ટનો હુકમ છતા માસુમ પુત્રનો કબ્જો ન સોંપતા માતાએ દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારીની કચેરીના પ્રોટેકશન ઓફિસરની મદદથી પતિ પાસેથી પુત્રનો કબ્જો મેળવ્યો હતો.

કેસની વિગત એવી છે કે અરજદાર વિલાસબેન ગોપાલભાઇ ઉર્ફે અમિતભાઇ ગોંડલીયાએ સામાવાળા તેમના પતિ અમિતભાઇ પરસોતમભાઇ ગોંડલીયા તથા પરિવારજનો વિરૂધ્ધ રાજકોટ નામ.ચીફ અદાલત સમક્ષ ઘરેલું હિંસાથી સ્ત્રી અધિનીયમની જોગવાઇઓ આધીન અરજી દાખલ કરેલી અને અરજી કામે ઘરેલું હિંસાથી સ્ત્રી રક્ષા અધિનીયમ અન્વયે વચગાળાની રાહતો મેળવવા અરજી કરેલી હતી અને નામદાર અદાલત દ્વારા અંશતઃ ગ્રાહ્ય રાખીને, ગત તા. ૦૬/૦૪/ર૦૧૮ ના રોજ વચગાળાની રાહતો સંદર્ભે હુકમ ફરમાવવામાં આવેલ અને સદાર હુકમ મુજબ સાત દિવસમાં સામાવાળાએ અરજદારને તેઓના પૂત્ર 'મંત્ર'નો કબજો પરત સોંપી આપવાનો સ્પષ્ટ હુકમ સામાવાળા વિરૂધ્ધ આપ નામદાર અદાલત દ્વારા ફરમાવવામાં આવેલ હતો.

નામદાર અદાલતે ફરમાવેલ હુકમને સાત દિવસનો સમય પસાર થઇ ગયેલ હોવા છતાં સામાવાળાએ અરજદારને તેઓના પુત્ર 'મંત્ર'નો કબ્જો પરત સોંપી આપવા કોઇ દરકાર કાળજી લીધેલ નહિ અને સદર હુકમ સામે સામાવાળાએ રાજકોટ નામદાર ડીસ્ટ્રીકટ અદાલત સમક્ષ અપીલ દાખલ કરેલ હતી અને સાદર ફોજદારી અપીલ કામે પણ નામદાર ડીસ્ટ્રીકટ અદાલતે સામાવાળાની અપીલ રદ કરીને, સગીર પુત્ર 'મંત્ર'નો કબ્જો અમોને ત્વરિતપણે પરત સોંપી આપવાનો હુકમ ગત તા. ૧૭/૦પ/૧૮ નાં રોજ ફરમાવેલ હોવા છતાં સામાવાળાએ અરજદારને સગીર પુત્ર 'મંત્ર'નો કબ્જો સોંપેલ નહિ. જે અનુસંધાને અરજદાર વિલાસબેન ગોપાલભાઇ ઉર્ફે અમિતભાઇ ગોંડલીયાએ નામ કોર્ટના હુકમ મુજબ પોતાના પુત્રનો કબ્જો મેળવવા માટે પ્રોટેકશન ઓફિસરની મદદ માંગેલ આ બાબતે જીલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીની કચેરી રાજકોટના પ્રોટેકશન ઓફિસર શ્રી જનકસિંહ ગોહિલ તથા કિરણ મોરિયાણીએ તાત્કાલીક કાર્યવાહી કરી નામ. કોર્ટના હુકમ મુજબ અરજદાર વિલાસબેન ગોપાલભાઇ ઉર્ફે અમિતભાઇ ગોંડલીયાને તેમના સગીર પુત્ર 'મંત્ર' ઉ.૪નો કબ્જો સામાવાળા પાસેથી મેળવીને સોંપવામાં આવેલ. આમ અરજદારને કાનુની જંગબાદ પોતાના પુત્રનો કબ્જો મળેલ છે.

(4:00 pm IST)