Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

ગાંધીજીએ સ્થાપના કરી હતી... સત્યાગ્રહ અને આઝાદીની ચળવળનું આ શાળા કેન્દ્ર બની હતી...હવે દારૂના કારણે ચર્ચામાં

રાષ્ટ્રીય શાળાના કવાર્ટરમાં પાછલા બારણેથી પાંચ લાખનો દારૂ ઘુસાડી દીધાની શંકાઃ સંદિપ દક્ષિણીની શોધખોળ

દારૂ કયારે ઉતાર્યો? કોને-કોને સપ્લાય કરવાનો હતો? એ સહિતના મુદ્દે રહસ્યઃ એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા, પીએસઆઇ સાખરા અને ટીમે તપાસ હાથ ધરીઃ સંદિપ પત્નિ સાથે દાદાને ફાળવાયેલા કવાર્ટરમાં રહે છેઃ તેની સગર્ભા પત્નિ ત્રણ માસથી માવતરે ગઇ છેઃ પડોશી કંઇ જાણતા નથીઃ હેડકોન્સ. રવિભાઇ વાઘેલા અને મેરૂભા ઝાલાની બાતમી પરથી દરોડોઃ જપ્ત થયેલી બોટલોમાં ૧૦૦ પાઇપર્સ, પાસપોર્ટ, વેટ ૬૯, ટીચર્સ, બ્લેક એન્ડ વ્હાઇટ, સિગ્નેચર, સ્મીર્નઓફ, બ્લેન્ડર્સ પ્રાઇડ, બ્લેક ડોગ, સિવાઝ રિગલ, રિવોલ્યુશન સહિતની મોંઘી બ્રાન્ડનો સમાવેશઃ બીયર પણ મળ્યા

પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ એસ.વી. સાખરા અને ડી. સ્ટાફની ટીમ તથા દારૂનો જથ્થો

 

રાજકોટ તા. ૩૦: રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડમાં જસાણી કોલેજ સામેના કવાર્ટરમાં રહેતાં સંદિપ દિલીપભાઇ દક્ષિણીના કવાર્ટરમાં એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી રૂ. ૫,૧૮,૯૭૫નો દારૂ-બીયરનો જથ્થો ઝડપી લઇ સંદિપની શોધખોળ હાથ ધરી છે. રાષ્ટ્રીય શાળા કે જેની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી હતી અને સત્યાગ્રહ તથા આઝાદીની ચળવળનું આ શાળા કેન્દ્ર બની હતી તે હવે દારૂનો જથ્થો ઝડપાવાના કારણે ચર્ચાના ચકડોળે ચડી છે. પોલીસે કવાર્ટરના તાળા તોડી અંદરથી દારૂ જપ્ત કર્યો હતો. કવાર્ટરમાં પાછળના ભાગે પણ દરવાજો હોઇ સંદિપે પાછલા બારણેથી આ જથ્થો ઉતાર્યો હોવાની શકયતા છે. કેમ કે આગળના ભાગે રહેતાં અડોશી-પડોશી દારૂ કયારે ઉતર્યો તે અંગે અજાણ હોવાનું કહે છે. સંદિપ ઝડપાયા બાદ વિશેષ વિગતો ખુલશે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં તથા પી.આઇ. એન. કે. જાડેજાની સુચના મુજબ પીએસઆઇ એસ. વી. સાખરા, , એએઅસાઇ ભરતસિંહ ગોહિલ, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, હેડકોન્સ. રવિભાઇ વાઘેલા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નરેશભાઇ ઝાલા, કોન્સ. મોૈલિક સાવલીયા, ક્રિપાલસિંહ ઝાલા, કરણભારઇ વીરસોડીયા, જગીશ વાંક અને મેરૂભા ઝાલા પેટ્રોલીંગમાં હતાં ત્યારે રવિભાઇ અને મેરૂભા ઝાલાને બાતમી મળી હતી કે રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડમાં જસાણી કોલેજની સામેના કવાર્ટરમાં રહેતાં સંદિપ દક્ષિણીએ તેના ઘરમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે.

આ માહિતી પરતી પોલીસ ત્યાં પહોંચતા દરવાજો ખુલ્લો હતો પણ કોઇ હાજર નહોતું. આસપાસમાંથી પંચોને બોલાવી અંદર તપાસ કરતાં દારૂની ૪૭૩ બોટલો (રૂ. ૫,૦૭,૦૭૫ની) તથા ચપલા ૨૬૦ નંગ (રૂ. ૧૦૩૦૦ના) અને ૧૬ બીયરના ટીન (રૂ. ૧૬૦૦ના) મળી કુલ રૂ. ૫,૧૮,૯૭૫નો જથ્થો મળી આવતાં કબ્જે કરાયો હતો. કવાર્ટરમાં સંદિપ દક્ષિણી રહેતો હોવાનું અને આ કવાર્ટર તેના દાદાને મળ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. સંદિપ પ્રાઇવેટ નોકરી કરે છે. હાલમાં તે તેની પત્નિ સાથે અહિ રહે છે. પત્નિ સગર્ભા હોઇ ત્રણેક માસથી માવતરે છે. સંદિપ હાથમાં આવ્યો ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

સંદિપ જ્યાં રહે છે તે કવાર્ટરમાં આગળનો એક મુખ્ય દરવાજો છે અને પાછળના ભાગે પણ એક દરવાજો છે, એ દરવાજો રોડ પર પડે છે. અહિથી એટલે કે પાછલા બારણેથી જથ્થો ઉતાર્યાની શકયતા છે. આ દારૂ કયાંથી લાવ્યો, કોને આપવાનો હતો? બીજા કોણ-કોણ સામેલ છે? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. સંદિપ હાથમાં આવ્યે વધુ વિગતો બહાર આવશે.  જે દારૂ ઝડપાયો છે તે તમામ બોટલો મોંઘીદાટ છે. ૩૧મી ડિસેમ્બરમાં કમાઇ લેવા આ જથ્થો ઉતારાયો હતો કે પછી અન્ય કોઇ મોટી પાર્ટીમાં માલ પહોંચાડવાનો હતો? તે અંગે ચર્ચાઓ જાગી છે. સંદિપ અગાઉ દારૂના કોઇ કેસમાં સામેલ નહિ હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે કોઇ મોટા માથાનું નામ ખુલવાની શકયતા નકારી શકાતી નથી. (૧૪.૭)

(12:59 pm IST)