Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પેડક રોડ પર મનિષ સિંધવ પર ચાર શખ્સોનો છરી પાઇપથી હુમલોઃ હથીયાર બતાવી ડરાવ્યો

જુની અદાવતનો ખાર રાખી હિતેષ ગોલતર, અજય, રોહિત અને અજાણ્યા શખ્સે માથાકુટ કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૧: સામા કાંઠે સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-૧૧માં રહેતાં અને શાપરમાં હોટેલ ધરાવતાં મનિષ વશરામભાઇ સિંધવ (ઉ.વ.૨૬) નામના ભરવાડ યુવાન પર સાંજે પેડક રોડ પર ચાર શખ્સોએ છરી પાઇપથી હુમલો કરી માર મારી તેમજ કોઇ હથીયાર દેખાડી ડરાવી ઢીકા-પાટુનો માર મારતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

મનિષ સિંધવ ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાના પર હુમલો થયાનું કહેતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જાણ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ પી. એ. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી તેની ફરિયાદ પરથી ભગીરથ સોસાયટી-૬ના હિતેષ મછાભાઇ ગોલતર, અજય લખુભાઇ ગોલતર, રોહિત મછાભાઇ ગોલતર તથા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

મનિષના કહેવા મુજબ તે સાંજે મોબાઇલ ફોનનું રિચાર્જ કરાવવા ગયો ત્યારે જુની અદાવતનો ખાર રાખી હિતેષ, અજય અને રોહિતે અટકાવી છરીથી હુમલો કરી પેટના ભાગે સામાન્ય ઇજા કરી તેમજ લોખંડના પાઇપથી માર માર્યો હતો. તેમજ અંધારામાં કોઇ હથીયાર બતાવી ડરાવ્યો હતો. અજાણ્યા શખ્સે પકડી રાખી ઢીકા-પાટુનો માર માર્યો હતો. પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(1:13 pm IST)