Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

'તારા માવતરેથી કાર, સોનુ અને ફર્નિચર લઇ આવ કહી' મહિલાને પતિ-સાસરિયાનો ત્રાસ

ભકિતનગર સોસાયટીનો પતિ જય વ્યાસ, સાસુ કલ્પનાબેન વ્યાસ, સસરા જીતેન્દ્રભાઇ વ્યાસ અને જેઠ ઉર્મીશ વ્યાસ સામે ગુનો જેઠ અડપલા કરતો હોવાનો પણ આક્ષેપ

રાજકોટ તા. પઃ ભકિતનગર સર્કલ પાસે ભકિતનગર સોસાયટીમાં સાસરીયુ ધરાવતી વિપ્ર મહિલાને પતિ, સાસુ, સસરા અને જેઠ સહિતના સાસરિયા ફોરવ્હીલ, સોનું અને ફર્નિચર માવતરેથી લઇ આવવા બાબતે અને પતિ દારૂ પી મારકુટ કરી ત્રાસ આપતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભકિતનગર સર્કલ વિસ્તારમાં માવતરે છેલ્લા બે માસથી રીસામણે આવેલ એક મહિલાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ભકિતનગર સર્કલ પાસે ભકિતનગર સોસાયટી શેરી નં. પ માં રહેતા પતિ જય વ્યાસ, સાસુ કલ્પનાબેન વ્યાસ, સસરા જીતેન્દ્રભાઇ ભાનુભાઇ વ્યાસ અને વાણીયાવાડી, માસ્તર સોસાયટીમાં રહેતા મોટા સસરાના દીકરા (જેઠ) ઉર્મીશ રમેશભાઇ વ્યાસના નામ આપ્યા છે. માનસીબેન વ્યાસે ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના સાત વર્ષ પહેલા ભકિતનગર સોસાયટીમાં રહેતા જય જીતેન્દ્રભાઇ વ્યાસ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પોતે પતિ, સાસુ અને સસરા સાથોે સંયુકત કુટુંબમાં રહેતા હતા. લગ્ન બાદ પતિ, સાસુ, સસરાએ બે માસ સારી રીતે રાખી હતી. બાદ પોતાના લગ્ન પહેલા સગાઇ વખતે સાસુ અને સસરાએ કરિયાવરની માંગણી કરી હતી. લગ્ન બાદ સાસુ અને સસરા માવતરેથી ફોરવ્હીલ ગાડી, સોનું અને ફર્નિચરની માંગણી કરી અવારનવાર મેણાટોણા મારતા હતા અને પતિ જય દારૂ પી ઘરે આવી નાની-નાની વાતમાં ઝઘડો કરી મારકુટ કરતો હતો. આ બાબતે સાસુ-સસરાને કહેતા તેઓ કહેતા કે 'મારો દીકરો જે કાંઇ પ્રવૃતિ કરે તે બાબતમાં અમને કોઇ વાંધો નથી તારે પણ કહેવાનું નથી' અને જો તુ મારા દિકરાને કહીશ તો તને ઘરમાંથી કાઢી મુકશું અને આપણા ઘરની વાત પણ તારા મમ્મી-પપ્પા કે કોઇ સગા-સંબંધીને કરવાની નહીં, જો કહીશ તો જાનથી મારી નાખીશું' તેવું અવારનવાર કહેતા હતા છતાં પોતે બધુ સહન કરતા હતા અને પોતાના મોટા સસરાના દીકરા (જેઠ) ઉર્મીશ ઘરના કોઇ સભ્ય ઘરે ન હોય ત્યારે આવતો અને અભદ્ર વર્તન કરતો અને અજુગતી માંગણી પણ કરતો હતો. તે આ રીતે અવારનવાર આવી પોતાની સાથે અડપલા પણ કરતો હોઇ તે બાબતે પતિ તથા સાસુ-સસરાને કહેતા તો તેઓ મારકુટ કરી ગાળો આપીને કહેતા કે 'ઉર્મીશનું તારી સાથે જે કાંઇ વર્તન કરે તે બધું સહન કરવું પડશે.' તે અવારનવાર પતિ તથા સાસુ-સસરાને ચઢામણી કરતો હતો. પોતે આ લોકોનો ત્રાસ મુંગા મોઢે સહન કરતા કારણ કે પોતે ઘરસંસાર ચલાવવા માગતી હતી, અને પુત્રનું ભવિષ્ય ન બગડે તે માટે સહન કરતા હતા. બાદ વડીલો દ્વારા અગાઉ સમાધાન કરેલ તેમ છતાં આ લોકોમાં કોઇ સુધારો ન આવ્યો અને પોતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતા પોતે માતા-પિતાના ઘરે રહે છે. આ અંગે મહિલાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન. બી. ડાંગરે તપાસ હાથ ધરી છે.

(4:08 pm IST)