Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજકોટના પાટીદાર વેપારીઓ સામે એક કરોડ ૬૦ લાખના ચેક રિટર્નની ફરિયાદ સામે ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ

રાજકોટ તા. ૧: ભાવનગરની ખ્યાતનામ સત્યમ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર દ્વારા રાજકોટના પટેલ વેપારીઓ વિરૂધ્ધ કરવામાં આવેલ રૂ. ૧,પ૯,૮ર,૯ર૧/-નો ચેક રીટર્નની ફરીયાદ તથા આનુસાંગીક તમામ કાર્યવાહીઓ હાઇકોર્ટ દ્વારા પેઢીમાંથી અપાયેલ ચેકમાં ભાગીદારોને વિભકત રીતે જવાબદાર ગણી શકાય નહીં તેવા કાનુની મુદ્દાને સ્વીકારી સ્થગિત કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ભાવનગરના નવાગામ (કરદેજ) સ્થિત પ્રખ્યાત 'સત્યમ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ'ના વહિવટકર્તા હર્ષદભાઇ મનસુખભાઇ ચૌહાણે ભાવનગરની અદાલતમાં રાજકોટ સ્થિત કામનાથ એન્ટરપ્રાઇઝના ભાગીદારો પ્રજ્ઞેશ પટેલ, દર્શક પટેલ તથા નીતેશ દાધણીયા સામેની ફરીયાદમાં જણાવેલ હતું કે ફરીયાદી પેઢી લોખંડ રીરોલ કરી તેના સળીયા બનાવી વેંચાણ કરવાનો ધંધો કરે છે અને આરોપીઓ અવાર નવાર કરોડો રૂપીયાનો માલ ફરીયાદી પાસેથી મેળવતા હોય બન્ને વચ્ચે સારા વ્યાપારીક સંબંધો બંધાયેલા સને-ર૦૧૯માં ફરીયાદી દ્વારા આરોપીઓની માંગણી મુજબ સમયાંતરે રૂ. ૧,પ૯,૮ર,૯ર૧/- (અંકે રૂપિયા એક કરોડ ઓગણસાંઇઠ લાખ બીયાંસી હજાર નવસો એકવીસ પુરા) ના લોખંડના સળીયા તથા આનુસાંગીક વસ્તુઓ મોકલવામાં આવેલ હતી.

તમામ માલ આરોપીઓને મળી જતા ફરીયાદીએ પોતાની લેણી નીકળતી રકમની ઉઘરાણી કરતા કામનાથ એન્ટરપ્રાઇઝા દ્વારા ફરીયાદીને ચેક આપવામાં આવેલ હતો જે ચેક ફરીયાદીએ બેંકમાં વટાવવા માટે રજૂ કરેલ પરંતુ આરોપીઓએ સ્ટોપ પેમેન્ટ કરાવેલ હોય ચેક પરત ફરતા કાયદાની પ્રક્રિયા અનુસર્યા બાદ ફરીયાદી દ્વારા કામનાથ એન્ટરપ્રાઇઝના ભાગીદારો પ્રજ્ઞેશ પટેલ, દર્શક પટેલ તથા નીતેશ દાધણીયા રહે. બધા અનમોલ એપાર્ટમેન્ટ, સનસીટીની બાજુમાં, સાધુવાસવાણી રોડ, રાજકોટવાળા વિરૂધ્ધ ભાવડનગરની અદાલતમાં ફરીયાદ દાખલ કરતા અદાલતે તમામ આરોપીઓને હાજર થવા આદેશ કરેલ હતો.

આરોપીઓને અદાલત સમક્ષ હાજર રહેવા સમન્સ મળતા આરોપીઓ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત ફરીયાદમાં માત્ર ભાગીદારોને વિભકત રીતે આરોપી બનાવેલ હોય જેથી ફરીયાદ ટકવાપાત્ર નથી તેવા કાયદાકીય મુદ્દા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરેલ હતી અને તાત્કાલીક સુનાવણી માંગી 'સ્ટે' આપવા વિનંતી કરેલ હતી.

ઉપરોકત તમામ દલીલો તેમજ ઉઠાવાયેલ કાયદાકીય મુદ્દાઓમાં પ્રથમ દર્શનીય રીતે તથ્ય જણાતા હાઇકોર્ટ દ્વારા તમામ આરોપીઓને રાહત આપી ફરીયાદી દ્વારા કરવામાં આવેલ ફરીયાદ તથા આનુસાંગીક તમામ પ્રોસીડીંગ્ઝ સ્ટે કરતો હુકમ ફરમાવેલ હતો.

આ કાયદાકીય લડતમાં તમામ આરોપીઓ વતી ગુજરાત હાઇકોર્ટમાં જાણીતા યુવા ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, કૃષ્ણ ગોર, ગૌરાંગ ગોકાણી, અંશ ભારદ્વાજ, હાર્દિક શેઠ, હર્ષ ભીમાણી રોકાયેલ છે. 

(2:43 pm IST)