Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ગાંધી મ્યુઝીયમ માટે ખાસ કંપની રચાશેઃ વધારાના ૧પ.૮૪ કરોડ ખર્ચાયા

આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાત્મા ગાંધી અનુભુતી કેન્દ્ર માટે ર૬.૯ કરોડ ખર્ચાયાઃ મ્યુઝીયમમાં પ્રાર્થના રૂમ, થીયેટર, દાંડી યાત્રાને જીવંત બનાવતો ડાયોરામા, ગાંધીજીની જીવનશૈલીને વર્ણવતા ચલચિત્ર, થ્રીડી પ્રોજેકશન શો અને એનીમેશન ગ્રાફીક સહિતની સુવિધાઓઃ આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં મ્યુઝીમયના ખર્ચની દરખાસ્તને લીલીઝંડી અપાશે

રાજકોટ, તા., ૩૧: શહેરમાં આવેલ ઐતિહાસિક આલ્ફેડ હાઇસ્કુલ એટલે કે જુની મહાત્મા ગાંધી સ્કુલના બિલ્ડીંગમાં મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા રૂ.૨૬ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અદ્યતન મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવવામાં આવી રહયું છે. જેના સંચાલન માટે ખાસ એસપીવી એટલે કે ખાસ કંપની રચવા તથા વધારાનો ૧પ.૮૪ કરોડનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં કમિશ્નર દ્વારા રજુ થઇ છે.

આ દરખાસ્ત મુજબ મહાત્મા ગાંધી અનુભુતી કેન્દ્ર એટલે કે ગાંધી મ્યુઝીયમ સમગ્ર દેશમાં નમુનેદાર બને તે માટે મ્યુઝીયમમાં પુ. બાપુના વિદ્યાર્થીકાળના સંસ્મરણો તથા તેમના જીવન ચરિત્ર સંબંધીત જુદા-જુદા પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. જેમાં પ્રાર્થના રૂમ, થીયેટર, દાંડી યાત્રાનો ડાયોરામા, એનીમેશન ગ્રાફીક વિડીયો વોલ, થ્રીડી પ્રોજેકશન સહિતની આધુનિક સુવિધાઓ સજ્જ કરવામાં આવી રહી છે.

હવે આ મ્યુઝીયમમાં કુલ ૩૪ રૂમમાં કયુરેશન વર્ક, ઇન્ટીરીયર ફર્નીચર, ટીકીટ વિન્ડો, ઇલેકટ્રીકલ કામગીરી, કલર કામ, આ તમામ માટેનો કોન્ટ્રાકટ રૂ. ૧પ.૮પ કરોડના ખર્ચે અમદાવાદની વામા કોમ્યુનીકેશનને આપવાની દરખાસ્ત છે.

આ દરખાસ્ત મુજબ કંમ્પાઉન્ડ વોલ, લાઇબ્રેરી, ફુડકોટ, કીડસ ઝોન, કોન્ફરન્સ રૂમ અને ગ્રાઉન્ડમાં લેન્ડ સ્કેપીંગ સહિતનું કામ કોન્ટ્રાકટર એજન્સીએ કરવાનું રહેશે.

નોંધનીય છે કે આ મ્યુઝીયમ માટે ૧૧.૧પ કરોડનો ખર્ચ કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા આપવામાં આવી રહયો છે તથા ર૧.૧પ કરોડની સહાય ગુજરાત ટુરીઝમ અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આપવામાં આવી રહી છે.

નોંધનીય છે કે ઉપરોકત ગાંધી મ્યુઝીયમના સંચાલન માટે કોર્પોરેશન દ્વારા ખાસ કંપની ઉભી કરવા અંગે પણ દરખાસ્તમાં કમિશ્નરશ્રી દ્વારા ભલામણ કરાઇ છે.

(4:18 pm IST)