Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

તલાટીઓની બદલીથી વિવાદ, ડી.ડી.ઓ. સાથે મંડળની ચર્ચા

૯ જેટલા તલાટીઓની બદલી અન્યાયી હોવાની રજુઆત : સંતોષકારક ઉકેલ ન આવે તો રણનીતી ઘડશે તલાટી મંડળ

રાજકોટ, તા. ૧ :. ગઈકાલે જિલ્લા પંચાયતના વિકાસ અધિકારીએ ૨૦ તલાટીઓની બદલીના હુકમ કરી બદલી પામેલાના છૂટા કરી દીધા છે. અમુક તલાટીઓની બદલીથી વિવાદ સર્જાયો છે. ૯ જેટલા તલાટીઓની બદલી આડેધડ અને અન્યાયી હોવાનો અવાજ જિલ્લા તલાટી મંત્રી મંડળે ઉઠાવ્યો છે. ગઈકાલે આ બાબતે વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવેલ. હજુ ફરી રજૂઆત કરવાની તૈયારી છે. જેની સામે કોઈ પ્રકારની ફરીયાદ કે અસંતોષ નહોતો તેવા ૯ જેટલા તલાટીઓની બદલી જે રીતે કરવામાં આવી છે તે અન્યાયી હોવાનું તલાટી મંડળનું કહેવુ છે. આ પ્રશ્ને ઉકેલ ન આવે તો સત્યાગ્રહ કરવા સુધીની તલાટી મંડળે વિચારણા કરી છે.

તલાટી મંડળના પ્રમુખ ચિરાગ ગરૈયાએ જણાવેલ કે તલાટીઓની બદલીના જે હુકમ થયા છે તેમાના ૯ જેટલા હુકમ વ્યાજબી જણાતા નથી. આ અંગે અમે ગઈકાલે વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. તેમણે ફરી આજે ચર્ચા માટે બોલાવવાનું આશ્વાસન આપ્યુ છે. ફરી તેમની સાથે બેઠક થયા બાદ સારો ઉકેલ આવશે અને હુકમમાં સુધારો થશે તેવી આશા છે. જો સંતોષકારક કાર્યવાહી નહી થાય તો તલાટી મંડળના આગેવાનો સાથે મળીને રણનીતિ નક્કી કરશે.

(3:57 pm IST)