Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વિદ્યાનગર રોડ પરથી હોસ્પિટલના સુપરવાઇઝર ગોૈતમનું માલિયાસણના પિયુષ પટેલે અપહરણ કરી ધોકાવ્યો

તારા કારણે ઓલમ્પસ હોસ્પિટલનો મારો સાફ-સફાઇનો કોન્ટ્રાકટ જતો રહ્યો કહી ઉઠાવી લીધોઃ પિયુષ સાથે બે અજાણ્યા શખ્સો પણ હતાં: જીલ્લા ગાર્ડન સુધી કારમાં લઇ જઇ બેફામ ધોકાવી ધમકી દઇ છોડી મુકયોઃ ફરિયાદી મુળ બાબરાના બીલવાળાનો યુવાન હાલ રાજકોટ રહે છે

રાજકોટ તા. ૧: મનહર પ્લોટ પાસે વિદ્યાનગર મેઇન રોડ પર ઓલમ્પસ હોસ્પિટલમાં હાઉસ સ્કીપીંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં અને ત્યાંના ગેસ્ટ હાઉસમાં રહેતાં મુળ બાબરાના બીલવાળા ગામના અનુસુચિત જાતીના યુવાન ગોૈતમ ભલાભાઇ ખીમસુરીયા (ઉ.૧૯)ને રાત્રે સાડા નવેક વાગ્યે હોસ્પિટલ નજીક ચાની કેબીને ચા પીવા મિત્ર પૃથ્વી સાંગવાણી સાથે ઉભો હતો ત્યારે માલિયાસણના પિયુષ પટેલ અને બે અજાણ્યા શખ્સે આવી કારમાં અપહરણ કરી રસ્તામાં લોખંડના કડાથી માર મારી તેમજ જીલ્લા ગાર્ડન પાસે લઇ જઇ ત્યાં પણ માર મારી ઉતારી મુકી જો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઉતારી મુકયો હતો. અગાઉ આ પટેલ યુવાનનો ઓલમ્પસ હોસ્પિટલમાં સાફ-સફાઇનો કોન્ટ્રાકટ હતો તે રદ થઇ જતાં તેનો ખાર રાખી તેણે આ ગુનો આચર્યાનું બહાર આવ્યું છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે ગોૈતમની ફરિયાદ પરથી પિયુષ પટેલ તથા બે અજાણ્યા સામે આઇપીસી ૩૬૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. ગોૈતમના કહેવા મુજબ પોતે મુળ બાબરાના બીલવાળાનો વતની છે અને હાલ રાજકોટ ઓલમ્પસ હોસ્પિટલમાં હાઉસ સ્કીપીંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.

ગત રાત્રે સાડા નવેક વાગ્યે હોસ્પિટલમાંથી નજીકમાં ચા પીવા મિત્ર સાથે ગયો ત્યારે જીજે૩કેએચ-૮૭૨૪ નંબરની કાર ત્યાં આવીને ઉભી હતી અને એક શખ્સ ફોનમાં વાત કરતો કરતો આવ્યો હતો અને ગાડીમાં તમને બોલાવે છે તેમ કહી બાવડુ પકડી નજીક લઇ ગયો હતો. ત્યાં કારમાં પિયુષ પટેલ બેઠો હતો. તેણે તથા બીજા એક શખ્સે ગાળો દઇ 'તારા કારણે આ હોસ્પિટલનો મારો સાફ સફાઇનો કોન્ટ્રાકટ જતો રહ્યો છે' તેમ કહી ખેંચીને ગાડીમાં લઇ લીધો હતો. મિત્ર પૃથ્વી બીજા લોકોને બોલાવવા ગયો ત્યાં ગાડી હંકારી મુકી હતી અને રસ્તામાં પિયુષે હાથમાં પહેરેલા કાથી બેફામ માર માર્યોહતો. તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યો હતો. ભુતખાના ચોકથી જીલ્લા ગાર્ડન તરફ લઇ ગયેલ. ગાડી પિયુષ ચલાવતો હતો. જીલ્લા ગાર્ડન પાસે કાર ઉભી રાખી ફરીથી માર માર્યો હતો અને ફરિયાદ કરતો નહિ નહિરથ પતાવી દઇશું તેવી ધમકી દઇ ઉતારી મુકયો હતો.

પોતાને માથામાં લોહી નીકળતાં હોઇ રિક્ષા કરી ઓલમ્પસ હોસ્પિટલે અને ત્યાંથી સિવિલમાં સારવાર લીધી હતી. છએક મહિના પહેલા પિયુષનો સાફ સફાઇનો કોન્ટ્રાકટ ઓલમ્પસ હોસ્પિટલે તે માણસો પુરા પાડતો ન હોવાથી રદ કર્યો હતો. પોતે તેના કોન્ટ્રાકટમાં જ કામ કરતો હતો. પણ પોતે છુટો થઇ ગયા બાદ તેનો કોન્ટ્રાકટ રદ થઇ જતાં ખાર રાખી અપહરણ કરી હુમલો કર્યો હતો. એસીપી પૂર્વની રાહબરી એઠળ એ-ડિવીઝન પોલીસ વિશેષ તપાસ કરે છે. (૧૪.૫)

(12:03 pm IST)