Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

વાણીયાવાડી મેઇન રોડ ઉપર આવેલ દુકાન અંગે વચગાળાના મનાઇ હુકમની અરજી મંજુર

રાજકોટ, તા. પ : વાણીયાવાડી મેઇન રોડ પર આવેલ ભાડાવાળી દુકાન સંબંધે વચગાળાના મનાઇ  હુકમની અરજી મંજુર કરતો કોર્ટે ચૂકાદો આપેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, રાજકોટ શહેરમાં વાણીયાવાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં વાણીયાવાડી મેઇન રોડથી પશ્ચિમે આવેલ રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નં.૩૯૯ પૈકીના પ્લોટ નં. ૩ ઉપર આવેલ મકાનમાંથી ઉગમણા બારની આવેલ દુકાન-૧ એક શટરવાળી દુકાન સંઘાડીયા કાન્તીલાલ કલ્યાણજીના નામથી ઓળખાય છે. સદરહું દુકાન વાદીએ ઘોઘાભાઇ પાતાભાઇ પાસેથી ભાડેથી રાખેલી અને વાદી તથા ઘોઘાભાઇ  પાતાભાઇ વચ્ચે ભાડાચીઠ્ઠીનો લેખીત કરાર પણ થયેલ છે.

પ્રતિવાદીએ ભાડાવાળી દુકાન સહીતનું સંપૂર્ણ મકાન ભરેલ કબ્જા સહિત અગાઉના મકાન માલીક જીજ્ઞેશભાઇ ખંભાતી પાસેથી             ખરીદ કરેલ જે સંબંધે પ્રતિવાદીના પતિએ ભાડાવાળી દુકાને આવીને વાદીને મૌખિક જાણ કરેલ. ત્યારબાદ પ્રતિવાદી તથા તેમના પતિ લક્ષ્મણસિંહ જાડેજા દાવાવાળી દુકાનના પાછળના ભાગે આવેલ તેમની માલીકીના મકાન પાડી રહ્યા હતાં અને વાદીને ભાડાવાળી દુકાન ખાલી કરવા તેઓ તથા તેમના સાગ્રીત ભાર્ગવભાઇ કિરીટભાઇ આશર ધમકી આપી ગયેલા અને વાદી ભાડાવાળી દુકાન જો ખાલી ન કરે તો તેઓ ભાડાવાળી દુકાન પાડી નાંખશે તેવી ધમકી પણ  આપેલી. જેથી વાદીએ રાજકોટના ચીફ સ્મોલ કોઝ કોર્ટ જજની કોર્ટમાં વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મળવા અંગે દાવો દાખલ કરી સાથે વચગાળાના મનાઇ  હુકમની અરજી દાખલ કરી હતી.

આ કામના પ્રતિવાદીને દાવાના સમન્સ, નોટીસ બજતા પ્રતિવાદી કોર્ટમાં હાજર થયેલ હતા. ત્યાર બાદ પ્રતિવાદી નામદાર કોર્ટ સમક્ષ હાજર રહેતા ન હોય જેથી રાજકોટના ચીફ સ્મોલ કોઝ કોર્ટ જ્જે વાદી તરફે વકીલશ્રી સંદીપ આર. જોષીની દલીલો સાંભળી એવો હુકમ ફરમાવેલ છે કે, આ કામના વાદીની આંક-પ ની અરજી મંજુર કરવામાં આવે છે અને પ્રતિવાદીએ આ દાવાનો આખરી નીકાલ ન આવે ત્યાં સુધી દાવાવાળી ભાડાવાળી દુકાનનો કબ્જો પ્રતિવાદી કાયદાની પ્રક્રિયા અનુસર્યા વિના વાદી પાસેથી છીનવે નહીં તથા પ્રતિવાદી જાતે કે તેમના સાગ્રીતો મારફત વાદીને દાવાવાળી દુકાનમાં વેપાર-ધંધો કરતા અડચણ કે અટકાયત કરે/કરાવે નહીં તથા પ્રતિવાદી કાયદાની પ્રક્રિયા અનુસર્યા વિના દાવાવાળી દુકાન પાડે નહીં કે દુકાનને કોઇ નુકશાન પહોંચાડે નહીં તેવો કામ અગાઉ મનાઇ હુકમ પ્રતિવાદીની વિરૂદ્ધમાં ફરમાવવામાં આવે છે અને વાદીની વચગાળાની મનાઇ હુકમની અરજી મંજુર કરેલ છે.

આ કામમાં વાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી કેતન વી.  જેઠવા, શ્રી સંદીપ આર. જોષી તથા શ્રી શૈલેન્દ્રસિંહ આર. જાડેજા રોકાયેલા હતાં.

(4:15 pm IST)