Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કોંગ્રેસના ઇશારે કુદતા વિજય દેશાણીને ખખડાવતુ હાઇકમાન્ડ

કુલનાયક વિજય દેશાણીની ઓફીસ કોંગ્રેસ કાર્યાલય બની ગયું: સીન્ડીકેટના મૂળ ઠરાવમાં કોંગ્રેસના ઇશારે ફેરફાર કરતા પ્રથમ સીન્ડીકેટ સભ્યો અને બાદમાં ગાંધીનગરથી મોબાઇલમાં માપમાં રહેવા કરી તાકીદ અનેકવિધ ચર્ચાઃ કુલપતી પેથાણીને પણ ઝપટે લીધા

રાજકોટ, તા., ૧: છેલ્લા દોઢ વર્ષથી દેરાણી-જેઠાણીની જેમ ઝઘડતા કુલપતિ નીતીન પેથાણી અને કુલનાયક વિજય દેશાણી સામે હવે ભાજપ સ્થાનીક અને ઉચ્ચકક્ષાએ પણ ખુબ નારાજ હોય હવે અનેક ચેતવણી છતા બંન્નેના વલણમાં કોઇ પરીવર્તન ન આવતા લાલ આંખ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ સંઘનું પુર્ણ વર્ચસ્વ છે. છતા કોંગ્રેસના ઇશારે કાર્યકર્તા  વિજય દેશાણી ભાજપમાં સૌથી વધુ રોષનો ભોગ બન્યા છે. કુલનાયકની ઓફીસ જાણે કોંગ્રેસનું કાર્યાલય બની ગયું હોય તેમ બપોરે ૩ થી પ વાગ્યા સુધી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ અડીંગો જમાવી બેસતા હોય છે.

કુલનાયક વિજય દેશાણીની ઓફીસ જ નહિ પરંતુ ખુદ વિજય દેશાણી અનેક નિર્ણયો ચાણકય ગણાતા નિદત બારોટના ઇશારે લેતા હોવાની ભાજપના સીન્ડીકેટ સભ્યોના ધ્યાને આવતા અનેકવાર ચેતવ્યા  છતા વિવાદાસ્પદ વિજય દેશાણી કોંગ્રેસ ઉપરનો પ્રેમ ચાલુ રાખ્યો હતો.

તાજેતરમાં મળેલી સીન્ડીકેટની બેઠકમાં  કોન્વોકેશનના સંદર્ભમાં થયેલા ઠરાવમાં તમામ સીન્ડીકેટ સભ્યોની સહી સાથે બહુમતીથી નિર્ણય કર્યો હતો. પરંતુ  કુલપતિ  પેથાણી અને કુલનાયક દેશાણીની કથીત સુચનાથી પુર્વ કુલપતિ કમલેશ જોશીપુરા, કલ્પક ત્રિવેદી અને ભરત રામાનુજ સામે પુર્વગ્રહ હોય તેમ મૂળ ઠરાવમાં ફેરફાર કરાવીને કોંગ્રેસનો પક્ષ લેતા સ્થાનીક ભાજપ અને ગાંધીનગર સ્થિત હાઇકમાન્ડ ચોંકી ઉઠયું હતુ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ગઇકાલે સાંજે  ભાજપના સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલ, મેહુલ રૂપાણી, ભાવીન કોઠારી, ભરત રામાનુજ, વિજય ભટાસણાએ કુલપતિ પેથાણી અને કુલનાથ દેશાણીનો બરોબરનો ઉધડો લીધો હતો. પેથાણી અને દેશાણીએ પરસ્પર ખો આપવાની નિતી અપનાવી હતી. પરંતુ ભાજપના સીન્ડીકેટ સભ્યોના આકરા મિજાજથી દેશાણી તો જાણે ઢીલાઢફ થઇ ગયા હતા અને બીજી વાર કાળજી રાખવાની અતિ નમ્ર ભાવે અને પડી ગયેલા મોઢે ખાત્રી આપી હતી.

વિજય દેશાણીની કારીગીરીથી સૌ કોઇ પરીચીત હોય ભાજપના સ્થાનીક નેતાઓએ હાઇકમાન્ડ ને આ ઘટનાથી વાકેફ કરતા હાઇકમાન્ડે પણ મોબાઇલ ઉપર બરોબરના ખખડાવી નાખ્યા હોવાનું આધારભુત વર્તુળોએ જણાવ્યું છે.

(3:56 pm IST)